Get The App

રાષ્ટ્રપતિના વિકાસલક્ષી સંકેતો .

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
રાષ્ટ્રપતિના વિકાસલક્ષી સંકેતો                             . 1 - image


લોકસભાના નવા સત્ર પહેલાં સંસદમાં રાષ્ટ્રપતિનું સંબોધન એ માત્ર બંધારણીય પ્રક્રિયા નથી, કારણ કે તે સામાન્ય રીતે આગામી પાંચ વર્ષની સરકારની નીતિઓ અને યોજનાઓની રૂપરેખા દર્શાવે છે. ૧૮મી લોકસભાની શરૂઆત પછી સંસદના પ્રથમ સંયુક્ત સત્રને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જે કહ્યું તે ઘણી રીતે મહત્ત્વપૂર્ણ છે. આ સંબોધન ત્યારે આવ્યું જ્યારે નરેન્દ્ર મોદીનો વડાપ્રધાન તરીકેનો ત્રીજો કાર્યકાળ શરૂ થયો, પરંતુ આ તે ટર્મ છે જ્યાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના ભાગીદારોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે અગાઉના બે પ્રસંગની જેમ આ વખતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને પોતાની મેળે એકલપંથી બહુમતી મળી શકી નથી.

વ્યાપક સામાજિક-રાજકીય ચર્ચાને અનુરૂપ એવા સમયે રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું જ્યારે રોજગાર, ખાસ કરીને યુવા બેરોજગારી એક નિર્ણાયક મુદ્દો છે અને સ્થાનિક અને વિદેશી વ્યવસાયો દ્વારા રોકાણ નબળું પડયું છે. આવી સ્થિતિમાં, આ ભાષણમાંથી અપેક્ષા રાખવામાં આવી હતી કે નીતિની દિશાને લઈને મહત્વપૂર્ણ બાબતો કહેવામાં આવશે. આ પ્રવચનમાં સરકારની ભૂતકાળની સિદ્ધિઓ વિશે વિસ્તારપૂર્વક વાત કરવામાં આવી હતી, જે થોડીક વધુ પડતી અને સ્વસ્તુતિયુક્ત હતી. કેવી રીતે ભારત દસ વર્ષ પહેલાં વિશ્વની ૧૧મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી તેમાંથી હવે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને હાલમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની છે એનું મહિમાગાન પણ આ અભિભાષણમાં વ્યક્ત થયું. આ સંજોગોનો શ્રેય 'રિફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ'ને આપવામાં આવ્યો હતો.

આર્થિક વૃદ્ધિના મોરચે, તે રેખાંકિત કરવામાં આવ્યું હતું કે કોવિડ પછી, ૨૦૨૧ અને ૨૦૨૪ વચ્ચે વૃદ્ધિનો અવકાશ વાષક ધોરણે ૮ ટકા રહ્યો છે અને રહેશે. એકંદરે, સંબોધનમાં તમામ રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સ્પર્શ કરવામાં આવ્યો હતો. ગરીબી નાબૂદી, પર્યાવરણને અનુકૂળ અર્થવ્યવસ્થા, ખેડૂતો અને મહિલાઓના સશક્તિકરણ વગેરે પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જે વિષયો પર ભૂતકાળમાં ઘણો વિરોધ થયો છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે, ભાષણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સરકારે વિવાદાસ્પદ નાગરિકતા સુધારા કાયદા હેઠળ નાગરિકતા આપવાનું શરૂ કર્યું છે, કેવી રીતે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો છેલ્લી ચૂંટણીમાં ફરી એકવાર અસરકારક સાબિત થયા હતા અને કેવી રીતે કલમ ૩૭૦ નાબૂદ કરવાથી જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિશેષ દરજ્જામાં તથા જનજીવનમાં ફેરફાર આવ્યો.

રસપ્રદ વાત એ છે કે ભાષણમાં તેઓ પરીક્ષા સંબંધિત સંસ્થાઓમાં વ્યાપક ફેરફારો કરવાના વચનથી પાછળ હટયા નથી. આ નેશનલ ઈલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (શઈઈ્)ના તાજેતરના પેપર લીક સાથે સંબંધિત બાબત છે. ધ્યાનમાં રાખો કે આ પરીક્ષા કેન્દ્ર સરકારની એક સંસ્થાના નેતૃત્વ હેઠળ લેવામાં આવે છે. રાષ્ટ્રપતિના સંબોધનમાં એવા મજબૂત સંકેતો હતા કે સરકાર આગામી સામાન્ય બજેટ માટે પોતાની પ્રતિબદ્ધતાઓને પ્રતિબિંબિત કરવા તૈયારી કરી રહી છે. મુર્મુના સંબોધનમાં સ્પષ્ટપણે સમજાવ્યું કે કેવી રીતે આગામી બજેટ સરકારની દૂરગામી અને આગળ દેખાતી નીતિઓ અને વિઝનનો અસરકારક દસ્તાવેજ બની રહેશે. મુર્મુએ વચન આપ્યું હતું કે બજેટમાં મુખ્ય આર્થિક અને સામાજિક નિર્ણયો સાથે ઘણા ઐતિહાસિક પગલાં પણ જોવા મળશે.

તેમણે કહ્યું કે બજેટ સુધારાની ગતિને વેગ આપશે અને આ ઝડપી વિકાસ માટે દેશના લોકોની આકાંક્ષા સાથે સુસંગત હશે. આમાં મહત્ત્વની બાબત એ હતી કે વિશ્વભરમાંથી રોકાણ આકર્ષવા માટે રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવું. તેમણે કહ્યું કે આમ કરવું સ્પર્ધાત્મક સહકારી સંઘવાદની સાચી ભાવના સાથે સુસંગત રહેશે. લોકસભાના વર્તમાન સ્વરૂપમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર જોરશોરથી ચર્ચા થવાની અપેક્ષા છે, પરંતુ વિપક્ષ માટે બજેટ સુધી રાહ જોવાનું વધુ સારું રહેશે. જોકે ખડગે સહિતના કેટલાક અગ્રણી કોંગ્રેસી નેતાઓએ રાષ્ટ્રપતિના અભિભાષણના મુસદ્દા પર આંશિક વિરોધ વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ ભવનમાં તૈયાર થયેલા ભાષણ અનૈ પીએમઓમાં તૈયાર થતા ભાષણ વચ્ચેની ભેદરેખા સાંસદો સ્વયં સારી રીતે સમજી શકે છે.


Google NewsGoogle News