Get The App

ચીન તરફની મૂર્ખતા .

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
ચીન તરફની મૂર્ખતા                                . 1 - image

યુરોપના દેશો જેવું પાડોશીસુખ આપણને મળ્યું નથી. આઝાદીના સમયથી ભારતના પાડોશી દેશો દગાબાજી, અપલક્ષણ અને ઇર્ષ્યા બતાવતા રહે છે. મ્યાનમાર જેવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા દેશોની સરહદ પણ આપણા માટે ચિંતાજનક નીવડે છે. હમણાં સુધી હિન્દુ રાષ્ટ્ર રહેલું નેપાળ પણ ચીનના વાદે ચડીને ભારત વિરુદ્ધ બેફામ નિવેદનો કરતું થયું છે. ભૂતાન, તિબેટ બાજુ પણ ચીનનો રાજકીય ત્રાસ રહે છે. જૂના અરુણાચલ પ્રદેશનો તો ઘણો હિસ્સો આપણે ગુમાવી દીધો છે. જેને જન્મ જ ભારતે આપ્યો છે એ બાંગ્લાદેશ નમક હરામ બનીને ભારતનો નવો દુશ્મન બનવા લાગ્યો છે અને પાકિસ્તાના હાથમાં આ એક નવું રમકડું આવ્યું છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યને તો પાકિસ્તાન અને ચીન એક કેક સમજે છે. અને એને કેકની જેમ કાપીને વધુ કેટલોક હિસ્સો ઓહિયા કરી જવા માટે દાયકાઓથી ટાપીને બેઠા છે. તણાવયુક્ત સરહદોને કારણે દેશને કમ્મરતોડ ખર્ચ પહોંચતો હોય છે. યુદ્ધ ન થયું હોય એવી સ્થિતિમાં પણ દુષ્ટ પાકિસ્તાન અને લુચ્ચા ચીને આપણને અઢળક નુકસાન પહોચાડયું છે.

દુનિયાને કોરોનાનો અભિશાપ આપીને પોતે એમાંથી સાપ જેમ કાંચળીમાંથી નીકળે એમ સરકીને છટકી જનાર ચીને તેની અસલિયત દેખાડવાનું ચાલુ કર્યું છે. ચીને કદી પણ પોતાનો સ્વભાવ છોડયો નથી. કોઈ બીજો દેશ કે એનો નેતા મનોમન જ ચીનને એકતરફી પ્રેમ કરે તો એમાં ચીન શું કરે ? પંચતંત્રની કથા પ્રમાણે શાકાહારી પશુઓ કોઈ માંસાહારી પશુની દોસ્તી કરે તો એ મૂર્ખતા જ હોય છે. ભારતે આવી મૂર્ખતા તેના નેતાઓની અલ્પમતિને કારણે વારંવાર કરી છે. હજુ પણ ચીનનું નાક કાપવા એના નામજોગ ગુસ્સો વ્યક્ત કરવાનું મુહૂર્ત તેઓ શોધે છે. ચીન કે તેના ખીલ્લે ઉછળતા પાકિસ્તાન કે નેપાળ અને હવે બાંગ્લાદેશ જેવા ટચુકડા રાષ્ટ્રોની હિમ્મત એટલી વધતી જાય છે કે તેઓ જાણે છે કે ભારતીય સેનાનું સંપૂર્ણ આધુનિકીકરણ થયું નથી. વીસમી સદીના અંતે ભારતીય સેના પાસે બીજા વિશ્વયુદ્ધ સમયના શસ્ત્રો હતા.

અનેક પ્રયાસો, અનેક અવસરો અને અનેક રજૂઆતો પછી પણ ભારત શસ્ત્ર બાબતે આત્મનિર્ભર બની શક્યું નથી. ભારતીય સેનાને સ્વદેશી શસ્ત્રો પુરા પાડવા માટે નિમેલી સંસ્થા ડીઆરડીઓ પણ સંપૂર્ણ સ્વદેશી તોપ કે સ્વદેશી એન્ટી ટેન્ક મિસાઈલ બનાવી શકી નથી અગર તો રાજકીય માથાકૂટને કારણે સ્વદેશી શસ્ત્ર નિર્માણ થઈ શક્યું નથી. ભારતે આજે પણ પોતાના શસ્ત્રો માટે વિદેશ ઉપર આધાર રાખવો પડે છે. રશિયા, ફ્રાન્સ, ઇઝરાયેલ કે અમેરિકા પાસેથી અતિ મોંઘાં શસ્ત્રો ખરીદવા પડે છે. ભારતે રશિયા પાસેથી તાજેતરમાં તેત્રીસ લડાયક વિમાન ખરીદવાનો નિર્ણય કર્યો છે. તેને કારણે ભારતીય વાયુસેનાની તાકાત ચોક્કસપણે બેવડાશે અને સરહદોના ઘણા પ્રશ્નોનું નિરાકરણ આવી શકશે.

સરકાર દ્વારા સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની જે વાત બ્યુગલ વગાડીને કહેવામાં આવે છે એ બહુ જ આંશિક છે. શસ્ત્રોમાં પરોપજીવી રહેવું એ અસ્તિત્વનો મોટો જુગાર છે. લદાખના પૂર્વ ભાગમાં ભારત અને ચીન વચ્ચેની સરહદ ઉપર છેલ્લા થોડા વરસોથી જે તણાવ ચાલી રહ્યો છે તેના પરથી એક વાત નિશ્ચિત છે કે ભારતીય લશ્કરે તેની તાકાત વધારવી પડશે. વાયુસેનાનું આધુનિકીકરણ થાય તેવી કોશિશો ભૂતકાળમાં થઈ છે, પરંતુ અત્યારના નાજુક સમયમાં શસ્ત્રભંડારમાં ઉમેરણ માટે મોડું કરવું બિલકુલ પાલવે તેમ નથી. ભારતની આ શસ્ત્રખરીદી દુશ્મન દેશો માટે પણ એક સ્પષ્ટ સંકેત છે કે ભારતીય લશ્કર તડામાર તૈયારી સાથે સુસજ્જ થઈ રહ્યું છે. ભવિષ્યમાં પરિસ્થિતિ વણસે કે ચીન વધુ અવળચંડાઇ કરે તો ભારતીય લશ્કર તેનો જવાબ આપવા માટે સક્ષમ છે.

ભારતની વાયુસેના હોવા જોઈએ તેના કરતા ઓછા લડાયક વિમાનો ધરાવે છે. લડાયક વિમાનોની ખોટ સમગ્ર ભારતને ભારે પડી શકે તેમ છે. માટે જ અત્યારે વાયુસેનાના વિમાનોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. રશિયા સાથેના સોદા મુજબ ભારત રશિયા પાસેથી એકવીસ મિગ-૨૯ અને બાર સુખોઈ-૩૦ વિમાનો મેળવી લીધા છે. સુખોઈ વિમાનના ઉત્પાદન માટે ટેક્નિકલ સહયોગ સંલગ્ન ભારત અને રશિયા વચ્ચે કરાર થયેલા છે. જુના મિગ-વિમાનોનું પણ નવીનીકરણ કરવામાં આવશે. ભૂમિદળની તાકાત વધારવા માટે રોકેટ લૉન્ચર પીનાક અને મિસાઈલો ખરીદવા ઉપરાંત રેડિયો સોફ્ટવેરને પણ આધુનિક બનાવવાનું કામ થયું છે. નૌકાદળ માટે પણ લાંબા અંતરની ગાઇડેડ મિસાઈલ પ્રણાલી વસાવવામાં આવી છે.ભારતે બે મોરચે તૈયાર રહેવું પડે છે, પાકિસ્તાન અને ચીન. છેલ્લા થોડા વર્ષોથી બંને દેશો ભારતીય સરહદ ઉપર આક્રમકતા દાખવી રહ્યા છે.