Get The App

બેન્કિંગ સેક્ટરની ઉપાધિ .

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
બેન્કિંગ સેક્ટરની ઉપાધિ                              . 1 - image

આપણા દેશમાં એકવીસ જેટલી પબ્લિક સેક્ટર બેન્કના દસ લાખ કર્મચારીઓ છે. છેલ્લા  એક દાયકામાં ભારતની બેન્કોની જે સ્થિતિ થઇ છે તે ઈતિહાસમાં યાદ રહેશે એવું લાગે છે કારણ કે આખો દેશ બેન્ક ઉપર આટલો બધો નિર્ભર ક્યારેય નથી રહ્યો. વર્તમાન સરકારનાં દસ વરસ પૂરા થયાં ત્યારે પુર્ણાહુતિ નિમિત્તે થયેલી કાયદેસરની સરકારી આભાર વિધિમાં પ્રમુખ આભાર બેન્કોનો માનવામાં આવ્યો હતો. દેશનો વિકાસ એટલે આથક વિકાસ, આ સાદું ગણિત સત્તાધારી પક્ષો અને વિપક્ષો બંને જાણે છે અને સહમત પણ થાય છે. પણ  પ્રશંસાથી કોઈનું પેટ ભરાતું નથી. બેન્ક કર્મચારીઓની આવી સ્થિતિ અગાઉ ક્યારેય થઇ ન હતી જેવી અત્યારે છે.

અનેક ઉદાહરણોમાંથી એક ઉલ્લેખ કરીએ તો ગેસ સિલિન્ડરની સબસીડીનું કામ બેન્કો સંભાળે છે. યુપીએ-ટુની સરકારના મૂળ આઈડિયાને મેકઅપ કરીને જન ધન યોજના શરૂ કરવામાં આવી અને કરોડો લોકોનાં બેન્ક ખાતા ખોલવામાં આવ્યાં. આશરે એંશી કરોડ બેન્ક ખાતાં ખોલવાનું કામ પણ બેન્ક કર્મચારીઓએ કર્યું જે તેમની ફરજનો ભાગ હતો અને તે કામ હોંશે હોંશે પૂરું પણ થયું. તેના પછી આવી મુદ્રા લોનની યોજના. આ યોજના હેઠળ કર્મચારીઓને લોન આપવાનાં ટાર્ગેટ પણ મળ્યાં જે પૂરા કરવા માટે તેમણે દિવસ-રાત મહેનત કરવાની આવી. આવી ઘણી મહત્ત્વની યોજનાઓ સિવાય બેન્ક કર્મચારીઓ ઉપર બોજો પ્રવેગી ગતિમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન વધતો રહ્યો. બેન્કોના ટોચના અધિકારીઓએ દેશના કેટલાક ઉદ્યોગપતિઓ સાથે આચરેલા કૌભાંડને કારણે સમગ્ર બેન્ક સ્ટાફને સમાજની વક્ર નજરમાંથી પસાર થવાનું આવ્યું છે.

નોટબંધીએ તો વળી રાતોરાત બેન્કોને એકસો ત્રીસ કરોડ પ્રજાજનોનું કેન્દ્ર બનાવી દીધું. તે સમયગાળામાં પણ બેન્ક કર્મચારીઓએ સતત કામ કર્યું છે, રજાના દિવસે પણ કામ કર્યું છે અને અંગત રજા પાળ્યા વિના કામ કર્યું છે. એ અરસા દરમિયાન એકવીસ જેટલા બેન્કના કર્મચારીઓનું મૃત્યુ હૃદયરોગનો હુમલો કે એવા સ્ટ્રેસ સંબંધિત બિમારીને કારણે થયું હતું એ પણ એક બીજી સમાંતર હકીકત છે. આખી દુનિયામાં બેન્કિંગ એકમાત્ર સેક્ટર એવું છે જેમાં કમ્પ્યુટર પ્રવેશ્યા પછી કામનું ભારણ ઘટવાને બદલે બેસુમાર ઝડપે વધ્યું છે. કમ્પ્યુટર નામના મશીન બેંક કર્મચારીઓના મિત્ર કેમ ન બની શક્યા એ સોશિયો-ઇકો-ટેકનોલોજિકલ ફ્યુઝન રિસર્ચ કરતાં વિદ્યાર્થી માટે રસનો વિષય બની શકે એમ છે, પણ અત્યારે વાસ્તવિકતા એ છે કે બેંક કર્મચારીઓ સરકારથી સખત નારાજ છે.

ઇન્દિરા ગાંધીના સમયમાં એકવીસ દિવસની વિક્રમસર્જક બેન્ક હડતાલ પડી હતી. વડાપ્રધાન મોદી અને તેમના નાણામંત્રીની નીતિરીતિઓથી બેન્ક કર્મચારીઓની પ્રીતિરીતિઓ એકસો એંશી અંશના ખૂણે પલટાઈ ગઈ છે. માટે જ ઇન્ડિયન બેન્ક એસોસિએશન સાથે સરકારને નિરંતર અથડામણ રહે છે.

દરેક બેન્કના યુનિયન હોય છે અને આવાં સઘળાં યુનિયન યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનના વડપણ હેઠળ આવે છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિએશન પણ સરકાર સામે કર્મચારીઓની તરફેણમાં માંગણીઓ મુકવા માટે મુખ્ય ભાગ ભજવે છે. એક આરટીઆઈમાંથી મળેલી માહિતી મુજબ, મુદ્રા યોજનાના ૩૯.૧૨ લાખ ખાતાઓ નોન-પરફોર્મિંગ એસેટ્સમાં ફેરવાઈ ગયાં છે. તો આ ખાતામાં રહેલા ૧૧,૩૧૭ કરોડ રૂપિયા બેડ લોનમાં ફેરવાઈ ગયા તેની જવાબદારી કોની? વિજય માલ્યા કે નીરવ મોદી જેવા કૌભાંડીઓને તો યાદ પણ ન કરીએ તો પણ બેન્કમાં સરકાર પ્રેરિત આટલી બધી અવ્યવસ્થાઓ પ્રવર્તે છે, જેમાં કર્મચારીઓ ને બદલે પોલિસી અધિક જવાબદાર છે.

ઇન્ડિયન સિટીઝન એન્વાયરમેન્ટ એન્ડ કન્ઝયુમર ઈકોનોમીના રિપોર્ટ મુજબ, ભારતના ચાર દેણદારો પેકી બે દેણદાર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા છે. પ્રજા ઉપર મોંઘવારીનો ભાર વધ્યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાનની બુલંદીઓને સ્પર્શવા જઈ રહ્યા હોય એવું લાગે છે. આવા માહોલમાં બેન્ક કર્મચારીઓને તેની મહેનતનું વળતર ફક્ત ઉપેક્ષા અને પ્રશંસાના બે મીઠા બોલથી મળે છે. સૌથી વધુ ચાર્જશીટ બેંક કર્મચારીઓ વિરુદ્ધ જ ફાઈલ થતી હોય છે. લોન અને ખાતાનો નિશ્ચિત લક્ષ્યાંક પૂરો કરવા અને લોન રીકવરી ન થાય તો તેના પછીનાં પગલાં ભરવાની જવાબદારી પણ આ કર્મચારીઓના ખભા પર જ આવે છે. બીજા કોઈ પણ સરકારી ઓફિસરોના પગારવધારામાં સરકાર આનાકાની ન કરતી હોય તો સરકારની બધી યોજનાઓને કારણે જેનું મૂળભૂત રુટિન કામકાજ ડહોળાઈ ગયું છે તેવા બેન્કના કર્મચારીઓનું વાંક શું અને ગુનો શું? મહત્ત્વનો મુદ્દો જો કે નોન-પરફોર્મિંગ એસેટ્સનો છે, જેનું નિરાકરણ તરત એટલે આવી શકે એમ નથી કારણ કે તેમાં ઊંડું અને અતલ રાજકારણ ભળેલું છે.