Get The App

ઈઝરાયલનો કઠિન બોધપાઠ

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
ઈઝરાયલનો કઠિન બોધપાઠ 1 - image


નેવુંના દાયકામાં ભારતના ખેડૂતો ખેતીની નવીન પદ્ધતિઓ શીખવા માટે ઇઝરાયેલની ઘણી ખેપ કરતા. દૂરથી જોતા ઇઝરાયેલ અને ભારત વચ્ચે સરખામણી થઈ ન શકે. પણ નજીકથી જોઈએ તો ઇઝરાયેલ અને ભારત વચ્ચે ઘણું સામ્ય છે, ખાસ કરીને પાડોશી મુલ્કોના મુદ્દે. એ બાબતે બંને દેશોના નસીબ ખરાબ છે કે પડોશમાં આતંકી કે આતંકવાદને પોષતા દેશો મળ્યા છે. બંને દેશો દાયકાઓથી આતંકવાદનો સામનો કરી રહ્યા છે. ઘણા નિર્દોષ લોકો આતંકવાદનો ભોગ બન્યા છે. ભારતના નસીબમાં પાકિસ્તાન છે તો ઇઝરાયેલના નસીબમાં ઈરાન. ભારતનો પનારો ઉગ્રતા ભર્યા ચીન સાથે પડયો છે તો ઇઝરાયેલે સતત લેબનોન ને ગાઝાપટ્ટી ને બીજા પંદર દેશોનો મુકાબલો કરવો પડે છે. ફક્ત કૃષિ ક્ષેત્રે નહી, આતંકીઓના મનસૂબાને તોડી નાખવાના મામલામાં પણ ઇઝરાયેલ આગળ છે. ભારતના ખેડૂતોએ પૂરતા પ્રવાસો કરી લીધા, હવે ભારતના લોકશાસકોએ ઇઝરાયેલના એન્ટી-ટેરર-અપ્રોચમાંથી શીખવું પડે એમ છે.

ઇઝરાયેલનો આતંકવાદ સાથેનો અનુભવ લાંબો અને દુ:ખદ છે. ઇઝરાયેલની પેઢીઓ બોમ્બ ધડાકા, રોકેટ હુમલા અને સરહદ પર લગાતાર ચાલતા યુદ્ધોમાં ઉછરી અને મોટી થઈ છે. વર્ષોથી ઇઝરાયેલે - નો એગ્રેસિવ એટેક બટ સ્ટ્રોંગ ડિફેન્સ - ની સ્ટ્રેટેજી અપનાવી છે. ઇઝરાયેલના લશ્કરી અધિકારીઓ એક શબ્દપ્રયોગ કરે છે - 'ઘાસ કાપવું'. સમયાંતરે થતાં રહેતા આતંકી હુમલાઓની પાછળ રહેલા આતંકી ગૃપને ખતમ કરવાના સંદર્ભમાં એ શબ્દયુગ્મ વપરાય છે. ઘાસ ઉગે એટલે કાપી નાખવાનું. હમાસ ગુ્રપની ઓપરેશનલ ક્ષમતાઓને ક્ષીણ કરવા માટે સમયાંતરે શરૂ કરાયેલી કામગીરી વખતે તે શબ્દપ્રયોગ ઇઝરાયેલના લશ્કરી વર્તુળોમાં ખાસ્સો લોકપ્રિય થયો હતો. પરંતુ આ અભિગમ ટૂંકા ગાળાનો ઉકેલ સાબિત થયો, કારણ કે ગાઝા અને લેબનોનમાં આતંકવાદી જૂથો ઝડપથી ફરી એકઠા થયા અને ફરીથી સશસ્ત્ર થયા.

ઇરાનનું પીઠબળ ધરાવતું હિઝબોલ્લાહ લેબનોનમાં એક પ્રચંડ આતંકી બળ બની ગયું છે. તે જૂથે યુએન રિઝોલ્યુશન ૧૭૦૧ જેવા યુદ્ધવિરામ કરારો હોવા છતાં ઇઝરાયેલ પર ૧,૦૦,૦૦૦ થી વધુ રોકેટ ફાયરિંગ કર્યાં છે. શું તેને નિ:શસ્ત્રીકરણ કહીશું જેનો પ્રચાર યુએન કરતું રહે છે? આવા કડવા અને લોહિયાળ અનુભવોએ ઇઝરાયેલને શીખવ્યું કે કામચલાઉ પગલાં પૂરતા નથી. કાયમી સુરક્ષા પ્રાપ્ત કરવા માટે વધુ આક્રમક પગલાંની જરૂર છે. હોલોકોસ્ટ પછી યહૂદીઓ પરનો સૌથી ભયંકર હુમલો ગયા વર્ષો થયો. ઑક્ટોબર ૭, ૨૦૨૩ ના રોજ થયેલા હમાસના ભયાનક હુમલા પછી ઇઝરાયેલની લશ્કરી કાર્યપદ્ધતિમાં એક નમૂનારૂપ પરિવર્તન આવ્યું. ઇઝરાયેલે નવી અને વધુ આક્રમક વ્યૂહરચના અપનાવી. ધર્મેન્દ્રનો 'ચુન ચુન કે મારુંગા' ડાયલોગ નિત્યેનાહુએ  કદાચ નહી સાંભળ્યો હોય પણ અમલ તો એવો જ કર્યો. મુખ્ય આતંકવાદીને વીણી વીણીને મારી નાખ્યા.

જેમાં હમાસના ટોચના કમાન્ડરોને શોધી શોધીને ઠાર કર્યા. આ વ્યૂહરચના આતંકી નેતૃત્વને વિક્ષેપિત કરવા અને સંદેશાવ્યવહારની બધી લિંકને નષ્ટ કરવા માટે અત્યંત અસરકારક સાબિત થઈ. ઈસ્માઈલ હનીયેહ જેવા લીડરને નાબૂદ કરીને ઈઝરાયેલે આતંકવાદી નેટવર્કના મુળિયા હલબલાવી નાખ્યા. વિક્ષેપિત કર્યા. આંતરિક અરાજકતા સર્જનારા આતંકીઓની છાવણીમાં અરાજકતા ફેલાવી નાખી. કરોડરજ્જુ પર આક્રમણ થાય તો આખું શરીર પંગુ બની જાય. ઇઝરાયેલે આ નીતિ અખત્યાર કરી. ઇઝરાયેલનો આ લડાકુ અભિગમ ભારત માટે એક મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે : શું લશ્કર-એ-તૈયબા અથવા જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાન સ્થિત આતંકવાદી નેટવર્કનો નાશ કરવા માટે આવી પદ્ધતિ ન અપનાવી શકાય?

સર્જિકલ સ્ટ્રાઈક નહીં પણ ટાર્ગેટેડ સ્ટ્રાઈક. ૨૦૦૧ માં સંસદ પર હુમલો અને ૨૦૦૮ માં મુંબઈ પર હુમલો જેવા ઘણા ઘાતકી હત્યાકાંડ માટે જવાબદાર ઐ જૂથો પાકિસ્તાનની ધરતી પરથી ડર્યા વગર નવી યોજનાઓ ઘડી રહ્યા છે. પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ આવા આતંકીઓને સુરક્ષા અને લોજિસ્ટિકલ સપોર્ટ દાન કરે છે. પાકિસ્તાન નીંભર થઈ ગયું છે. તેને વૈશ્વિક નિંદાની પડી નથી. ઐતિહાસિક રીતે, ભારતે મુત્સદ્દીગીરીથી ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઈક જેવી વ્યૂહાત્મક લશ્કરી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરીને વધુ સંયમિત અભિગમ અપનાવ્યો છે. પરંતુ આતંકવાદી સંગઠનોના નેતૃત્વને ખતમ કરવામાં ઇઝરાયલની સફળતાને જોતાં કેટલાક દલીલ કરે છે કે ભારત પણ આવી જ વ્યૂહરચના અપનાવી શકે છે. રાવલપિંડી અથવા ઈસ્લામાબાદ જેવા આઈએસઆઈ-સંરક્ષિત વિસ્તારોમાં છુપાયેલા આતંકવાદી નેતાઓને પકડીને જો ઠાર મારી શકાય તો ભારત આતંકવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ગંભીર રીતે વિક્ષેપિત કરી શકે છે.


Google NewsGoogle News