Get The App

માનવભક્ષી સિંહ પ્રજાતિ .

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
માનવભક્ષી સિંહ પ્રજાતિ                                  . 1 - image

આજકાલ આપણા લાડકા સાવજની કંઈક પનોતી બેઠી છે. સિંહના ઉપરાઉપરી મૃત્યુ નોંધાતા જંગલખાતામાં દોડધામ મચી ગઈ છે, પરંતુ કારણો લોકોને હજુ ગળે ઉતર્યાં નથી. આપણે ત્યાં જે ગીરનું જંગલ કે 'સાસણ-ગીર' તરીકે પણ ઓળખાય છે, તે એક રમણીય વિસ્તાર છે. ગુજરાતમાં  આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી, તે કુલ ૧૪૧૨ ચોરસ કિલોમીટર (તેમાં ૨૫૮ ચોરસ કિમી રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧૧૫૩ ચોરસ કિમી અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલું છે. આ ઉપરાંત પાણીયા, મિતિયાળા અભયારણ્ય પણ ગીરના જ ભાગ ગણવામાં આવે છે. આ બન્ને વિસ્તારોને ઉમેરવામાં આવે તો કુલ અભ્યારણ્ય ઘણું મોટું ગણાય. 

હવે આમ જુઓ તો આપડા ગીરના સિંહ આ કોઈ ભૌગોલિક સીમા મર્યાદામાં રહ્યા નથી. એ તો એને ક્યારનાય ઓળંગી ગયા છે. રાજા કોને કહેવાય? જ્યાં જાય ત્યાં એનું રાજ. ગીર આમ તો એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ કહેવાય છે, પણ હવે તો સિંહનાં સરનામાં  સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેલાઇ ગયાં છે. જોકે ઘણા લાંબા સમયથી ગીરને એશિયાના અતિમહત્ત્વનાં રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલો છે. તેમ છતાંય વનનો રાજા કોઈક રહસ્યમય મૂંઝવણમાં મોતને ભેટતો રહ્યો છે, જે આ મલકની સૌથી મોટી કરૂણાન્તિકા એટલે કે ટ્રેજેડી છે. ગીર અને ગીરના કાંઠાળ ગામોમાં રહેતા ખેડૂતો આજકાલ મોટાભાગનો સમય ખેતરની જગ્યાએ પોતાના ઢોરને સંભાળવામાં વિતાવે છે.

તેમણે ઘરની દીવાલો ઊંચી કરી તેના પર તાર લગાવી દીધા છે અને ઢોરની સંખ્યા પણ ધીમેધીમે આ ખેડૂતો ઘટાડી રહ્યા છે. ૧૯૯૫થી ગીરના જંગલથી બહાર નીકળેલા સિંહ હવે સૌરાષ્ટ્રના રહેણાંક એટલે કે મહેસૂલી વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. આઝાદી પછી, ૧૯૬૮માં માત્ર ૧૭૭ સિંહો હતા, જે વધીને આજે ૫૨૩થી વધારે થઈ ગયા છે, જો કે તેમાંથી આશરે ૩૦૦થી વધુ સિંહ મહેસૂલી વિસ્તારમાં રહે છે. મહેસૂલી વિસ્તાર એટલે ખેતર, મકાન, ગામ, ગૌચર વગેરેની જમીનો. આ મહેસૂલી વિસ્તારમાં સિંહોના જીવ પર જોખમ રહે છે. અત્યારે સિંહ કોઈક ખતરનાક સંઘર્ષમાંથી પસાર થાય છે એનો સંકેત તાજેતરની ઘટનાઓ આપે છે.

માણસ અને સિંહ વચ્ચે સંઘર્ષ પણ વધી રહ્યા છે. એને કારણે સિંહ માનવભક્ષી થવા લાગ્યા છે. છેલ્લા એક જ અઠવાડિયામાં વિવિધ વિસ્તારમાં ગીરના સિંહોએ આઠથી વધુ માનવ જિંદગીઓને ફાડી ખાધી છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં વિધાનસભામાં ગુજરાતનાં વન ખાતાનાં તત્કાલીન મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં કુલ ૧૮૪ સિંહોના મોત થયા છે.આ સિંહોમાંથી ૩૨ સિંહો આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આ વિશે સુઓમોટો નોંધ લીધી હતી. એની સુનાવણી દરમિયાન બહાર આવેલી વિગતો પ્રમાણે, ખુલ્લા કૂવા, ખેતરોની ફરતે હાઈ વોલ્ટેજ વીજ કરંટ, રેલવે તેમજ રોડ અકસ્માત સિંહોનાં મૃત્યુના મુખ્ય કારણો છે. સરકારે ખાનગી લાયન શો દ્વારા સિંહની થતી રંજાડની હવે નોંધ લીધી છે અને વન અધિકારીઓ અત્યારે અસામાજિક તત્ત્વો પર તૂટી પડેલા છે. સિંહને કંઈ થાય એટલે જંગલખાતા પર માછલા ધોવાની ફેશન થઇ ગઇ છે. ત્યાર પછીની હકીકતો વિધાનસભામાં બયાન થઈ નથી.

ગીર જંગલમાં સિંહો અને માલધારીઓ સાથે રહી શકે છે, પરંતુ મહેસૂલી જમીન પર ચિત્ર કંઈક જુદું જ છે. જો ખેડૂતોની વાત કરીએ તો, ગીરકાંઠાના અનેક ખેડૂતે પોતાના દૂધાળા પશુઓ ઘટાડીને ઓછા કરી દીધા છે. પહેલાં ભેંસોને ખુલ્લા વાડામાં રાખતા ખેડૂતો હવે આજકાલ ભેંસોને પોતાના ઘરની ફરતે બનેલી ઊંચી દીવાલની અંદર જ રાખે છે. ખેડૂતો રાત્રે ગામથી બહાર જતા નથી અને પહેલાં ખુલ્લામાં ખેતરમાં ઊંઘી શકતા તેઓએ હવે પોતાના ખેતરમાં સિંહોથી બચવા માટે પાકા મકાન બનાવ્યાં છે. સિંહ હવે તો ગીરથી દૂરના વિસ્તારમાં આવીને ભેંસનો શિકાર કરી જાય છે. એક સારી ભેંસની કિંમત પચાસ હજારથી આશરે બે લાખ રૂપિયા જેટલી પણ હોય છે અને સિંહ ભેંસનો શિકાર કરીને ખેડૂતોનું નુકસાન કરે છે, એટલે હવે તેઓએ ભેંસ રાખવાનું જ બંધ કરી દીધું છે.

જુનાગઢના નવાબ દ્વારા ઈ. સ. ૧૯૦૦ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેનાં સિંહોને રક્ષિત જાહેર કરાયેલા. આ પહેલ સિંહોનાં રક્ષણમાં ખૂબ મદદરૂપ બની કે જેમની વસતી શિકારની પ્રવૃત્તિને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલી જ રહી ગઇ હતી.