ગઈકાલે કચ્છમાંથી એક હજાર કરોડથી વધુ કિંમત ધરાવતા કોકેઈનનો જથ્થો ઝડપાયો છે. બ્રાઝિલથી દરિયાઈ રસ્તે કચ્છમાં આ ડ્રગ્સ ઘુસાડતા ઝડપાઈ ગયું છે. જો કે આવી ન ઝડપાયેલી ખેપ અનેક હશે એમ માનવાને અનેક કારણો છે. બેત્રણ વરસ પહેલા ગાંધીધામ નજીકના ખારી રોહર દરિયાઈ વિસ્તારમાંથી ૧૨૦ કરોડની કિંમતના ડ્રગ્સના વધુ પેકેટ મળી આવ્યા હતા અને એ વખતે પણ પોલીસના હાથમાં આ પેકેટ સિવાય કંઇ આવ્યું ન હતું. કચ્છ અને પાકિસ્તાન વચ્ચેનો દરિયો કરોડો અને અબજોની કિંમત ધરાવતા ડ્રગ્સના કારોબારનો વ્યાપાર મલક બની ગયો છે. કચ્છના ડ્રગ્સ કનેક્શનમાં કોઈ કોઈ કોર્પોરેટ હિલચાલની પણ ગંધ આવે છે પરંતુ સરકાર એ દિશામાં આગળ તપાસ વધારતી નથી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા અગાઉ જપ્ત કરાયેલું ૫૬૨ કિલો કોકેઈનનું કન્સાઈનમેન્ટ પણ ચોક્કસપણે એક મોટી સફળતા કહી શકાય. જો કે, આ સફળતા સમાન માપદંડમાં ચિંતા પણ ઉભી કરે છે કારણ કે તે દર્શાવે છે કે આ ઝેર આંતરરાષ્ટ્રીય નેટવર્કિંગ દ્વારા સમગ્ર ભારતમાં ફેલાવવાની કોઈ વ્યવસ્થિત પ્રણાલિકા અસ્તિત્વમાં છે જેને વિવિધ રાજ્ય સરકારો કે કેન્દ્ર ભેદી શકતા નથી.
ડ્રગ્સના વેચાણ મેનેજમેન્ટમાં ઉચ્ચ એટલે કે લાખોના પગારદાર લોકો નોકરી કરતા હોય છે. તેઓ વ્હાઈટ કોલર ક્રિમિનલ તરીકે હાઈટેક પ્રતિભાના માલિક હોય છે. એની પાસે સરકારી એજન્સીઓની બુદ્ધિમત્તા ઝાંખી પુરવાર થતી આવી છે. દિલ્હી પોલીસની આ જપ્તી તેના વિશાળ જથ્થાને કારણે સૌ પ્રથમ ધ્યાન આકર્ષિત કરે છે. રૂ. ૬.૫ હજાર કરોડની કિંમતનું એ કન્સાઈનમેન્ટ દિલ્હીમાં અત્યાર સુધી પકડાયેલ કોકેઈનનો સૌથી મોટો જથ્થો હોવાનું કહેવાય છે. હવે કચ્છ એનાથી અધિક આગેકૂચ કરે છે. પરંતુ આ એક તાજેતરની ઘટના છે. માત્ર થોડા સમય પહેલા જ તમિલનાડુના તુતીકોરિન પોર્ટ પરથી પણ ૫૬ કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું જેની કિંમત ૨૦૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. એ સ્પષ્ટ છે કે ભારતમાં કોકેઈન સપ્લાય કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
પોલીસ કાર્યવાહીથી બહાર આવેલા તથ્યો એ પણ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય કોકેઈન કાર્ટેલ ભારતમાં કોકેઈનનો આયોજિત રીતે સપ્લાય કરી રહી છે. તેના માટે એક સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કામનું આયોજન, પ્રત્યાયન વ્યવહાર, ડિલિવરી અને પેમેન્ટ - એમ બધું જ હાઈટેક બિઝનેસ સ્ટાઈલથી ચાલી રહ્યું છે. સારી વાત એ છે કે પોલીસ આ કેસના આંતરરાષ્ટ્રીય પાસાઓને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે. કોકેઈનનો કારોબાર વૈશ્વિક નેટવર્કિંગ દ્વારા જ ખીલે છે. તેનું ઉત્પાદન કરતા કોકા પ્લાન્ટ્સ મુખ્યત્વે ત્રણ લેટિન અમેરિકન દેશો - પેરુ, બોલિવિયા અને કોલંબિયામાં સ્થિત છે. ત્યાંથી તેને લાંબા દરિયાઈ માર્ગે વિશ્વભરમાં મોકલવામાં આવે છે.
આ મામલે પોલીસની તત્પરતા અને કાર્યક્ષમતા વખાણવા લાયક છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ ડ્રગ્સના પડકારનો સામનો કરવા માટે આ પૂરતું નથી. તે સમજવું પડશે કે તેના ઉત્પાદન અને માંગને સમાપ્ત કર્યા વિના પુરવઠાના પ્રવાહને સંપૂર્ણપણે રોકવાનું કેમ શક્ય નથી. દેખીતી રીતે, સરકાર અને સમાજે સાથે મળીને લાંબી લડત માટે તૈયાર થવું પડશે. ઈ. સ. ૧૯૬૫માં પાકિસ્તાને કચ્છના રણની ઉત્તર સરહદના કેટલાક ભાગ ઉપર દાવો કરી આક્રમણ કર્યું હતું. પાકિસ્તાન વેસ્ટર્ન બાઉન્ડરી કેસ ટ્રિબ્યુનલના ફેબ્રુઆરી ૧૯૬૮ના ચુકાદા મુજબ રણનો ૯૦ ટકા વિસ્તાર ભારતના ભાગે આવેલો છે, જ્યારે તેનો ૧૦ ટકા હિસ્સો પાકિસ્તાનને મળેલો છે. મોટા રણ અને નાના રણમાં સિંધમાં જવાના પગરસ્તા છે. આજકાલ એ રસ્તા પર મધરાત પછી ડ્રગ્સની હેરાફેરી થાય છે. સોમનાથ ઉપર આક્રમણ કરીને મહમદ ગઝની ઈ. સ. ૧૦૨૪માં આ રસ્તે પાછા ફરતાં રણમાં ફસાઈ ગયો હતો. કચ્છના રણના ભૂતળમાંથી પેટ્રોલિયમ અને ગસ મળવાનો સંભવ છે. ચોમાસામાં રણમાં મુસાફરી થઈ શકતી નથી. પાણી સુકાયા પછી જમીન ખૂબ સખત બની જાય છે.
રણને નવસાધ્ય કરવાના પ્રયત્નો સરકાર તરફથી થાય છે પણ સાવ અધૂરા, ઉતાવળા અને મોસમી. કચ્છનું રણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં આગળ ન વધે તે માટે કાંટાળા બાવળ અને તેના જેવી વનસ્પતિ વાવીને તેને અટકાવવાનો પ્રયાસ કરાયો છે. પરંતુ હવે રણ એને ગણકાર્યા વિના આગળ ધપી રહ્યું છે. મહેસાણા કરતાંય બનાસકાંઠા પર જોખમ વધુ છે. હવે બનાસકાંઠાને રણથી બચાવવા માટે એકલી સરકાર પહોંચી વળે એમ નથી. એમાં સ્થાનિક ઉત્તર ગુજરાતી એનજીઓ જેવી સંસ્થાઓએ રસ લેવો જોઈએ.


