આપણે ગુજરાતના લોકો અને મહારાષ્ટ્ર વચ્ચે જે સંબંધ છે એવો સંબંધ પંજાબ અને હિમાચલ પ્રદેશના લોકો વચ્ચે છે. ચંદીગઢ ઉત્તર ભારતનું સૌથી મોટું બિઝનેસ સેન્ટર છે. એટલે પડોશી હિમાચલ પ્રદેશના અનેક નવયુવાનો અહીં કારકિર્દી ઘડે છે. સિમલા અને ચંદીગઢ વચ્ચે સોએક કિલોમીટરનું અંતર છે જે બહુ નિકટ કહેવાય. ત્રણ-ચાર કલાકની સફર. એને કારણે બન્ને શહેરોની એકબીજામાં આવન-જાવન અને પરસ્પરાવલંબન બહુ વધારે છે. હવે આ બન્ને પડોશી રાજ્યો વચ્ચે વિવાદ શરૂ થયો છે. અસલ અર્થમાં પંજાબ અને હિમાચલ પ્રદેશ વચ્ચે સીમા પ્રવેશ શુલ્કને લઈને ચાલી રહેલો વિવાદ દેશના સંઘીય માળખામાં રહેલી એક ગંભીર ખામી પર પ્રકાશ પાડે છે. આ વિવાદ દર્શાવે છે કે રાજ્યોની આવકની જરૂરિયાતો અને આંતરરાજ્ય અવરજવરના સિદ્ધાંતો વચ્ચે ટકરાવનાં કારણો આટલાં વરસો પછી હજુ પણ હયાત છે.
હકીકત એ છે કે હિમાચલ પ્રદેશ હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. પોતાની આવક વધારવા માટે રાજ્ય સરકારે અન્ય રાજ્યોમાંથી આવતાં વાહનો પર પ્રવેશ શુલ્ક લગભગ બમણું કરવાની જાહેરાત કરી છે. આ વધારાની પંજાબને ગંભીર અસર એટલે છે કે રોજના અસંખ્ય લોકો ચંદીગઢથી હિમાચલના વિવિધ સ્થળે અવરજવર કરે છે. મૂળભૂત રીતે તો હિમાચલ પ્રદેશે આ નિર્ણય પોતાના આવક સ્રોતોને મજબૂત કરવા માટે લીધો હતો, ત્યારે આર્થિક નિર્ણય પછી રાજકીય અને આથક વિવાદનું સ્વરૂપ ધારણ કરી ગયું છે. આ નિર્ણયથી સૌથી વધુ અસરગ્રસ્ત પંજાબે પણ હિમાચલનાં વાહનો પર સમાન કર વધારવાની ચેતવણી આપી છે. હકીકતમાં હિમાચલ સરકારનો આ નિર્ણય દુરદર્શિતાનો અભાવ દર્શાવે છે. હિમાચલ પ્રદેશની અર્થવ્યવસ્થા મોટા પાયે પર્યટન ઉદ્યોગ પર નિર્ભર છે.
આવા સમયમાં આ પગલું રાજ્યના પર્યટન ક્ષેત્ર પર નકારાત્મક અસર પેદા કરી શકે છે. વધારેલા પ્રવેશ શુલ્કથી પ્રવાસીઓ પર વધારાનો બોજ પડી શકે છે, ખાસ કરીને પંજાબ જેવા પાડોશી રાજ્યમાંથી આવતા ઓછા બજેટવાળા પ્રવાસીઓ પર, કે જેઓ વીકેન્ડમાં આવતા પ્રવાસીઓનો મોટો હિસ્સો હોય છે. આવા પ્રવાસીઓ નિરાશ થઈ શકે છે અને વિકલ્પરૂપે અન્ય પર્વતીય પર્યટન સ્થળોની પસંદગી કરી શકે છે. વર્તમાન સ્પર્ધાત્મક પર્યટન પરિસ્થિતિમાં કર વધારાથી પ્રવાસીઓ અન્ય વિકલ્પો તરફ વળી શકે છે. રાજ્ય દ્વારા પછી આ કરવધારા અંગે પુનર્વિચાર કરવાનો નિર્ણય લેવો જરૂરી છે, પણ હિમાચલ સરકાર મચક આપે એમ લાગતું નથી. આ ઉપરાંત, બે રાજ્યો વચ્ચે આવા કરવધારા જેવા નિર્ણયો ખૂબ જ વિચારપૂર્વક લેવાં જરૂરી છે. હિમાચલ પ્રદેશ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે તે સમજતાં, પંજાબની પ્રતિક્રિયા વધુ સંવેદનશીલ હોવી જોઈતી હતી.
પરંતુ પંજાબ દ્વારા સમાન કર વધારવાની ચેતવણી આપવી એ બદલા આધારિત નીતિ તરફનો ઈશારો છે. આવા બદલા સ્વરૂપના નિર્ણયો રાજકીય રીતે સરળ લાગતા હોઈ શકે, પરંતુ તેનો ભાર સામાન્ય નાગરિકોને સહન કરવો પડે છે. આવાં પગલાંથી દૈનિક મુસાફરો, પરિવહન ક્ષેત્રના લોકો અને નાના વેપારીઓ માટે અવરજવર મુશ્કેલ બની શકે છે. આંતરરાજ્ય માર્ગો વેપાર, શ્રમિક ગતિશીલતા અને પ્રાદેશિક એકીકરણ માટે જીવનરેખા સમાન છે. જો આ મુદ્દાને વ્યાપક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તે દેશના સંઘવાદના ભાવ પર પણ પ્રશ્ન ઊભા કરે છે. વસ્તુ અને સેવા કર (ય્જી્) માળખાનો મુખ્ય હેતુ આંતરિક વેપાર અવરોધોને ઘટાડવાનો છે, પરંતુ બહારના રાજ્યોનાં વાહનોને નિશાન બનાવીને વધારાના પ્રવેશ શુલ્ક લગાવવાથી આ હેતુને નુકસાન પહોંચે છે. આ રીતે જૂની 'ચેક પોસ્ટ' આધારિત અર્થવ્યવસ્થાનો પુનર્જન્મ થઈ શકે છે, જે ઘણી ખામીઓથી ભરેલી હતી.
આવા સંયોગોમાં વધુ સંતુલિત અભિગમ અપનાવવાની જરૂર છે. જો રાજ્યનો હેતુ આવક વધારવાનો હોય, તો તર્કસંગત ટોલ પ્રણાલી અપનાવવી જોઈએ. સાથે સાથે, આંતરરાજ્ય સંબંધોને ટકરાવની જગ્યાએ સંવાદ દ્વારા ઉકેલવાની જરૂર છે. ખાસ કરીને ત્યારે, જ્યારે હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તાર અને પંજાબના મેદાની વિસ્તારો આર્થિક રીતે એકબીજા પર નિર્ભર છે. પાડોશી રાજ્યને ભાગીદાર તરીકે જોવાની જગ્યાએ માત્ર આવકના સ્રોત તરીકે જોવાની વૃત્તિ બંને માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કદાચ જે વધારાનો પ્રવેશકર ભરવાનો થાય એ વાતને ઘડીક બાજુ પર રાખો તો આવાં પગલાંઓથી બન્ને પડોશી રાજ્યોની પ્રજામાં એકબીજા તરફની કિન્નાખોરી સંક્રાત થાય છે જે શુભમંગલ વાતાવરણને ડહોળે છે. આ પ્રકારની કરવ્યવસ્થાના સામાજિક પાસાઓ પર પણ કહેવાતી બુદ્ધિમાન સરકારોએ વિચારવું જોઈએ. આવા કર અખંડ ભારતની વિભાવના પરના નાના ઝખ્મ હોય છે જે આગળ જતાં ગંભીર હઠીલા રાજરોગ બની જાય છે.


