Get The App

ખાનગી કોર્પોરેટ ટ્રેનો .

Updated: Mar 28th, 2025

GS TEAM

Google News
Google News
ખાનગી કોર્પોરેટ ટ્રેનો                                  . 1 - image

ભારતમાં ખાનગી ટ્રેનની સફર આમ તો શરૂ થઇ ગઇ છે, પરંતુ બહુ નજીકના ભવિષ્યમાં ૧૫૦ જેટલી ખાનગી કંપનીઓની માલિકીની ટ્રેનો ભારત સરકારની માલિકીના રેલવે ટ્રેક પર દોડવા લાગશે. આને કારણે ભારતીય રેલવે સેવાઓ અને ખાનગી ટ્રેનો વચ્ચે નવા સ્પર્ધાત્મક વાતાવરણની શરૂઆત થશે અને રેલવેની વરસોથી ચાલી આવતી ઇજારાશાહીનો અંત આવશે. આજકાલ દિલ્હી - લખનૌ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેન દેશની પ્રથમ ખાનગી ટ્રેન છે અને નવી નવેલી દુલ્હનની જેમ સજજ થઇને એ સફર કરે છે. એ વાત જુદી છે કે, પાટનગર નવીદિલ્હીના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૯ ઉપર આ તેજસ એકસપ્રેસને કારણે કેટલાક રોમાંચક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રેલવેના ટોચના અધિકારીઓનું એક જૂથ તેજસના પ્રયોગને બંધ કરવા ચાહે છે અને રેલવે મંત્રાલય એને ચાલુ રાખવા ઈચ્છે છે. આ વખતે લોકસભામાં બે-ત્રણ વખત તેજસ એક્સપ્રેસ ચમકી છે. પ્રધાનોએ આપેલા જવાબો સંદિગ્ધ રહ્યા છે.

બ્લેક એન્ડ યલો પરિધાનમાં સજજ 'ટ્રેન હોસ્ટેસ' કન્યાઓ સાથે સેલ્ફી લેવા માટે યાત્રિકો જે રીતે મોબાઇલ હાથમાં ઝાલે છે તેનાથી આ હોસ્ટેસ કન્યાઓ માટે બહુ સંકોચજનક સ્થિતિ સર્જાય છે. અત્યારે આ પ્રથમ ખાનગી ટ્રેનની માલિકી જો કે ભારતીય રેલવેની જ એક ખાનગી કંપની આઇઆરસીટીસીના હાથમાં છે, પરંતુ સરકાર ગમે ત્યારે આ ટ્રેન કોઇ બાહ્ય ખાનગી કંપનીને પધરાવી દેશે. રેલવે બોર્ડના ચેરમેને તો એમ કહ્યું કે, આગામી ત્રણ-ચાર વરસમાં યાત્રિકોના વેઇટિંગ લિસ્ટ જ ઉડી જશે, કારણ કે અનેક નવી ખાનગી ટ્રેનો ટ્રેક પર દોડતી થઇ ગઇ હશે. ખાનગી ટ્રેનો અજાયબ હશે. દરેક ટ્રેનમાં તાજજુબીયુકત એમેનિટીઝ હશે. પ્લેનની જેમ લગેજને અલગથી લઇ જવાની સુવિધા હશે. ઉપરાંત નવી, ઇનોવેટિવ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ હશે. ટ્રેનની કોઇ પણ મુસાફરી યાદગાર હોય છે, પરંતુ ખાનગી ટ્રેનો પ્રવાસના અનુભવને સ્મરણપટે ચિરંજીવ બનાવશે. થોડા સમય પહેલા જ કેન્દ્રીય કેબિનેટે દિલ્હી-મુંબઇ અને દિલ્હી-હાવરા (કલકત્તા) ટ્રેકને અપગ્રેડ કરવા માટે રૂ. ૧૩,૦૦૦ કરોડ મંજુર કર્યા છે. અત્યારે ઉકત બન્ને ટ્રેક પર ટ્રેનની ઝડપ કલાકના ૬૦ કિલોમીટર છે, જે પછીથી કલાકના ૧૦૦ કિલોમીટર થઇ જશે. તેજસ એકસપ્રેસ અત્યારે તેના પ્રવાસીઓને વ્યકિતગત રૂ.૨૫ લાખનું અકસ્માત વીમા કવચ આપે છે. ઉપરાંત હોમ પિકઅપ સેવા પણ આપે છે. આ સેવા પ્રમાણે તેજસ એકસપ્રેસની કંપની તમને ઘરેથી તેડી જાય છે અને તમે જે સ્ટેશને ઉતરો ત્યાંથી તમને જ્યાં પહોંચવાનું છે ત્યાં છેક મૂકી જાય છે. ખાનગી ટ્રેનો માટેની ટેન્ડર પ્રક્રિયા રેલવે મંત્રાલય ટૂંક સમયમાં જ શરૂ કરશે. સરકાર ટેન્ડરમાં આકરી શરતો દાખલ કરી રહી છે.

તેજસ  દિલ્હી-લખનૌ વચ્ચેનું અંતર સાડા છ કલાકમાં પૂરું કરે છે. તેજસના દસ કોચમાં કુલ ૨૦ હોસ્ટેસ ક્રૂ તરીકે સેવાઓ આપે છે. તેમના અને એર હોસ્ટેસના કામ વચ્ચે કોઇ તફાવત નથી. સરકાર ટેન્ડર પ્રક્રિયામાં વિદેશી રોકાણકાર કંપનીઓને પણ આહવાન આપશે એમ માનવામાં આવે છે. ઉપરાંત ભાજપનો ગુડબુકમાં ટકી રહેલા ઉદ્યોગપતિઓમાંથી મોટાભાગના ખાનગી રેલવે સેવાઓ ઓફર કરવા માટે ઝંપલાવશે. દેશના મોટાભાગના રેલવે ટ્રેકનું નવિનીકરણ કરવાનું અને ટ્રેનોની ઝડપ વધારવાની જે ઝુંબેશ ભારત સરકારે ઉપાડી છે તેનો સૌથી વધુ લાભ ખાનગી ટ્રેન ઓપરેટરોને મળશે. આગળ જતા જે રીતે રાજ્ય માર્ગ પરિવહનની બસો અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે ગુણવત્તામાં આસમાન-જમીનનો તફાવત છે તેવો જ ભેદ રેલવેમાં પણ જોવા મળશે. એટલે કે ભારતીય રેલવે ભવિષ્યમાં બે ભાગમાં વહેંચાઈ જશે. શ્રીમંતોની ખાનગી રેલવે અને ગરીબોની સરકારી રેલ્વે. 

દેખીતી રીતે ખાનગી ટ્રેનોને એક ઓદ્યાગિક ઉપક્રમ છે, પરંતુ એને કારણે ભારતીયા પ્રવાસનનો સમગ્ર નક્શો અને મોસમ બદલાઈ જશે. મોટાભાગની ટ્રેનો પ્રવાસન નક્શા પ્રમાણે દોડવાનો અંદાજ છે. ઉપરાંત કેટલીક ખાનગી લક્ઝુરિસ ટ્રેનો તગડી કમાણીના હેતુથી પ્રાઇમ ટ્રેક પર ચાલશે. એ કહેવાની જરૂર નથી કે ખાનગી ટ્રેનોમાં નફાખોરીનું પ્રમાણ વધારે હશે, એના પર ખાનગી શાળાઓની જેમ જ સરકારના નિયમનો માત્ર કહેવા ખાતરના જ હશે, તો પણ દેશમાં આ રોયલ ટ્રેનો એક નવી આબોહવા જમાવશે. આગળના તબક્કામાં દરેક રાજ્ય સરકાર પણ પોતાની ખાનગી રેલવે કંપનીઓની રચના કરશે. અને પ્રારંભે પોતાના રાજ્યમાં દોડાવશે. એટલે ભારતીય રેલવેની સ્પર્ધામાં કેરળ રેલવે, મહારાષ્ટ્ર  રેલવે, ગુજરાત રેલવે એવી વિવિધ કંપનીઓ ઓપરેટર તરીકે મેદાનમાં આવશે. પરંતુ એ કેન્દ્રની મુનસફી પર આધારિત છે કે એવી મંજુરી ક્યારે આપવામાં આવે!