Get The App

બરસો રે મેઘા મેઘા... .

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
બરસો રે મેઘા મેઘા...                                                 . 1 - image


આગાહીઓની પરંપરા છતાંય વાસ્તવમાં સમગ્ર દેશમાં ચોમાસુ ધીમું પડયું છે, લગભગ ચોમાસાની વિદાય જેવું વાતાવરણ છે, એને કારણે કિસાનોમાં ચિંતાનું વાતાવરણ છે. પૂર્વ ભારતમાં હજુ પણ વરસાદી વાદળો છવાયેલાં છે અને બ્રહ્મપુત્ર નદી જે દર વર્ષે ભરચોમાસે પાગલ થતી હોય છે તે આ વખતે બહુ વહેલા તોફાની બની ગઈ હતી. આસામના મોટાભાગના વિસ્તારોમાં જળ પ્રલયની પરિસ્થિતિ હતી અને છેલ્લા બે દિવસથી ફરી એની એ જ પ્રલય દશામાં આસામ ધકેલાઈ ગયું છે. બ્રહ્મપુત્રના ઘૂઘવાટા કરતા અને ફૂંફાડા મારતા પ્રવાહો ચોતરફ ફરી વળ્યા છે. સરેરાશ જુઓ તો ઉત્તર ભારતમાં વરસાદ પાછો પડયો છે. વરસાદના નવા રાઉન્ડની આગાહી હવામાન ખાતાએ કરી હતી પણ માંગ્યા મેહ એમ કાંઈ વરસે? હિમાચલ, આસામ અને ઉત્તરાખંડમાં નાગરિકોની જે પરિસ્થિતિ હોય છે એનાથી બાકીનું શેષ ભારત હજુ વાકેફ નથી. આટલી જ તબાહી જો મહારાષ્ટ્ર કે ઉત્તર પ્રદેશમાં થઈ હોત તો પુર રાહતના ધમધોકાર કામ શરૂ થઈ ગયા હોત. રાજ્ય તરીકે કે મનુષ્ય તરીકે નાના હોવું એ ભારતમાં સૌથી મોટી આપત્તિ છે.

કર્ણાટક અને કેરળથી દૂર અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ અત્યારે સેટેલાઇટ નકશામાં દેખાય છે, જે આવનારા થોડા દિવસમાં કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્ર પર ધોધમાર વરસાદ તાણી લાવશે. પરંતુ એ માત્ર સંભાવના છે. ઉપરાંત એ જ હવાનું હળવું દબાણ ઉપર આવતા દક્ષિણ ગુજરાતને નવેસરથી ફરી સ્પર્શ કરશે અને ત્યાં પણ ધોધમાર વરસાદ આવશે. અગાઉ વડોદરા એમ આ વખતે સુરત જળ છે. હવે ઉત્તર ભારત ચૈતર-વૈશાખના ધોમ ધખતા હોય એટલી ગરમીનો અનુભવ કરે છે. ગુજરાતમાં ચોમાસાની ફરી જમાવટ તારીખ ક્યારે થશે એ પ્રશ્ન છે. તો પણ અરબી સમુદ્રના પ્રભાવથી પ્રચ્છન્ન વરસાદ તો રહેશે. જેમણે વાવણી કરી દીધી છે એમને ટેકો મળી જાય એવી સંભાવના છે. જેમણે પોતાના પાકને એકાદ-બે પાણ પાવામાં એટલે કે થોડી સિંચાઈ કરી લેવામાં વાંધો નથી એને તો કોઈ તકલીફ જ નથી. આ વખતે જેને વરસાદ પહેલાની ઝલક કહેવાય એટલે કે પ્રિ-મોન્સૂન શાવર એના નિયત સમયપત્રક કરતાં વહેલા હતા અને એને કારણે જ અસલી ચોમાસુ પણ વેરવિખેર થયેલું છે.

બંગાળના અખાત પર આકાર લેતા વાતાવરણનો જે લાભ પૂર્વ ભારતથી શરૂ કરીને મધ્ય અને પશ્ચિમ ભારતને તથા પાકિસ્તાન સુધી મળતો રહ્યો છે તેમાં આ વખતે હિમાલયન પવનોએ દિશા બદલતા ચિત્ર બદલાયું છે. શ્રીલંકાથી બંગાળના અખાત સુધીના દરિયા પર વરસાદી પવનોએ એકચક્રી શાસન કર્યું હતું. બંગાળના અખાતમાંથી સર્જાયેલાં વાદળોના ઘટાટોપ સમૂહને ભારતના મધ્ય પટ્ટામાં વહેતા કરવા માટે પૂર્વથી પશ્ચિમ તરફનો પવન જરૂરી હોય છે, પરંતુ ગુજરાતમાં રોજ સાંજે પ્રજાને અનુભવ થાય છે તેમ પવન હમણાંથી પડી જાય છે, એટલે કે સ્થિર થઈ જાય છે. ગયા વરસે તો આસામ ઉપર પણ પવન સ્થિર થઈ જતા અને હિમાલયન પવનો ઇશાન દિશાથી ગુજરાત તરફ જવાને બદલે પૂર્વ તરફ ફંટાયા છે, એટલે બંગાળના અખાત ઉપરનો ચોમાસાનો પ્રથમ રાઉન્ડ એકસાથે આસામમાં વરસી પડયો હતો, જેનો ભારતનાં અન્ય રાજ્યોને લાભ મળ્યો નથી અને આસામમાં જળ પ્રલય થઈ ગયો હતો.

ગયા વરસે ગુજરાતમાં લીંબુના ભાવ એક કિલોના ત્રણસો રૂપિયા સુધી પહોંચી ગયા હતા. આજે યાર્ડમાં એટલા જ રૂપિયામાં લીંબુ એક મણ મળે છે. અગાઉ એ રંગ ટમેટાએ બતાવ્યો હતો. પહેલેથી જ નિષ્ણાત હવામાનશાીઓએ કહ્યું છે કે આ વખતનો વરસ સારો છે, પરંતુ ખંડવૃષ્ટિ ધરાવે છે એટલે કે વરસાદ વરસવામાં અત્યારની જેમ વચ્ચે વચ્ચે અંતર આવવાનું નિશ્ચિત છે. જે કિસાનો પાસે થોડી ઘણી પિયતની વ્યવસ્થા હશે તેને માટે આ ચોમાસુ સોનાની લગડી નીવડશે, પરંતુ એ નહીં હોય ત્યાં આઠ આની કે છ આની જેવો વરતારો રહેવાનો છે. કપાસ વાવવામાં કિસાનોએ થોડી ઉતાવળ કરી છે. રાજ્યમાં લાખો હેક્ટરમાં કપાસની વાવણી પૂરી થઈ ગઈ એને પણ મહિનો વીતી ગયો છે.

ગુજરાતમાં સરેરાશ વાદળછાયું વાતાવરણ છે અને હવામાં ભેજનું પ્રમાણ પૂરતું છે એટલે કિસાનોએ બીજી વખત વાવણી કરવાનો વારો નહીં આવે. જે રીતે છુટક છુટક વરસાદ આવે છે તે જોતાં ખરે સમયે પાકને પ્રારંભિક ઉછેર વેળાનો વરસાદ મળી રહેશે. જેટલો વિલંબ અત્યારે દેખાય છે એટલો બસ છે. મેઘરાજાનો આનાથી વધુ વિલંબ કિસાનો વેઠી શકે એમ નથી. 

Tags :