For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અફઘાન ઘમરોળતા તાલિબાનો

Updated: Jul 29th, 2021

Article Content Image

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં અશરફ ગની ફરી એક વાર જીતી ગયા ત્યારથી આજ સુધીમાં તેઓ દેશ પાટે ચડે એવું એક પણ કામ કરી શક્યા નથી. અફઘાનિસ્તાન અનેક નીતિ વિષયક મુંઝવણો અને તાલિબાનોના વધતા પ્રભાવતળે સંકટમાંથી પસાર થઈ રહેલો દેશ છે.

આર્થિક સાધનો અને સંસાધનોની મર્યાદાને કારણે અશરફ ગની ખુદ એક બાહોશ અને વિચક્ષણ રાજનેતા હોવા છતાં પ્રવર્તમાન પ્રવાહોમાં તેમનો પનો ટૂંકો પડે છે. પોતાના સત્તાકાળ દરમિયાન એમણે અફઘાન પ્રજાને સુખનો એ અનુભવ આપવાનો છે જેનાથી એ પ્રજા દાયકાઓથી વંચિત છે. ગની આજકાલના એ દિવસોમાં સુકાન સંભાળે છે જ્યારે બહુ નજીકના ભૂતકાળમાં અફઘાન, અમેરિકા અને તાલિબાનની ત્રિપક્ષીય મંત્રણાઓ નિષ્ફળ નીવડેલી છે.

અફઘાન સરકારના નબળા દિવસોનો લાભ લઈને પાછલા થોડા વરસમાં તાલિબાનની તાકાત બહુ વધી ગઈ છે. અશરફ ગની હાલ તો કોઈ ચમત્કાર કરી શકે એમ નથી. તેઓ કહેવા ખાતર જ આખા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ છે, હકીકતમાં એક મહત્ ભૂભાગ પર તાલિબાનોનું શાસન છે. તાલિબાનો ફરીવાર રાજકીય સ્વરૂપ ધારણ કરીને અરધા અફઘાનિસ્તાનની સ્વતંત્રતા ચાહે છે.

અફઘાનિસ્તાનના ટુકડા થવાના નક્કી જ છે પરંતુ એમાં ત્રિપક્ષીય સર્વસંમતિના અભાવે નાટક લાબું ચાલી રહ્યું છે. અમેરિકાનો આ વખતે એવો પ્રયત્ન છે કે ત્રિપક્ષીય સંધિ પર હસ્તાક્ષર થઈ જાય. અમેરિકાએ તૈયાર કરેલા તખ્તા પ્રમાણે અફઘાનિસ્તાનના ટુકડા ન થાય અને તાલિબાનોને સત્તામાં ભાગીદારી મળે તો પણ અશરફ ગની ખુદ ચાહે છે એવી કોઈ શાન્તિ અફઘાન પ્રજાને મળવાની નથી. અશરફ ગની ખુદ પખ્તુન છે અને એમની જ જાતિના પખ્તુન તાલિબાનો સાથે કામ પાડવાનું તેમને અઘરું થઈ પડયું છે. ઉપરાંત અફઘાનિસ્તાનની વિદેશનીતિ એવી ચકડોળે ચડેલી છે કે સૌથી પહેલી આપત્તિ પાકિસ્તાને ભોગવવાની હવે આવશે.

છેલ્લા કેટલાક સમયથી તાલિબાનો - અફઘાનો વચ્ચે નવું યુદ્ધ ફાટી નીકળ્યું છે. અશરફ ગની પોતે ઈસ્લામિક પરંપરાના સંદર્ભમાં ઉદારમતવાદી અને સુધારાવાદી છે અને તાલિબાનો કટ્ટરપંથી છે એટલે એમની મિલિઝુલિ સરકાર કેમ ચાલશે એ એક કોયડો છે. તો પણ એક વાત નક્કી છે કે સમજુતી પછી પણ અશરફ ગની જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ બની રહેશે. કારણ કે અગાઉ યુદ્ધ વિરામ અને મંત્રણા વચ્ચેના દિવસોમાં અશરફને સત્તારોહિત કરવામાં આવ્યા હતા. તાલિબાન અને અમેરિકા વચ્ચે શાન્તિવારતાના ઘણા રાઉન્ડ પસાર થઈ ગયા છે.

આ દરમિયાન એમ માનવામાં આવે છે કે અમેરિકી વિદેશ મંત્રાલયે તાલિબાન નેતાઓને એક વિશેષ પ્રણાલિકા સાથે અફઘાન સરકારમાં જોડાવાની તાલીમ આપી છે જેથી હાલની એક રીતે તો નવી સરકાર અને તાલિબાનો વચ્ચે તાલમેલ રહે. તાજિક, ઉઝબેક અને હઝારા જનજાતિના લોકો પણ અફઘાન સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે. તાલિબાનો સાથેના સમાધાન પછી પણ આ ત્રણેય જાતિના સમુદાયોની ચાહનાઓ સંતોષવાનું કામ ગની માટે કોઈ રીતે આસાન નહિ હોય. કારણ કે આ જનજાતિઓ તાલિબાનોની ઘોર વિરોધી છે. તાલિબાનો સત્તામાં ભાગીદાર બનશે એટલે એ ટક્કર વધવાની છે. આ બધી જનજાતિઓને અશરફ ગનીમાં વિશ્વાસ છે.

હમણાં સુધી તો અમેરિકા અને તાલિબાનોની વાટાઘાટો અંગે અગાઉથી જ ગનીની અસહમતી રહેતી. ખરેખર તો તાલિબાન સામે લડી લડીને થાકી જઈને એ સહમતી ગનીએ આપવી પડી છે. પરંતુ જે સમયે, એટલે કે ત્રિપક્ષીય મંત્રણાનું આખરી પરિરૂપ હમણાં ઘડાયું એ પહેલાં તો જનજાતિ સમુદાય અશરફ ગનીમાં બહુ વિશ્વાસ રાખતા હતા અને ગની જનજાતિઓનો પક્ષ તાણતા હતા પરંતુ હવે ચિત્ર બદલાઈ જવાનું છે અને એટલે જનજાતિઓ આક્રમક બનવાની નક્કી છે. ઉપરાંત આ જનજાતિઓની અંદરોઅંદરની લડાઈ પણ અત્યારે પરાકાષ્ઠાએ છે.

તાજિક નેતા અમરુલ્લાહને અરધા જેમ્સ બોન્ડ માનવામાં આવે છે. અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય જાસૂસી સંસ્થાના તેઓ કેટલોક સમય વડા પણ રહ્યા છે. આ અમરુલ્લાહનો એક આગવો અવાજ અને વજન છે. તેઓ પાકિસ્તાનના કટ્ટર દુશ્મન જેવા છે. અમરુલ્લાહે જાહેર કરેલું છે કે તાલિબાનો અને પાકિસ્તાન વચ્ચે ગાઢ સંબંધ છે. એમણે અફઘાન સરકારને ચેતવણી આપી છે કે તાલિબાનોને સત્તામાં ભાગીદાર બનાવશો એટલે અફઘાન સરકારનું રિમોટ સરહદને પેલે પાર પાકિ. જાસૂસી સંસ્થા આઇ એસ આઈ પાસે જતું રહેશે.

દેશને દુશ્મનોના હાથમાં સોંપતા પહેલા કંઈક તો વિચાર કરો ! પરંતુ અમરુલ્લાહનું અરણ્ય રૂદન હવે કોઈને સંભળાય એમ નથી. અફઘાન પ્રજાનું લોહી વહેતું અટકાવવા માટે તાલિબાનોને આધીન થવાનું દુર્ભાગ્ય અફઘાન પ્રજાના ઘરે ઘરે ટકોરા મારી રહ્યું છે. સમગ્ર એશિયાને અશાન્ત કરવાની આતંકિત તાકાત ધરાવતા તાલિબાનોને અમેરિકા હવે આશ્ચર્યજનક અભિગમે પ્રમોટ કરે છે. ખેલ ખતરનાક છે અને એ જ અમેરિકાનો શોખ પણ છે.

Gujarat