Get The App

ન્યૂ નોર્મલનો નૂતન યુગ .

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
ન્યૂ નોર્મલનો નૂતન યુગ                               . 1 - image

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ લાંબુ એટલે નહિ ચાલે કે બન્નેમાંથી એક પણ દેશ વિકસિત એટલે કે ધનાઢય નથી. બન્ને દેશોમાં સુન્ની મુસ્લિમોની સંખ્યા નેવું ટકા કરતા વધુ છે. છતાં સરહદી વિવાદથી છંછેડાયેલી અથડામણો હવે એલાન-એ-જંગ સુધી પહોંચી છે. આ એક ન લડવા જેવું યુદ્ધ છે. છતાં શરૂ થયું છે. બે દરિદ્ર દેશોનું એ યુદ્ધ છે. તમને જેનો તાર્કિક તાળો ન મળે છતાં તમારે જે વાત ગળે ઉતારવાની છે એ ન્યૂ નોર્મલ છે. ઘણી બધી અસામાન્યતાઓ હવે સામાન્ય થવા લાગી છે જે વાસ્તવમાં જોખમી છે. કોરોનાની પહેલી લહેર વખતે હિન્દુસ્તાની ફિલ્મી જગતના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન અને આયુષમાન ખુરાનાની ફિલ્મ ગુલાબો સીતાબો મોટા પડદાને બદલે એમેઝોન નામની એક એપ્લિકેશન ઉપર રિલિઝ કરવામાં આવી જેને અડધી દુનિયાએ ફોનની નાની સ્ક્રીન ઉપર જોઈ. કોરોના વાયરસે ન્યૂ નોર્મલ નામની નવી સિસ્ટમ લોકોના દિમાગમાં ઇન્સ્ટોલ કરી દીધી છે.

વેબ સિરિઝના ટોળા વચ્ચે બીજી લહેર વખતે પણ કેટલીક ફિલ્મો રિલિઝ થઈ પણ એ બધીની હાલત જંગલ મેં મોર નાચા કિસ ને દેખા જેવી થઈ હતી. પરંપરાઓ તૂટી છે અને નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. દુનિયાની નીતિરીતિ બદલાઈ રહી છે. સામાજિક અને વ્યાવહારિક આદર્શોનો નકશો બદલાઈ રહ્યો છે. મહામારી ફક્ત લોકોના જીવ નથી લેતી પણ લોકોની નૈતિકતા ઉપર પણ તરાપ મારે છે. કોરોનાને એક જમાનો વીતી ગયો છે. અપવાદોને બાદ કરતા હવે ફિલ્મ થિયેટરો ખુલ્લા છે પરંતુ પ્રજાની અભિરુચિને એ તરફ લઈ જતા ઉત્સાહના પ્રવાહો સાવ ઝાંખા પડી ગયા છે. આપણો સમાજ છેલ્લા પાંચેક હજાર વર્ષથી ચોક્કસ પ્રકારની ઘરેડથી ચાલ્યો આવે છે. સમાજનો હજારો વર્ષ જૂનો ચહેરો હવે બદલાઈ ગયો છે. માસ્ક પહેરેલો સમાજ હકીકતમાં એ સમયે જ બેનકાબ થઈ ગયો હતો.

ચોરી કે લૂંટફાટના નવા પેંતરાઓ સામે આવી રહ્યા છે. રોજ રોજ નજર સામે આવતી અમુક ખબરો માણસને માનવતા શોધવા માટે મજબુર કરી દે છે. લોકોની માલમિલકતની સુરક્ષા ઉપર પ્રશ્નચિહ્નન મૂકવું પડે તેવી પરિસ્થિતિ દુનિયાના અનેક દેશોમાં ઊભી થઈ ગઈ છે. સામાજિક અને માનસિક અસંતુલનનો દૌર ચાલુ થઈ ગયો છે. પોતાની ભૂખ બીજાનો કોળિયો છીનવીને મટાડવામાં આવતી હોય એવી સ્થિતિ કોઈ પણ સમાજ માટે હાનિકારક છે. રાજધાની દિલ્હીમાં પાકિટમારની સંખ્યા વધી છે અને ઘણા પકડાઈ રહ્યા છે. એ બધા પાકિટમારો નાનીમોટી નોકરી કરતા હતા અને તેમનો કોઈ ગુનાઇત ભૂતકાળ ન હતો. સંયોગોએ એની રોજગારી છીનવી અને તેઓ અનૈતિક રસ્તા તરફ વળ્યાં.

આવું ફક્ત દિલ્હીમાં જ નહીં પણ દેશના અનેક શહેરો ને ગામોમાં થઈ રહ્યું છે. ન્યૂ નોર્મલ કહેવાતા દૌરમાં ન્યૂ એબનોર્માલિટી પ્રવેશી ચૂકી છે. આ તો હજુ શરૂઆત છે. મોટી અને કઠિન સફર હવે શરૂ થઈ રહી છે. લોકો વધુ મહેનત કરે છે પરંતુ પાછલી બેકારી, પાછલી મંદી અને પાછલા પગારકાપ હજુ સેટલ થયા નથી. કેશનો બેકલોગ ભીષણ સંયોગો નિર્માણ કરે છે. ફિલ્મ અને ટીવી નિર્માણ ક્ષેત્ર, દેશના લાખો લોકોને પ્રત્યક્ષ રોજગારી આપે છે. પરોક્ષ રોજગારીનો હિસાબ તો કરોડો લોકોના બેન્ક એકાઉન્ટ સુધી પહોંચે. જો સિનેમાઘરને બદલે ઓટીટી સહિતના ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂ નોર્મલના ખાનામાં આવી જાય તો એ લાખો લોકોનું શું જેની ખાધાખોરાકી આ ફિલ્મ-ટીવી ઇન્ડસ્ટ્રીના આધાર પર હતી? ઈ. સ. ૧૯૮૦ના દસકમાં મુંબઈમાં પણ સ્થાનિક મંદીનો સામનો કરવાની ઘડી ઉત્પન્ન થઈ હતી જ્યારે દત્તા સામંતની આગેવાની હેઠળ શ્રમિકોએ હડતાળ કરી હતી અને કાપડના મિલ માલિકોએ ફેકટરીને તાળા મારવા પડયા હતા.

એની અસર થોડા સમય પૂરતી રહી હતી. ફિલ્મ ઉદ્યોગ ઠંડો પડશે કે તેનો રસ્તો બદલાશે તો નિમ્ન અને મધ્યમવર્ગનો એક મોટો સમુદાય ખૂબ તકલીફમાં મુકાશે એ નક્કી છે. અમેરિકન ન્યૂઝ ચેનલો એવા વીડિયો સમયાંતરે આપતી રહે છે જેમાં લોકો એક મોલને લૂંટી રહ્યા હોય. આવી દુર્ઘટનાઓ ફક્ત અમેરિકા પૂરતી સીમિત નથી. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે પહેલા જ કહેલું છે કે મંદી અરાજકતા વધારશે. એ સંગઠનના અધિકારીઓને એમ હતું કે આફ્રિકામાં સ્થિતિ વણસશે એને બદલે અમેરિકામાં વરવા દ્રશ્યો સર્જાયા. આમ પણ ટેરિફકિંગ ટ્રમ્પએ અમેરિકાને આફ્રિકાની સમકક્ષ લાવી દીધું છે. એક સમય હતો જ્યારે ગુનાખોરીમાં આફ્રિકાના જોહનિસબર્ગ જેવા શહેરો ખૂબ ખતરનાક શહેરો ગણાતા. આજે અમેરિકા અને આફ્રિકા બંને ખતરનાક દેશો બની ગયા છે. યુએસ ગનકલ્ચર કુખ્યાત છે.

દુનિયાના ધનાઢય શહેરોમાંના એક શિકાગોની સ્થિતિ બહુ કફોડી છે. રણમાં એકવાર તો એક જ મહિને એ શહેરમાં અઢાર જેટલી હત્યાઓ થઈ. આવું છેલ્લા ઘણા વર્ષોમાંં થયું ન હતું. યુરોપના લોકોને ચિંતા છે કે અમેરિકાની ગુનાખોરીનો ચેપ તેમને ન લાગે. યુરોપ તો આમ પણ આર્થિક ચક્રવાતમાં હતું. હવે નવી મંદીએ તેના આર્થિક મૂળિયા ઉખાડીને ફેંકી દીધા છે.