FOLLOW US

ચીનનો વિકલ્પ ભારત .

Updated: Feb 28th, 2023


છેલ્લા બે-ત્રણ વર્ષથી ચીન વિવિધ પ્રકારની આંતરિક યાતનાઓનો ભોગ બનેલું છે. ચીનની વિશેષતા તેની ગોપનીયતા છે, પરંતુ એ જ તો એની મર્યાદા પણ છે. ચીન જગત સામે પોતાનું દુઃખ કહી શકે એમ નથી, કારણ કે એના દરેક દુઃખની અંદર એનો પોતાનો જ પારાવાર અપરાધ સમાયેલો છે. ચીનના ઔદ્યોગિક અતિક્રમણમાં હવે જબરજસ્ત બ્રેક વાગી છે. કોરોનાકાળ પછી ચીને કાચા માલમાં જે ૩૦ ટકાનો ભાવવધારો કર્યો, એને કારણે દુનિયાભરના ઉત્પાદકોને આઘાત લાગેલો છે. છેલ્લાં બે વર્ષના ઔદ્યોગિક અંતરાલ પછી ભારતીય ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો અત્યારે ધમધોકાર ચાલી રહ્યા છે. ખુદ ભારત સરકારના આશ્ચર્ય વચ્ચે ભારતીય નિકાસ આસમાનને આંબી રહી છે. લગભગ દર મહિને વધતા જતા નિકાસના આંકડાઓ નવા વિક્રમ સ્થાપિત કરી રહ્યા છે. એના બે ત્રણ મહત્ત્વનાં કારણો છે.

યુક્રેન યુદ્ધ પછી ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરની તટસ્થતા અને સ્થિરતા બહુ જ મૂલ્યવાન સાબિત થઈ છે. દુનિયાભરના દેશોના ઉદ્યોગપતિઓનો ભારત પરનો વિશ્વાસ વધી ગયો છે. જે રીતે રશિયન તાનાશાહ પુતિન પોતે એક પ્રકારે મનઘડંત રીતે ચાલે છે, એ જ રીતે અમેરિકા પણ સ્વયંનિયુક્ત જગત કાજી હોવાને કારણે કોઇને કોઇ યુદ્ધમાં તણાયા કરે છે. યુક્રેનમાં અમેરિકા કાંઠે બેઠું છે, પરંતુ સંયોગો પડખું ફરે તો એણે ઝંપલાવવું પડે. ઉપરાંત અમેરિકા ગમે ત્યારે રશિયાની કિન્નાખોરીનો ભોગ બનશે એ નિશ્ચિત છે. એટલે અમેરિકા સાથે લાંબા ગાળાના વ્યાપારી સંબંધો બાંધવામાં ઈતર દેશો અત્યારે સંયમ દાખવી રહ્યા છે. બીજી રીતે જુઓ તો અમેરિકાની ઉપેક્ષાનો છાને પગલે ઐતિહાસિક આરંભ થઈ ગયો છે. યુક્રેનની પ્રજાને બચાવવામાં અમેરિકાની નિષ્ફળતા એ વાસ્તવમાં એક મહાન રાષ્ટ્ર તરીકેના અમેરિકાના અંતનો આરંભ છે.

ભારતીય વ્યાપાર જગતનો ચડતી કળાનો ચંદ્ર જોઈને જ વિવિધ વિદેશી વડાઓ ભારત આવતા રહે છે. જોકે એનાં રાજકીય પણ અનેક કારણો છે. રશિયા અને યુરોપના સંબંધો ધ્વસ્ત થયા પછી વિવિધ ઉત્પાદનો માટે યુરોપને હવે ભારતની વારંવાર જરૂર પડી રહી છે. વડાપ્રધાન મોદીએ છેલ્લા આઠ-નવ વર્ષમાં વિશ્વભરના જુદા જુદા મંચ પર ભારતીયતાનું જે ચિત્ર રજૂ કર્યું તે હવે ક્રમશઃ વિશ્વ સમુદાયને ગળે ઊતરવા લાગ્યું છે. એનો સીધો ફાયદો વ્યાપાર જગત થશે અને આટલો વહેલો થશે એની ભારતીય ઉદ્યોગપતિઓને પણ ધારણા ન હતી, પરંતુ યુક્રેન યુદ્ધને કારણે વિવિધ ચીજવસ્તુઓના પુરવઠાની જે શૃંખલા ખંડિત થઈ ગઈ તેથી સૌની નજર ભારત પર ગઈ છે. વિશ્વ સમુદાય હવે ભારતને મોટા ગજાના ઉત્પાદક દેશ તરીકે જોવા લાગ્યો છે. ભારતે પણ છેલ્લા પાંચ વર્ષમાં ચીનમાંથી થતી આયાતોમાં તબક્કાવાર ઘટાડો કર્યો છે.

સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી માટે એનડીએ સરકારે ચલાવેલી વિવિધ ઝુંબેશનું આ પરિણામ નથી, પરંતુ ચીન પરની નિર્ભરતા ઓછી કરવામાં ભારતીય લઘુ ઉદ્યોગોનું ઘણું મહત્ત્વનું યોગદાન છે. ઉપરાંત ભારતીય પ્રજા શક્ય ત્યાં સુધી ચીની ઉત્પાદનોથી દૂર રહેવાનું વલણ રાખે છે. એની ટકાવારી ઓછી છે, પરંતુ એનો સરવાળો બહુ મોટો થાય છે. ભારત સરકારે એના છેલ્લા સામાન્ય બજેટમાં મોડે મોડેય આ લઘુ ઉદ્યોગોને બેઠા થવા વિવિધ પ્રોત્સાહનો આપેલા છે. વિશ્વ સમુદાય હવે ભારતને ચીનના સીધા વિકલ્પ તરીકે જુએ છે. એટલે કે ચીનમાંથી પ્રાપ્ત થતા કાચા માલ અને ઉત્પાદનો જો ભારત પાસેથી મળે તો હવે તેઓ ચીનને ઓર્ડર આપવા ચાહતા નથી. ભારતમાં અન્ય દેશોની તુલનાએ માનવશ્રમ સસ્તો છે, પરંતુ ચીન જેટલો સસ્તો નથી. એને કારણે કેટલાક ઉત્પાદનોમાં હજુ પણ ચીન આગળ છે. ઉપરાંત ચીન પાસે જે જાયન્ટ ઉત્પાદન યુનિટો છે એવા ભારત પાસે નથી. પરંતુ ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ભારત બહુ જ ઝડપથી એ પ્રકારની વિરાટ ઔદ્યોગિક વસાહતોનું નિર્માણ કરવા તરફ અત્યારે કાર્યશીલ છે.

ચીનને કોરોનાના નવા વેરિએન્ટ સહિત એક પછી એક ગ્રહણ લાગતા જ રહ્યા છે. ચીનના સૈન્યમાં પણ ભારેલો અગ્નિ છે. ત્યાં અનેક પ્રાંત સ્વતંત્ર થવા માટેના આંદોલનો ચલાવે છે. વિશ્વમાં ચીન પરત્વે નકારાત્મક અભિગમ ધરાવતા દેશો હવે બહુસંખ્ય છે. ચીનના સીધા દુશ્મનો પણ વધી ગયા છે. લોનને લાંચ સ્વરૂપે આપી નાના દેશોને ગળી જવાની ચીનની ભૂવૃત્તિ પણ છતી થઈ ગઈ છે. ચીનનો વર્તમાન તો હજુય સોનાના અક્ષરે લખવા જેવો જ છે, પરંતુ ભવિષ્યમાં અંધારા ઉતરી આવવાનો અણસાર સ્પષ્ટ છે. ભારત સરકારે નિકાસ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના સંદર્ભે પોતાની ઉદ્યોગ નીતિને અપગ્રેડ કરવાની તાતી જરૂર છે. 

Gujarat
News
News
News
Magazines