વૈષ્ણોદેવીમાં ભૂસ્ખલનથી ગઈકાલે મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓના આંકડા સતત ઊંચે જઈ રહ્યા છે. ધર્મ શ્રદ્ધાનો વિષય છે પરંતુ પ્રકૃતિ તો હિસાબ કરનારી છે. ભારતમાં પ્રકૃતિ વિફરી છે. આ વખતે મૂશળધાર વરસાદે આપણને બતાવ્યું છે કે જ્યારે પાણી તેના વિકરાળ સ્વરૂપમાં દેખાય છે ત્યારે તે કેટલું ઘાતક અને વિનાશક જીવનહનન બની શકે છે. લોકો હવે પાણીના ધસમસતા પ્રવાહોથી ડરવા લાગ્યા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર અને પૂર્વોત્તરના હિમાલયી રાજ્યોમાં વાદળ ફાટવા, હિમપ્રપાત અને કાટમાળ સહિતના ઘૂઘવાટા કરતા જળપ્રલયની ઘટનાઓએ બધાને ડરાવી દીધા છે. પરિસ્થિતિએ બતાવ્યું છે કે હંમેશા શાંત રહેતા પર્વતો પણ ઉગ્ર સ્વરૂપ બતાવી શકે છે. આ અતિશય વરસાદથી રસ્તાઓ, પુલો અને કાયમી માળખાઓને ભારે નુકસાન થયું છે. ભૂસ્ખલન એક સાવ આકસ્મિક ઘટના છે. સદીઓ સુધી જે પર્વતમાંથી એક કાંકરી પણ ન ખરી હોય તે હવે અચાનક રસ્તા પર ધસી આવે છે. પહેલા તો ભૂસ્ખલન એ ક્વચિત બનતી ઘટના હતી ને હવે અવારનવાર બને છે.
ખેતરોમાં ઊભા પાકનો નાશ થયો છે. જમ્મુમાં વૈષ્ણો દેવી માર્ગ પર ભૂસ્ખલનને કારણે કેટલાક શ્રદ્ધાળુઓના મોત એક દુઃખદ ઘટના છે. બંધમાંથી વધુ પડતા પાણીએ રાવી, બિયાસ અને સતલજ નદીઓને વિકરાળ બનાવી દીધી છે, જેના કારણે પંજાબના લગભગ એક ડઝન જિલ્લાઓ ડૂબી ગયા છે. સતલજને કારણે પાકિસ્તાન હસ્તકના પંજાબમાં પ્રલયકારી જળ બધે ફરીને વિનાશ વેરી રહ્યા છે. ભારતમાં હજારો એકર પાકનો નાશ થયો છે. પુલો ધોવાઈ જવાથી અને રસ્તાઓ નાશ પામવાથી જનજીવન ઠપ્પ થઈ ગયું છે. પર્વતોમાં રહેતા લોકો આશ્ચર્યચકિત છે કે વાદળ ફાટવાની ઘટનાઓમાં આટલો અણધાર્યો વધારો અચાનક કેવી રીતે થયો. શું કુદરત ગુસ્સે છે? શું આ ગ્લોબલ વોર્મિંગના વધતા જતા સંકટનું પરિણામ છે? હકીકતમાં, આપણા નીતિ નિર્માતાઓ પર્વતીય ઇકોસિસ્ટમની સંવેદનશીલતાને સમજતા નથી.
આપણે ભૂલી જઈએ છીએ કે પર્વતોનો વિકાસ મેદાની મોડેલ પર થઈ શકતો નથી. ઉપરાંત, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના અધિકારીઓની અર્ધહૃદયી તૈયારીઓ પણ કટોકટીનું કારણ સાબિત થઈ છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામામાં, હિમાચલ સરકારે સ્વીકાર્યું છે કે પર્યાવરણીય અસંતુલનને પહોંચી વળવા માટે હાલના પગલાંમાં ખામીઓ રહી છે. રાજ્ય સરકારે પરિસ્થિતિનો સામનો કરવા માટે વ્યાપક ભાર્વિા કાર્ય યોજના તૈયાર કરવા માટે ઓછામાં ઓછા છ મહિનાનો સમય માંગ્યો છે. કુદરતી આફતો ઘટાડવા માટે તંત્રમાં કોઈ તાકીદ નથી. કુદરતી સંકટના રચયિતા અમે નથી એમ કહીને રાજનેતાઓ છટકી જાય છે. આ વરસે તો આફતગ્રસ્ત લોકોની પુનઃવસન કાર્યવાહી પણ મંદ ગતિએ ચાલે છે.
નિઃશંકપણે, વનનાબૂદી, અનિયંત્રિત વિકાસ અને આબોહવા પરિવર્તનના પરિબળોને કારણે કુદરતી આફતોની આવૃત્તિમાં વધારો થયો છે. હકીકતમાં, વર્તમાન પરિસ્થિતિમાં જે કરવાની જરૂર છે તે કોઈપણ રીતે રોકેટ સાયન્સ નથી. આ કટોકટીનો સામનો કરવા માટે, વિજ્ઞાાન અને વહીવટી પ્રણાલીઓની ઊંડી સમજ ધરાવતા નિષ્ણાતોને સામેલ કરવાની જરૂર છે. તેમનો અભિપ્રાય અને સલાહ નીતિ નિર્માતાઓને માર્ગદર્શન આપશે. સરકારોએ રાજકીય અને વ્યાપારી હિતોને બાજુ પર રાખ્યા વિના પર્યાવરણીય સુધારણા તરફ કામ કરવું જોઈએ. લગભગ દરેક વિકાસલક્ષી ઉપક્રમો પ્રકૃતિના શત્રુ હોય છે. આવું શા માટે? આ દેશ કંઈ રાતોરાત પૃથ્વી પર પ્રગટે થયો નથી. જૈન મુનિ ભગવંત હિતરૂચિ મહારાજ સાહેબે સો વરસ પહેલાના ભારતમાં જે જેમ હતું તેમ સાધનો અને જીવન પ્રયોજવાની હિમાયત કરી હતી. એમની એ ઝુઃબેશનો આત્મા સાત્ત્વિકતા અને પર્યાવરણની પુનઃ સ્થાપનાનો હતો.
તેમ છતાંય આજકાલ હિમાચલ સરકારની પહેલ પ્રશંસનીય છે, કારણ કે તેણે અધિકારીઓ, વિષય નિષ્ણાતો અને સમુદાયના પ્રતિનિધિઓનું એક મુખ્ય જૂથ બનાવવામાં ઉત્સુકતા દર્શાવી છે, જેથી કટોકટીમાં વધુ વકરી રહેલા પ્રજા અને પ્રકૃતિ વચ્ચેના અંતરને ઓળખી શકાય. બીજી તરફ, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જોખમો ઘટાડવાના પગલાં અંગે ચર્ચા કરવા માટે નિષ્ણાતો સાથે પરામર્શ કરવાની હાકલ કરી છે. સૌથી મહત્વપૂર્ણ હકીકત એ છે કે મુખ્ય જૂથ અથવા સમિતિઓની ભલામણોનો ગંભીરતાથી અમલ કરવો જોઈએ. નહીં તો આખી પ્રક્રિયાનો હેતુ નિષ્ફળ જશે. આપણે ભૂતકાળના અનુભવોમાંથી પણ પાઠ શીખવાની જરૂર છે.


