દિવસે ગરમી અને રાતે ઠંડીની આ મિશ્ર મોસમમાં હવામાનની પરિવર્તકતા પરાકાષ્ઠાએ પહોંચી રહી છે. આ સમયે દેશનું અર્થતંત્ર પાનખરના સપાટામાં આવી ગયું છે. વિવિધ આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ભારતના વિકાસદરનો અંદાજ સતત ઘટાડતા રહેવાનો ક્રમ ચાલુ રાખ્યો છે. જોકે વાસ્તવિકતા એ પણ છે કે શિયાળુ પાક બજારમાં આવ્યા પછી પ્રારંભિક તેજીને કારણે ઉત્પાદકોમાં નવી પૂછપરછ નીકળી છે અને કેટલાંક કારખાનાઓ અથવા તો મોટા ઉત્પાદકોનાં મહત્ યુનિટો ચાલુ થઈ ગયાં છે. ઉત્પાદન અને વેચાણનું ચક્ર પુન: ગતિશીલ બની રહ્યું છે. ટેરિફથી જે પનોતી બેઠી હતી એની હવે કળ વળી છે.
આ એક શુભ સંકેત છે. બજારમાં માલની ડિમાન્ડ હજુ ઓછી છે. ગ્રાહકો બહુ જ સાવધાનીથી ખરીદી કરતા થયા છે, એને કારણે જથ્થાબંધ અને છૂટક વેપારમાં હજુ નાણાંભીડ દેખાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે ભારતનો વિકાસદરનો અંદાજ ફરીવાર ઘટાડયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે વધુ ત્રણ દિવસની મહેતલ ઈરાનને આપી છે. ઇરાનને ઉશ્કેરનારા એના દુશ્મનો સાબિત થવાના છે પણ એ સમજતા ઈરાનને બહુ વાર લાગશે. કોઈ પણ કટ્ટરતા પહેલા સ્વબુદ્ધિને હણે છે. જોકે ખાડી યુદ્ધ સિવાય પણ રાષ્ટ્રસંઘ છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક મંદીની નોબત વગાડે છે. રાષ્ટ્રસંઘના અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે દુનિયાના તમામ દેશોની સરેરાશ સ્થિતિ છેલ્લા એક દાયકામાં સૌથી વધુ તકલીફ અનુભવવા તરફ છે. એટલે કે દુનિયાનો સાર્વત્રિક વિકાસ દર પણ ઘણો નીચો જશે. ઉપરાંત વિવિધ દેશો વચ્ચેના વૈમનસ્યને કારણે પણ નવી આર્થિક પ્રગતિ હાંસલ કરવામાં અનેક અંતરાય ઊભા થશે. આ બધી વાતો સાચી પડે એ જરૃરી નથી. ભારતીય પ્રજા એશિયાની બીજા ક્રમની પરિશ્રમી પ્રજા કહેવાય છે. નાના પરિવારો પાસે પણ ચોક્કસ પ્રકારની બચત હોય છે. અસંગઠિત ક્ષેત્રોના કામદારો ટૂંકે પને પણ સુખ સુધી પહોંચી શકે છે.
એટલે વિકાસદરને ટીપે ટીપે સરોવર ન્યાયે ધક્કો મળતો રહે છે. ભલે નોટબંધી જેવા આઘાત પછી જેટલો વિકાસદર હતો એટલોય હવે નથી. એ ઊંચા વિકાસ દરનું એક કારણ એ પણ હતું કે નોટબંધી પછી નાગરિકોના પૈસા બજારમાં થોડા સમય માટે ફરતા થયા હતા. ઉપરાંત કરન્સીમાં જ બચત રાખવાને બદલે નવાં નવાં રોકાણો તરફ શ્રીમંતો વળ્યા હતા, જેની પ્રાસંગિક સકારાત્મક અસર વિકાસદર ઉપર થઈ હતી. અર્થશાસ્ત્રીઓ માને છે કે ત્યારે પણ દેશના ઔદ્યોગિક ઉત્પાદનો, સેવાઓ અને કૃષિક્ષેત્ર દ્વારા હાંસલ કરવાપાત્ર વિકાસ દર તો પાછળ જ રહ્યો હતો. નવાં રોકાણોનો એ તબક્કો પૂરો થતાંવેંત જ આખરે વિકાસ દર નીચે આવી ગયો હતો. જે હજુ પણ વધુ નીચેના પગથિયાને જોઈ રહ્યો છે, જે હવે દેશના અર્થતંત્ર માટે ચિંતારૃપ છે.
બજારમાં કેટલાક એવા કિસ્સાઓ બનવા લાગ્યા છે કે જેનાથી વેપારી આલમમાં ગભરાટ છે. લોકો માલ ઉપાડયા પછી ત્રણ મહિના પછી પણ સમયસર ચૂકવણી કરતા નથી. વળી નવા માલના ઓર્ડર આપે છે. આવા સંજોગોમાં ઉત્પાદકો મુંઝવણમાં મુકાયા છે. આ પરિસ્થિતિ ઉદ્યોગોના વિવિધ સેક્ટરમાં અત્યારે છે. ભારત સરકારના આપણા આંકડાશાસ્ત્ર વિભાગે તો ચાલુ વર્ષ માટે વિકાસદરનો અંદાજ માત્ર પાંચ ટકા ઠરાવ્યો છે, જે વાસ્તવિકતાની બહુ નજીક છે. દુનિયાની ટોચની વિવિધ નાણાંકીય અને અર્થશાસ્ત્રીય સર્વેક્ષણ સંસ્થાઓએ આગામી એક વરસ સુધી વૈશ્વિક આર્થિક ચિત્ર ૨.૫ ટકાના વિકાસથી બહુ ઊંચો કૂદકો મારી શકે એમ નથી એવી દહેશત વ્યક્ત કરી છે. રોજગારીના નવા વિકલ્પો શોધવા માટે શહેરીજનોમાં એક વ્યાકુળ દોડ ચાલુ થઈ છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી. જેમની પાસે કામ નથી એવા પુખ્ત અને વયસ્ક લોકોની સંખ્યાનો આલેખ સતત ઊંચે જઈ રહ્યો છે.
વિશ્વ બેન્ક અને ભારતીય રિઝર્વ બેન્કે પણ વિકાસ દરનો અંદાજ પૂર્વે ઘટાડેલો છે. ચોતરફથી ઘટતા અંદાજના પડઘા વચ્ચે શેરબજાર એની પોતાની આગવી અદામાં ચમકારા બતાવે છે. મુંબઈના ખેલાડીઓ કહે છે કે નવા સીધા વિદેશી રોકાણકારોની આશાએ અત્યારે સામાન્ય તેજીને નોંતરવા માટેનું વાતાવરણ છે અને બજાર બરાબર ઊંચે જશે પછી પાછલા દરવાજે છાને પગલે વેચવાલી કરીને રીંગના કલાકારો નફો બાંધીને આબાદ છટકી જશે અને બજાર જો અદાણી મુદ્દે વારંવાર પછડાશે તો સામાન્ય રોકાણકાર ધોવાઈ જશે. શેરબજારમાંથી જ એવી હવા વહેતી કરવામાં આવી રહી છે કે આ વખતનું નવું નાણાંકીય વરસ બહુ સારું હશે ને એપ્રિલ પછી બજાર વધુમાં વધુ ઊંચકાશે. હવાની લહેરોના ભેદ પારખતા આવડતા હોય એનું જ હવે શેરબજારમાં કામ છે. મંદીના આંચકા પચાવીનેય બજાર રહસ્યમય રીતે પોતાનો ચળકાટ જાળવે છે અને એટલે જ એ ચાલ મહત્ અંશે ભેદી છે. એ ભેદનું મુખ્ય કારણ અદાણી અને એના રિંગ લીડર નેવિગેટરો છે.


