Get The App

તાલિબાનો એવા ને એવા .

Updated: Apr 27th, 2025

GS TEAM

Google News
Google News
તાલિબાનો એવા ને એવા                               . 1 - image

ભારતે છેલ્લા થોડા મહિનાથી અફઘાનિસ્તાનમાં થયેલા હિંસક પરિવર્તનો વિશે પણ લગભગ મૌન જ પાળ્યું છે. સત્તાવાર માહિતી સરકારે બહાર પાડી નથી કે તેને નકારી પણ નથી પરંતુ એવું જાણવા મળ્યું હતું કે તાલિબાન ચિફ સાથે ભારત તરફથી વાતચીત કરવાની શરૂઆત કાબુલના પતન પહેલા થઈ હતી. તાલિબાને પણ ભારતે અફઘાનિસ્તાનને કરેલી મદદના વખાણ કર્યા હતા. અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીયો સહીસલામત ભારત પરત ફરે તેના ભાગરૂપે આવી મુત્સદ્દીનીતિ અપનાવી હોય એવું બની શકે. પાકિસ્તાનના ટુકડા કરવા અને બલુચિસ્તાનને અલગ રાષ્ટ્ર બનાવવાની ચળવળમાં અફઘાન કમાન્ડરો બહુ સક્રિય છે. પાકિસ્તાન સરકાર અનેકવાર બલુચિસ્તાનમાં ચાલતા સ્વતંત્રતા આંદોલનને એ ભારત દ્વારા સ્પોન્સર હોવાનો આક્ષેપ કરી ચૂકી છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જૂનો સંબંધ છે. પાકિસ્તાનના અંતિમવાદી તત્વો પહેલેથી અફઘાનિસ્તાનના લશ્કર-એ-તોયબા જેવા આતંકવાદી ગ્રુપને આદર્શ માનતા આવ્યા છે. પાકિસ્તાની સરકારે ક્યારેક કાયદેસર રીતે સ્વીકાર્યુ નથી પણ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈની અફઘાની તત્વો સાથે પહેલેથી સાંઠગાંઠ રહી છે. તાલિબાનની વિચારનીતિના ઘણા સમર્થકો પાકિસ્તાનમાં રાજકીય રીતે સક્રિય છે. અફઘાનિસ્તાન સાથે ભારતને હંમેશા સારા સંબંધો રહ્યા છે. ઇન્દિરા ગાંધીના સમયથી ભારતે અફઘાનિસ્તાનને મદદ કરી છે, નદી ઉપર ડેમ બાંધી આપ્યા છે, દવા કે જરૂરી ચીજવસ્તુઓ પણ પહોંચાડી છે. કોઈ તાલિબાન બંદૂકો લઈને અત્યારે કાબુલના રસ્તાઓ ઉપર ટાટા કંપનીની ગાડીમાં જોવા મળે તો નવાઈ નહીં. ઘણી ભારતીય કંપનીના ઉપકરણો અને વાહનો અફઘાનિસ્તાનમાં વેચાતા આવ્યા છે. છતાં પણ બુદ્ધિ સાથે બારમો ચંદ્રમા ધરાવતું તાલિબાન જૂથ ભારત માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે.

છેલ્લા પાંચ - સાત વર્ષમાં સૌથી વધુ જોવાયેલી પ્રેસ કોન્ફરન્સ હોય તો એ તાલિબાની નેતાએ સંબોધેલી પ્રેસ મિટિંગ હતી. અડધી દુનિયાએ તે જોયું કે તાલિબાની સરકાર ધરાવતો દેશ એટલે વાંદરાના હાથમાં તલવાર. અફઘાનિસ્તાનના સંદર્ભમાં વર્ષોથી મોટા મોટા દેશોની ગણતરી ખોટી પડતી આવી છે. જ્યોર્જ બુશ પછીના બધા અમેરીકન પ્રેસિડેન્ટોએ અફઘાનિસ્તાનમાં અમેરિકન સેના ઉતારી પણ તાલિબાનને કન્ટ્રોલ કરવામાં નિષ્ફળતા મળી. દેખીતી વાત છે કે અમેરિકન લશ્કરમાં અપાતી કડક તાલીમ ગેરીલા પદ્ધતિ પણ એ યુદ્ધમાં નાકામ નીવડી. અમેરિકન ઇન્ટેલિજન્સ પણ અંધારામાં રહી. તાલિબાનીઓ આટલી જલ્દી તે દેશની રાજધાની ઉપર કબજો જમાવી લેશે એવું કોઈ પણ અમેરિકન નિષ્ણાતે ત્યારે વિચાર્યું ન હતું. આજે પણ પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં ભારત સરકાર અફઘાન એલિમેન્ટને વીસરી જાય છે.

હવે ભારતે તેની વિદેશનીતિ ખૂબ સમજી વિચારીને નક્કી કરવી પડશે. ફક્ત અફઘાનિસ્તાન સાથે જ નહીં પણ પાકિસ્તાન સાથેના સંબંધોમાં પણ એક એક ચાલ ગણતરીપૂર્વક ચાલવી ફરજિયાત છે. ભારતે આજ સુધી ક્યા કારણથી સરહદો સિલ કરી ન હતી? ભારત શા માટે અલ્પ આયાતકાર પાકિસ્તાનને પોતાના નિકાસ લાભો આપતું આવ્યું છે? ઈ. સ. ૨૦૦૧માં કાશ્મીરને ભારતથી અલગ પાડવા માટે પાકિસ્તાની સંસ્થા આઈએસઆઈએ લશ્કર-એ-તોયબા જેવા આતંકવાદી સંગઠનો પાસેથી મદદ માંગી હતી. મદદમાં ફક્ત હથિયારો જ નહીં પણ પંદરેક હજાર ઝનૂની સૈનિકોની ડિમાન્ડ કરવામાં આવી હતી. એ સમયે તાલિબાની સરદારે દસ હજાર તાલિબાનીઓને કાશ્મીર મોરચે લડવા માટે મોકલવાનું નક્કી કર્યું હતું. કોઈ કારણોસર પાકિસ્તાન-અફઘાનિસ્તાનનું આ જોઈન્ટ-કાવતરું પાર ન પડયું. પરંતુ ત્યારથી ભારતની વિદેશનીતિના પાકિસ્તાન સાથેના સમીકરણમાં અફઘાનિસ્તાન કાયમી વિધ્ન બની ગયું છે.

તાલિબાની સરકારને લુચ્ચા ચીને બહુ શરુઆતથી સમર્થન આપ્યું હતું. ભારતના વિરોધમાં કોઈ વિદેશી કૂતરું પણ ભસે તો તેની સાથે દોસ્તીનો હાથ લંબાવવો એ જિંગપિંગની નીતિ છે. પાકિસ્તાનને રોડ, પુલ, બંકરો વગેરે બનાવી દેવાના અને શો પૂરા પાડવાના બદલામાં ચીનાઓ ભારત વિરોધી ઝેર પ્રસરાવ્યે રાખે છે. પ્રોક્સી વોર ખેલીને પણ ભારતની સરહદો સળગતી રહે એ ચીનની મુરાદ રહી છે. તાલિબાન ઘણા અંતિમવાદી વિચારધારા ધરાવતા આતંકવાદી સંગઠનોના ઉપકાર હેઠળ છે. માટે વૈશ્વિક મીડિયાની ઓછી નારાજગી વહોરવા તાલિબાન પોતે સુધરી રહ્યું છે એવી ખોટી જાહેરાતો કર્યા કરે છે. અસલમાં તાલિબાનનો અસલી ચહેરો ખૂનામરકીનો છે. તે પોતાની દહેશત ફેલાવવા માટે પાકિસ્તાનમાં પણ બામ્બધડાકા કરે જ છે.