દેશમાં આંતરિક સુરક્ષા એક નવી અને ગંભીર ચિંતાનો વિષય છે ત્યારે ગુજરાતની સરહદે એક નજર નાખવા જેવી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની પાકિસ્તાનને સ્પર્શતી સરહદે કોઈ ને કોઈ હલચલ જોવા મળી છે. જે રીતે પંજાબમાં ડ્રગ્સ માફિયાનું બહુ જ વ્યવસ્થિત માળખું છે કે જેના ઉપયોગ દ્વારા છેક અફઘાનિસ્તાન અને આરબ રાષ્ટ્રો સુધીના છેડા ગોઠવાયેલા છે અને જેમાં કોઈ પણ ચીજવસ્તુની ડ્રગ્સની સાથોસાથ હેરાફેરી થઈ શકે છે, તેવું જ અજાયબ ભૂગર્ભ માળખું ગુજરાતમાં શરાબી વિતરણ વ્યવસ્થા માટે છે જ. ગુજરાતમાં દારૂના માર્ગે જ આતંકવાદીઓ દારૂ-ગોળો પણ મોકલી શકે એવી તમામ સુવિધાઓ બે નંબરની તૈયાર છે. ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી મુખ્યત્વે એ જ રસ્તે થાય છે. એક જમાનો હતો કે એક ઘૂંટડો પીવા માટે ગુજરાતના મયપરસ્ત લોકો છેક આબુનો પહાડ ચડતા હતા અથવા માત્ર એક ભીની અને રળિયામણી સાંજ માણવાના મોહમાં દીવ અને દમણ સુધી જતા હતા.
પરંતુ હવે તો આંગળીઓના ટેરવા ફોન પર ફરે કે તુરત જ હોમ ડિલિવરી કે ઓફિસ ડિલિવરી રૂપે તમે કહો તે ગુણવત્તા હાજર. આ પણ એક રીતે તો ગુજરાત સરકારની રહસ્યમય કૃપા જ છે એમ રંગ-રસિયાઓ માને છે. પાકિસ્તાને સૈન્ય દ્વારા અને આતંકવાદીઓ દ્વારા ગુજરાત સરહદે કાતિલ નજર રાખવાની શરૂઆત કરી એને ચાર વરસ વીતી ગયાં છે. તાજેતરમાં એક પછી એક ઝડપાયેલા ડ્રગ્સના કરોડોના જથ્થાની કુંડળી સરકાર જાણતી નહીં હોય? ગુજરાતના કેટલાંક અકલ્પિત મોટાં માથાં આ ડ્રગ્સના ઢગલામાંથી મળી આવવાની સંભાવના છે. વળી એમાં અંદરોઅંદરની ફાટફૂટ પડી છે જેથી માહિતી લીક થાય છે. આ બધું દીવા જેવું સત્ય છે. પાકિસ્તાનને રાજસ્થાન અને ગુજરાતની સરહદની હવે જરૂર પડી છે, કારણ કે પંજાબ કે કાશ્મીર સરહદે ભારતીય સૈન્યનો આકરો જાપ્તો છે.
ગુજરાતમાંય બીએસએફનો વિશાળ કાફલો તૈનાત છે. છતાં પાકિસ્તાનને એક સાથે રણ અને સમુદ્રના બે એવા વિકલ્પો મળે છે કે જે ભૂમિ માર્ગ કરતાં અઘરા અને ભારતીય સુરક્ષા એજન્સીઓને થાપ ખવરાવનારા છે. કચ્છના સિર ક્રીક ક્ષેત્રની પેલે પાર રાત્રિના અંધકારમાં પણ પાક સૈન્યની હલચલ નજરે જોઈ શકાય છે. ઉપરાંત કચ્છની પેલે પાર કરાચી નજીકની ઈકબાલ બાજવા નામની પોસ્ટ પર પાકિસ્તાને નવેસરથી સૈનિકોના દળના દળ ખડકવાના શરૂ કર્યા છે. અગાઉ પાકિસ્તાનના રેન્જર્સની ડોલ્ફિન સ્કવોડ આ જ સરહદી વિસ્તારમાં સક્રિય બની હોવાની બાતમી ભારતીય જાસૂસોએ સરકારને આપી હતી. પાકિસ્તાન ગુજરાતની કોઈ પણ સરહદેથી પોતાના આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવાનો નવો રસ્તો વિકસાવવાની ફિરાકમાં છે.
ગુજરાતનો દરિયા કિનારો બહુ લાંબો છે અને કેટલીક હદે તો ભેદી પણ છે. વિક્ટર અને ચાંચબંદર નજીક શિયાળ બેટમાં ધારો કે મધરાતે કોઈ માલવાહક જહાજ લંગર નાખે તો એની સરકારને જલ્દી ખબર ન પડે. એ જ રીતે મહુવાના દરિયા કિનારે પણ છેક કળસારના પટ્ટામાં મોનિટરિંગ થતું નથી. અરે, જામનગરના દરિયામાં પરવાળાએ રચેલાં અનેક ભીષણ નાનાં-મોટાં ટાપુઓ આવેલા છે. આ બધા પાકિસ્તાનને બહુ નજીક લાગે એવા વિસ્તારો છે. એ જ રીતે તળાજા પાસે અલંગમાં દેશાવરથી ભાંગવા આવતા જહાજો સાવ કાંઠે ન આવે ત્યાં સુધી એમાં કસ્ટમની પહોંચ હોતી નથી. આમ પણ સૌરાષ્ટ્રમાં દરિયાઈ સુરક્ષા અને કોસ્ટગાર્ડની હાલની જે પ્રણાલિકા છે તે અપૂરતી અને ઉપરછલ્લી જ છે. એમાં તાત્કાલિક અપગ્રેડેશનની જરૂર છે. કચ્છમાં કોટેશ્વરની સામે પડાલા ક્રીક સુધી પાકિસ્તાનના સાત ખલાસીઓ એકલ બોટ લઈને જાણે કે કોઈ સર્વેક્ષણ કરવા નીકળ્યા હોય એમ આવી પહોંચ્યા હતા અને ઝડપાયા હતા એને બહુ સમય થયો નથી.
ગુજરાતની દરિયાઈ, રણની કે ભૂમિની સરહદેથી ઘુસણખોરી કરવાનો પ્લાન પાકિસ્તાની લશ્કરે આતંકવાદીઓને બનાવી આપ્યો છે. અનેક વિકલ્પો ધરાવતા એ પ્લાનમાં ગુજરાતની સરહદે રહેલા ગાબડાંઓ અને સુરક્ષાના છીંડાઓનું વિસ્તૃત અને સચિત્ર આલેખન હોય છે. ગુજરાતમાં આવતા દારૂના વિરાટ કન્ટેનરો મધ્યપ્રદેશમાંથી ભરૂચ, નર્મદા અને સાગબારા તરફથી આવે છે. એ જંગલના નાના અને સાંકડા રસ્તે ગુજરાતની હદમાં આવી જાય છે અને પછી સરકારમાં ફરજ પરના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના માર્ગદર્શન પ્રમાણે ક્રમશ: ધોરિમાર્ગ પર આવે છે. ગુજરાતમાં રોજની દારૂની ખપત કરોડો રૂપિયાની છે. એમાં મંદી આવી નથી અને આવવાની કોઈ શક્યતા પણ નથી. એને પણ દારૂના અન્ડર વર્લ્ડના વેપારીઓ એક રીતે તો કૃપા જ માને છે.


