ત્રણ કલાકની ફિલ્મ જોયા પછી જો મઝા ન આવે તો ફિલ્મને ડબ્બો કહી દેવાનો એક જમાનો હતો. એ ત્રણ કલાક પાણીમાં ગયા એની ખિન્નતા ન હતી. કારણ કે જિંદગીમાં સમયનો પટ વિશાળ હતો. આજે યુગ બદલાઈ ગયો છે. પાકી ખાતરી કર્યા વિના રજતપટ સામે ત્રણ કલાક રંજનયોગ કરી સ્તબ્ધ બેસી રહેવાનું કોઇને અનુકૂળ નથી. ઇ.સ. ૧૯૭૦ સુધી તો આપણા દેશમાં 'ફિલ્મ જોવા જવું' એનો જ આનંદ હતો. કઈ ફિલ્મ અને કેવી ફિલ્મ એ તો પછીનો વિકાસ છે. ને છતાં હજુ ફિલ્મના માધ્યમ પાસેથી આપણે શું માત્ર મનોરંજન જ ચાહીએ છીએ કે જિંદગીના બીજા અનેક ડાયમેન્શન પણ જોઇએ છે ? - એ વિશે ભારતીય દર્શક હજુ સ્પષ્ટ નથી. ફુલલેન્થ બે કે ત્રણ કલાકની ફિલ્મો સામે આજકાલ શોર્ટ ફિલ્મો કાતિલ સ્પર્ધામાં છે જેને હવે ટૂંકા જાપાનિઝ કાવ્ય પ્રકારના નામે હાઈકુ ફિલ્મો તરીકે પણ ઓળખવામાં આવે છે.
એક રીતે આ ફિલ્મો એ ટૂંકી વાર્તા જેવું જ સિનેસ્વરૂપ છે. ટેલિવિઝનના વિકલ્પે યુ ટયૂબ સહિતના જે નવા એન્ડ્રોઇડ આધારિત માધ્યમો વિકસ્યા એણે શોર્ટ ફિલ્મોને વૈશ્વિક આકાશમાં ઉડવા પાંખો આપી છે. નાગરાજ મંજુલેનું નામ રાતોરાત ઉપર આવી ગયું હતું તે પ્રાદેશિક ફિલ્મોના ચાહકોને યાદ હશે. એક ટીનેજર યુગલની કરૂણાન્તિકા ફિલ્મ 'સૈરાટ' તેમણે મરાઠી ભાષામાં બનાવી. સૈરાટે બોક્સ ઓફિસ પર હિન્દી સુપરહિટ ફિલ્મોના વિક્રમો પણ વૈતાળની જેમ તોડયા હતા. આના પછી પણ એમનું શોર્ટ ફિલ્મ તરફનું આકર્ષણ ઓછું ન થયું. ઉત્તમ પટકથાકાર અને દિગ્દર્શકની આકરી કસોટી હાયકુ ફિલ્મમાં થાય છે. લાંબી ફિલ્મો જો નવલકથા કે કથા છે તો ટૂંકી ફિલ્મો પદ્ય કે કવિતાની નજીક છે. નાગરાજે 'પાવસચા નિબંધા' (વરસાદનો આલેખ) નામે સુંદર શોર્ટ ફિલ્મ બનાવી છે. એટલે કે હવે દિગ્દર્શનની મહાનતા કે પ્રતિભા પુરવાર કરવા માટે શોર્ટ ફિલ્મમાં પરફોર્મન્સ કરવું કે પ્રદાન કરવું એ ભારતીય સિનેમાનો નવો પ્રવાહ છે.
મોટાભાગની શોર્ટ ફિલ્મો અજાયબ કલાસ્પર્શ ધરાવે છે અને જિંદગીને એક એવા નવા એન્ગલથી જુએ છે કે દર્શકને એના ચોટદાર સંવાદો અને અંત કાયમ યાદ રહી જાય છે. આજકાલની આ ટૂંકી ફિલ્મો રોબોટથી સસ્પેન્સ સુધી અને દામ્પત્ય જીવનની ઉલઝનોથી ક્રમશઃ તૂટતા જતા સંયુક્ત પરિવારો સુધીના અસંખ્ય વિષય વૈવિધ્ય ધરાવે છે. એવું પણ નથી કે દરેક શોર્ટ ફિલ્મ નાનું બજેટ ધરાવે છે. કેટલીક શોર્ટ ફિલ્મો ધાર્યા બહારનો ખર્ચ કરાવનારી નીવડે છે. દુનિયાના દરેક દેશના પોતાના અને અન્ય નામી આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં શોર્ટ ફિલ્મો ધૂમ મચાવી રહી છે. આ પ્રવાહે એ સાબિત કર્યું છે કે લોકરંજનનો બહુ મોટો ભાર વહન કરતી ફિલ્મો આજની કોમ્પ્લિકેટેડ (સંકુલ) જિંદગીને સ્પર્શ કર્યા વિના જ પુરપાટ ગતિમાં વહી જતી હોય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દરેક દેશમાં શોર્ટ ફિલ્મોનો બહુ મોટો ફાલ આવતો દેખાય છે.
કોલેજોમાં આવનારા દિવસોમાં દર વરસે શોર્ટ ફિલ્મ સ્પર્ધાઓનું પ્રમાણ વધશે, કારણ કે નવી પ્રતિભાઓ હોલિવુડ કે બોલિવુડ પહોંચે એ પહેલા ઘર આંગણે શોર્ટ ફિલ્મ પ્રતિભાની ઓળખનો છડી પોકાર કરવાનું સુગમ માધ્યમ છે. અનેક ડોટકોમ કંપનીઓ હવે શોર્ટ ફિલ્મના પોતાના નવા વેબ પોર્ટલ વિકસાવવા લાગી છે. આ એવી કંપનીઓ છે જે નવી કથા કે નવા દિગ્દર્શકને એક મંચ પૂરો પાડે છે. કેટલીક ટૂંકી ફિલ્મો એવી છે જેના કલાકારોને તુરત જ મોટી ફિલ્મોમાં પસંદ કરી લેવામાં આવ્યા છે. દેશની દરેક પ્રાદેશિક ભાષાઓમાં પણ શોર્ટ ફિલ્મ બને છે અને ગુજરાતની નવી પેઢી પણ પ્રભાવક રીતે એમાં આગળ વધી રહી છે. આવી હાઇકુ ફિલ્મો સારું પ્રદાન કરીને બહુ મોટી સંખ્યાના દર્શકોને આકર્ષે છે એનું એક કારણ એ પણ છે કે આ ફિલ્મોના નિર્માતા કે દિગ્દર્શક પર વ્યાવસાયિક બંધનો હોતા નથી. ટૂંકી હોવા છતાં કેટલીક ફિલ્મો ગીત-સંગીતમાં જમાવટ કરે છે. પોતાની ઓળખ પ્રતિષ્ઠાપિત કરવા માટે નવી પેઢીને ટૂંકી ફિલ્મો કારકિર્દીમાં ચમત્કારિક વળાંક આપે છે.
શોર્ટ ફિલ્મો અને ફિચર ફિલ્મો વચ્ચે સીધી કોઈ સ્પર્ધા નથી, પરંતુ જે રીતે સોશ્યલ મીડિયાના માધ્યમથી લાખો દર્શકો સુધી આ અલ્પકાલીન છતાં ચિરંજીવી મુદ્રા ઉપસાવનાર ફિલ્મો પહોંચવા લાગી છે તે જોતાં મોટા પડદાના અભિનેતાઓએ પણ લોકસમુદાયના હૃદય સુધી પહોંચવા માટે ભવિષ્યમાં શોર્ટ ફિલ્મોમાં આવવું પડશે. શોર્ટ ફિલ્મ કોઈ એક જ ઘટનાના અતિસૂક્ષ્મ પાસાને સ્પર્શે છે, જે જિંદગીમાં ક્યારેક વ્યાપક સપાટી પર છવાઈ જાય છે.


