Get The App

જળપાન એ જ વિષપાન .

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
જળપાન એ જ વિષપાન                                           . 1 - image

દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતાના પક્ષોના કામમાં એટલું બધું વધારે ધ્યાન આપતી થઈ ગઈ છે કે તેઓ જે સત્તા પર છે એની બુનિયાદી જવાબદારીઓ જ ભૂલી જાય છે. પીવાના પાણીની શુદ્ધિની સમસ્યા હવે એ હદે પહોંચી ગઈ છે કે ઈન્દોરમાં લોકો કહે છે કે શરાબ પીશંુ તો જીવતા રહીશું અને પાણી પીશું તો મોતને ઘાટ ઉતરશું. આ અત્યંત શરમજનક બાબત છે કે જે શહેરને છેલ્લાં સાત વર્ષથી દેશનું સૌથી સ્વચ્છ શહેર ગણાવીને સન્માનિત કરવામાં આવતું હતું, ત્યાં પીવાના પાણીમાં ગટરનું પાણી મળી જવાથી એક ડઝનથી વધુ લોકોના મૃત્યુ થઈ જાય. ઇન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં પીવાના પાણીની સપ્લાય કરતી પાઇપલાઇનમાં ગટરનું પાણી લીક થવાને કારણે હજારો લોકોનું જીવન જોખમમાં પડી ગયું.

ઘટનાક્રમ બાદ લગભગ સો લોકો હોસ્પિટલમાં દાખલ થયા અને સેંકડો લોકો પ્રદૂષિત પાણીના ઉપયોગથી બીમાર બન્યા. કોઈ પણ સંસ્કારી સમાજમાં આ વાત સાંભળતાં જ માણસને આત્મગ્લાની થાય કે જે પાણી તેણે પીધું તેમાં ગટરનું ગંદું પાણી મળેલું હતું. આ ગંભીર પ્રશાસનિક બેદરકારીનું પરિણામ છે કે જેના કારણે હજારો લોકોનું જીવન સંકટમાં મુકાઈ ગયું. માત્ર નગર નિગમ જ નહીં, પરંતુ આ વિભાગ સાથે જોડાયેલા તમામ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હકીકતમાં, ઇન્દોર સતત ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનતું આવ્યું છે, તેથી આ ઘટના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. આ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિને કારણે માનવ અધિકાર આયોગ અને મધ્ય પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયને હસ્તક્ષેપ કરવા માટે મજબૂર થવું પડયું. વિસંગતિ એ છે કે નાગરિકોએ પહેલેથી જ પ્રદૂષિત પાણી અંગે ફરિયાદ કરી હતી, છતાં જવાબદાર અધિકારીઓ ત્યારે જ હરકતમાં આવ્યા જ્યારે અનેક લોકોના પ્રાણ જઈ ચૂક્યા હતા.

આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નગર વિકાસ મંત્રી, જેમના હેઠળ પીવાના પાણીની વ્યવસ્થા આવે છે, તેમની અસંવેદનશીલ ટિપ્પણીઓએ લોકોના રોષને વધુ ઉગ્ર બનાવ્યો. જોકે કટુ આલોચના પછી મંત્રીએ ખેદ વ્યક્ત કર્યો છે. ઉપરાંત, મધ્ય પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપે પ્રગતિ કર્યા પછી જેને રાજકીય વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધા છે એ નેતા ઉમા ભારતીએ પણ દોષિતો સામે પ્રાયશ્ચિત અને સજા કરવાની માંગણી કરી છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું થોડા નીચલા સ્તરના અધિકારીઓને સસ્પેન્ડ કે ટ્રાન્સફર કરવાથી આ મોત માટે જવાબદાર લોકોનું પ્રાયશ્ચિત થઈ શકશે?

આ સમસ્યા માત્ર ઇન્દોર પૂરતી મર્યાદિત નથી; દેશનાં નાનાં-મોટાં શહેરોમાં સમયાંતરે પ્રદૂષિત પાણીની સપ્લાયના કેસો સામે આવતા રહ્યા છે. આવી ઘટનાઓ પછી તપાસ સમિતિઓ બનાવવી, વળતર જાહેર કરવું અને જુનિયર અધિકારીઓને સસ્પેન્ડ કરવું માત્ર વિધિ સમાન બની ગયું છે. નવા વર્ષના અવસરે વડાપ્રધાને 'સુધાર, અમલીકરણ અને રૂપાંતરણ'ના મંત્ર પર ભાર મૂક્યો હતો. તેમણે પ્રક્રિયાઓ સરળ બનાવવાની અને જીવનને સરળ બનાવવા માટે સિસ્ટમોને વધુ અસરકારક બનાવવાની જરૂરિયાત દર્શાવી હતી. પ્રશ્ન એ છે કે જ્યારે નાગરિકોને સ્વચ્છ હવા અને પાણી જેવી મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રાખવામાં આવશે, ત્યારે જીવન કેવી રીતે સરળ બનશે? મધ્યપ્રદેશની ડબલ એન્જિન સરકાર આ મુદ્દે સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. કોઈ પણ મોટી યોજના અથવા એનો બ્યુગલપ્રચાર ત્યાં સુધી અર્થહીન છે, જ્યાં સુધી તેને જમીન સ્તરે મજબૂત અમલીકરણનું સમર્થન ન મળે.

સર્વોચ્ચ ન્યાયાલયે વારંવાર કહ્યું છે કે સ્વચ્છ પર્યાવરણનો અધિકાર બંધારણના કલમ ૨૧ હેઠળ જીવનના મૂળભૂત અધિકારનો ભાગ છે. ઇન્દોરની આ દુર્ઘટના દર્શાવે છે કે શહેરી માળખાની ખરાબ જાળવણીને કારણે આ અધિકારનું ઉલ્લંઘન કેટલી સરળતાથી થઈ શકે છે. સ્વચ્છતા રેન્કિંગ, સ્માર્ટ સિટી જેવા દાવા અને શાસનના નારા વ્યવસ્થાગત નિષ્ફળતાઓને છુપાવી શકતા નથી. ઇન્દોરની ઘટના પછી દેશનાં તમામ રાજ્યોમાં સંબંધિત વિભાગો અને સ્થાનિક સંસ્થાઓએ પીવાના પાણીની વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે કે ક્યાંય પાણીની પાઇપલાઇન જર્જરિત થઈને ગંદા પાણી સાથે તો મિશ્રિત થતી નથીને? પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનોનું નિયમિત નિરીક્ષણ થવું જોઈએ. આ મુદ્દે મંત્રાલય અને સ્થાનિક સંસ્થાના અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ. આવા ગંભીર મામલાઓમાં બેદરકારી દાખવનાર દોષિતોને કડક સજા કરવાની જોગવાઈ હોવી જોઈએ. આ મામલો તો બિનઇરાદી હત્યા સમાન ગણાવી શકાય એમ છે, કારણ કે અનેક પરિવારોમાં શોક છવાઈ ગયો છે.