Get The App

વ્યાપાર જગત સાવધાન .

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
વ્યાપાર જગત સાવધાન                            . 1 - image

રશિયા અને યુક્રેન યુદ્ધ હજુ પણ લાંબુ ચાલવાનો અણસાર છે. યુદ્ધ વિરામ માટે યુનોમાં એક ઠરાવ હમણાં જ પસાર કરવામાં આવ્યો છે. આ યુદ્ધ હવે પાંચમા વરસમાં અમંગલ પ્રવેશ કરી રહ્યું છે. એફ પાંત્રીસ-બી ફાઈટર લડાયક વિમાનો અમેરિકાએ રવાના કર્યા છે, જે વાયા બ્રિટન ગમે ત્યારે યુક્રેન તરફે લડવા માટે પહોંચી શકે છે. ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નરે હમણાં વાત વાતમાં એમ કહી દીધું કે ભારતમાં આવનારા બે દાયકા મંદીના પ્રભાવમાં પસાર થવાની શક્યતા છે. જોકે એમનો હેતુ સરકારને કે દેશના વેપાર જગત ને મુંઝવણમાં મુકવાનો ન હોય તે સ્વાભાવિક છે, પરંતુ એમની તટસ્થતા નોંધપાત્ર છે. એમના વિશે એટલે સુધીની વાત તો રસપ્રદ છે કે તેઓ સત્તા પર આવ્યા અને તેમણે રિઝર્વ બેંકનું સુકાન સંભાળ્યું ત્યારે એમના વિશેની જે માન્યતાઓનાં વાદળો હતાં તે તેમના અભિવર્તનથી તરત વિખરાઈ ગયેલાં છે. 

મંદી સામે લડવાનો પ્રથમ ઉપાય જે દુનિયાના અનેક મહાન અર્થશાસ્ત્રીઓએ વારંવાર કહ્યો છે તે એક જ છે કે ઉત્પાદનો પરનો વધારાનો નફો ગ્રાહકો સાથે નિખાલસતાથી અને ઝડપથી ઓછો કરવો. મંદી આવવાનાં કારણો ઘણાં છે, પરંતુ એમાંનું એક કારણ વધારાનો નફો પણ હોય છે. આજકાલ સોની બજારમાં ઊંચા ભાવની અસર દેખાય છે. આ જ કારણસર છેલ્લા કેટલાક સમયથી ભારતીય બજારોમાં કેટલાક બ્રાન્ડેડ ઉત્પાદન કહેવાય તેના ભાવ ઝડપથી ઘટી રહ્યા છે. વેચાણ કિંમતમાં ખાનગીમાં ૩૩ ટકા જેટલો કાપ મૂકવાની તૈયારી રાખતાં અનેક ઉત્પાદકો માર્કેટમાં છે. જે લોકો પાંચથી દસ લાખની નવી કોઈ ખરીદી કરવા ચાહતા હોય તેમને બજારના પ્રવાહો જ આજકાલ રોકે છે અને 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવવાનું કહે છે. 

આરબીઆઈના ગવર્નરની એક બીજી પણ ટકોર છે અને હૈયાધારણા પણ છે કે આવનારા વીસ વર્ષ મંદીમાં પસાર થવાના હોય એનો અર્થ એ નથી કે ભારતીય પ્રજાનું આર્થિક ઉત્થાન રાતોરાત અટકી જવાનું છે, કારણ કે કરોડોની જનસંખ્યા ધરાવતી પ્રજા જે કંઈ પ્રવૃત્તિઓ કરશે એ પ્રવૃત્તિઓના પરિણામ સ્વરૂપે વાર્ષિક પાંચ ટકા વિકાસ દર તો રહેશે. એટલે કે દર વર્ષે પ્રજા પોતાના પરિશ્રમથી પાંચ ટકા વિકાસ તો સ્વાભાવિક રીતે હાંસલ કરશે. ચીન અને અમેરિકાના ટ્રેડવોર અને ટેરિફને કારણે અત્યાર સુધી જે તમામ નકારાત્મક પ્રભાવ ચીન અને એની નિકાસ તથા તેની વેપાર વૃદ્ધિ પર પડયા તે જ પ્રભાવ અમેરિકન બજારમાં પડવા લાગ્યા છે. રશિયા અને યુક્રેન યુદ્ધે એ પ્રભાવને વધુ ઘેરો બનાવ્યો છે. હમાસ, ઈઝરાયેલ, ઈરાનની અસર વળી એમાં ઉમેરાઈ છે. અમેરિકાની કુલ નિકાસ છેલ્લા કેટલાક સમયથી ઘટવા લાગી છે. જ્ઞાાનસૂત્ર અમેરિકા ફર્સ્ટ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણપંથી વિચારધારાના ઢોલ વગાડયા, પછી પણ સ્થાનિક ઉમેદવારોને આપેલી રોજગારી હવે બહુ લાંબો સમય ટકી શકે એમ નથી, કારણ કે અમેરિકન કંપનીઓ પર પણ ઉત્પાદન કાપની તલવાર લટકી રહી છે.

આ સપ્તાહની શરૂઆતમાં કેન્દ્ર સરકારે એવો સંકેત આપ્યો હતો કે હવે એનડીએનો અગ્રતાક્રમ માત્ર દેશનું અર્થતંત્ર પાટે ચડાવવાનો છે. સરકારે વિદેશી રોકાણકારોના નફા પરનો સુપર સરચાર્જ તો ક્યારનોય રદ કરી દેતા તબક્કાવાર ભારતીય શેરબજારમાં અને મૂડી બજારમાં નાણાંનો નવો પ્રવાહ આવ્યો છે. આંતરરાષ્ટ્રીય તખ્તા પર અમેરિકા વિરુદ્ધ રશિયાનું લોબિંઇંગ થવાની દહેશતે મોટા રોકાણકારો તટસ્થ દેશ તરીકે ભારત તરફ વળવાની આશા હવે પ્રબળ બની છે. અને એટલે જ આવનારા દિવસોમાં કેન્દ્રના નાણાંપ્રધાન સીતારામન પાસેથી અર્થતંત્ર અને પ્રજા વધુ સારા ફેરફારો અને સુધારણાની અપેક્ષા રાખે છે. કેન્દ્ર સરકારે લઘુ ઉદ્યોગોને ક્લસ્ટર બનાવીને સાહસ કરવાની સલાહ આપી છે. સરકારના કહેવા પ્રમાણે ક્લસ્ટર એટલે ચાર કે પાંચ નાના ઉદ્યોગ સાહસિકો સંયુક્ત રીતે ઉત્પાદકીય પ્રવૃત્તિ કરે તે. 

સરકારના કહેવાથી જીએસટીના લાભ માટે એવા ક્લસ્ટર જો રચાઈ શકે તો એનો ફાયદો લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને મહત્તમ છે. એમનું કરભારણ અને પડતર બન્ને ઘટી શકે છે. આંતરરાષ્ટ્રીય સંયોગો હવે તો સતત પરિવર્તનશીલ છે. રશિયાએ જ્યારે ટેન્કનું પહેલું ચક્ર યુક્રેન તરફ દોડાવ્યું ત્યારે એને કલ્પના ન હતી કે યુક્રેનની પ્રજામાં આટલો બધો રાષ્ટ્રપ્રેમ હશે. પ્રજા વગર શસ્ત્રે પણ લડી શકે છે અને ચાણક્ય કહે છે એમ એ એની આત્મશક્તિથી કોઈ પણ સેનાપતિ વિના જીતી પણ શકે છે. હવે સિત્તેર કિલોમીટર સુધી લંબાયેલો રશિયન ટેન્કોનો કાફલો અટકી જવાનું એક કારણ યુક્રેનિયન પ્રજાનો વતનપ્રેમ પણ છે.