ચીનને પહોંચી વળવા માટે જાપાને આ વખતે અઠ્ઠાવન અબજ ડોલરનું સંરક્ષણ બજેટ જાહેર કર્યું છે. દુનિયામાં ચીનના દુશ્મનોની સજ્જતા વધતી જાય છે. ભારતે ગઈકાલે જ લાંબા અંતરની મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે, જે સીધા ઈસ્લામાબાદને નિશાન બનાવી શકે એમ છે, પરંતુ આ તૈયારી હકીકતમાં ચીન સામેના પડકારોમાં કામ લાગવાની છે. અત્યારે ચીનનું ધ્યાન તાઈવાનને હડપ કરવા તરફ છે. રશિયાને યુક્રેન, અમેરિકાને વેનેઝુએલા અને ચીનને તાઈવાન જોઈએ છે. આ હકીકતથી ઈસુના નવા વરસનો આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ પ્રભાવિત થયા વિના રહેવાનો નથી. આમ તો રશિયાના વિદેશમંત્રી મિસ્ટર લાવરોવ અગાઉ ભારત આવ્યા ત્યારથી ભારતીય સંરક્ષણની ત્રણેય કમાનનું આધુનિકીકરણ ઝડપી બન્યું છે. યુક્રેન યુદ્ધ અટકવાની આશા ઝાંઝવાનાં જળ જેવી નીવડી છે. યુરોપના દેશો જેવું પાડોશીસુખ આપણને મળ્યું નથી. આઝાદીના સમયથી ભારતના પાડોશી દેશો દગાબાજી, અપલક્ષણ અને ઇર્ષ્યા બતાવતા રહે છે. મ્યાનમાર જેવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા દેશોની સરહદ પણ આપણા માટે ચિંતાજનક નીવડે છે.
હમણાં સુધી હિન્દુ રાષ્ટ્ર રહેલું નેપાળ પણ ચીનના વાદે ચડીને ભારત વિરુદ્ધ બેફામ નિવેદનો કરતું થયું છે. ભુતાન, તિબેટ બાજુ પણ ચીનનો રાજકીય ત્રાસ રહે છે. જૂના અરુણાચલ પ્રદેશનો તો ઘણો હિસ્સો આપણે ગુમાવી દીધો છે. લંકા ફરીવાર લંકા જ બની ગઈ છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યને તો પાકિસ્તાન અને ચીન એક કેક સમજે છે, જેનો વધુ કેટલોક હિસ્સો ઓહિયા કરી જવા માટે દાયકાઓથી ટાંપીને બેઠા છે. યુદ્ધ ન થયું હોય એવી સ્થિતિમાં પણ દુષ્ટ પાકિસ્તાન અને લુચ્ચા ચીને આપણને અઢળક નુકસાન પહોચાડયું છે. દુનિયાને કોરોનાનો અભિશાપ આપીને પોતે એમાંથી સાપ જેમ કાંચળીમાંથી નીકળે એમ સરકીને છટકી જનાર ચીને તેની અસલિયત દેખાડવાનું ચાલુ કર્યું છે. ચીને કદી પણ પોતાનો સ્વભાવ છોડયો નથી. કોઈ બીજો દેશ કે એનો નેતા મનોમન જ ચીનને એકતરફી પ્રેમ કરે તો એમાં ચીન શું કરે?
પંચતંત્રની કથા પ્રમાણે શાકાહારી પશુઓ કોઈ માંસાહારી પશુની દોસ્તી કરે તો એ મૂર્ખતા જ હોય છે. ભારતે આવી મૂર્ખતા તેના નેતાઓની અલ્પમતિને કારણે વારંવાર કરી છે. હજુ પણ ચીનનું નાક કાપવા એના નામજોગ ગુસ્સો વ્યક્ત કરવાનું મુહૂર્ત તેઓ શોધે છે. ચીન કે તેના ખીલ્લે ઉછળતા પાકિસ્તાન કે નેપાળ જેવા ટચુકડા રાષ્ટ્રોની હિમ્મત એટલે વધતી જાય છે કે તેઓ જાણે છે કે ભારતીય સેનાનું સંપૂર્ણ આધુનિકીકરણ થયું નથી. વીસમી સદીના અંતે ભારતીય સેના પાસે બીજા વિશ્વયુદ્ધ સમયનાં શો હતાં. અનેક પ્રયાસો, અનેક અવસરો અને અનેક રજૂઆતો પછી પણ ભારત શ બાબતે આત્મનિર્ભર બની શક્યું નથી. ભારતીય સેનાને સ્વદેશી શસ્ત્રો પૂરા પાડવા માટે નિમેલી સંસ્થા ડીઆરડીઓ પણ સંપૂર્ણ સ્વદેશી તોપ કે સ્વદેશી એન્ટી ટેન્ક મિસાઈલ બનાવી શકી નથી, અગર તો રાજકીય માથાકૂટને કારણે સ્વદેશી શસ્ત્રનિર્માણ થઈ શક્યું નથી.
ભારતે આજે પણ પોતાનાં શસ્ત્રો માટે વિદેશ ઉપર આધાર રાખવો પડે છે. રશિયા, ફ્રાન્સ, ઇઝરાયેલ કે અમેરિકા પાસેથી અતિ મોંઘાં શસ્ત્રો ખરીદવા પડે છે. ભારતે રશિયા પાસેથી અગાઉ તેત્રીસ લડાયક વિમાન ખરીદ્યાં છે અને વધુ શસ્ત્ર કરારો પ્રમાણેની ડિલિવરી પેન્ડિંગ છે. તેને કારણે ભારતીય વાયુસેનાની તાકાત ચોક્કસપણે બેવડાશે અને સરહદોના ઘણા પ્રશ્નોનું નિરાકરણ આવી શકશે. જોકે રાફેલ આવ્યા પછી વાયુદળની તાકાત અભિવૃદ્ધ થઈ છે. ભારતે રશિયાને આપેલા શસ્ત્ર - સરંજામના ઓર્ડર રાતોરાત વધારી દીધા છે. લદાખના પૂર્વ ભાગમાં ભારત અને ચીન વચ્ચેની સરહદ ઉપર છેલ્લા બે - ત્રણ વરસથી જે તણાવ ચાલી રહ્યો છે તેના પરથી એક વાત નિશ્ચિત છે કે ભારતીય લશ્કરે તેની તાકાત વધારવી પડશે.
મિગ-૨૯ તથા સુખોઈ વિમાનોના નવા કાફલાઓ ખરીદવા માટે કેન્દ્ર સરકારે આડત્રીસ હજાર નવસો કરોડનું બજેટ રક્ષા મંત્રાલય માટે મંજુર કર્યું છે. આ ભંડોળમાંથી ખુશકી દળ, ઇન્ડિયન નેવી અને વાયુ દળ માટે શસ્ત્ર સરંજામ લેવામાં આવશે. ગયા વર્ષે ફ્રાન્સ પાસેથી રાફેલ વિમાનો ખરીદવામાં આવેલાં, આ વર્ષે રશિયા પાસેથી મોટી ખરીદી થઈ રહી છે. ભારતની આ શસ્ત્રખરીદી દુશ્મન દેશો માટે પણ એક સ્પષ્ટ સંકેત છે કે ભારતીય લશ્કર તડામાર તૈયારી સાથે સુસજ્જ થઈ રહ્યું છે. ભવિષ્યમાં પરિસ્થિતિ વણસે કે ચીન વધુ અવળચંડાઇ કરે તો ભારતીય લશ્કર તેનો જવાબ આપવા માટે સક્ષમ છે. ભારતની વાયુસેના પાસે હોવાં જોઈએ તેના કરતા ઓછાં લડાયક વિમાનો ધરાવે છે. લડાયક વિમાનોની ખોટ સમગ્ર ભારતને ભારે પડી શકે તેમ છે.


