ઈ. સ. ૨૦૧૯ માં ચીની પ્રજા કોરોના સંકટમાં વધુ ને વધુ એવી ફસાતી ગઈ હતી કે તે સમયે કે બધા જ પોતાને નિઃસહાય અને નિરુપાય સમજવા લાગ્યા હતા. સ્ટે હોમ એક પ્રચલિત જ્ઞાનસૂત્ર હતું. પરંતુ હાઉ કેન યુ મેનેજ યોર હોમ ઓનલી બાય સ્ટેયિંગ એટ હોમ ? એનો જવાબ કોઈ પાસે ન હતો. સ્વનિર્ણયની ગૃહકેદ જેઓ સ્વીકારતા નથી તેઓ ગમે ત્યાં કોરોનાને ઠેબે ચડી જાય છે અને જેઓ ઘરમાં સ્થિર થઈ જાય છે, એમનું ફેમિલી ફાઈનાન્સ અસ્થિર થવા લાગે છે. ચીનમાં આજે એ દિવસો પાછા ફર્યા છે. અગાઉ પણ કોરોનાના વળતા પાણી જોઈને સહુ કામે લાગ્યા હતા અને પછી કોરોનાએ જે વિકરાળ રૂપ બતાવ્યું એમાં ચારેબાજુ મોતના માતમ છવાઈ ગયા. જેમણે બેદરકારી રાખી હતી તેઓ અને જેમણે બધા નિયમો પાળ્યા હતા તેઓ પણ સપાટામાં આવી ગયેલા જોવા મળ્યા. કોરોનાની પહેલી લહેર વખતે તો સાજા થવાનું પણ સહેલું હતું પરંતુ બીજી લહેરમાં તો શ્વાસ લેવાના પણ ફાંફા હતા. ચીન હવે એ દશા તરફ પુનઃ ધકેલાતું જાય છે.
પહેલી લહેર પૂરી થઈ ત્યારે પણ ચારેબાજુ કાનના પરદા ફાડી નાંખે એવા બુલંદ અવાજે સંભળાતું હતું કે આની પાછળ જ બીજી લહેર આવે છે. પણ ત્યારે કોઈ માનવા તૈયાર જ ન હતું કે બીજી લહેર આવશે અને આવી ભયાનક આવશે. આજે પણ કોઈ માનવા તૈયાર નથી કે નવી લહેર હજુ પણ આવી શકે છે. જાણે પોતે જ ન કુદરતના નિયંતા હોય એમ કહે છે કે ના રે ના હવે લહેર અહીં તો ના આવે...! જેને ન્યૂ ચાઇના વેવ કહે છે એ કોઈ કુદરતી કૃપાથી ન આવે તો બહુ સારી વાત છે પણ જો આવે તો શું થાય એનો વિચાર કરવો એ સાવધ નાગરિકોનું અને સરકારનું કર્તવ્ય છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચીનમાં દરરોજ કોરોનાના નવા રાઉન્ડના સંક્રમિત હજારો નવા કેસ સપાટી પર આવે છે. એ આંકડો લાખો સુધી પહોંચવાનો છે. રોજના લાખો નવા કેસ !
લાખો નાગરિકોના મોત એટલે શું ? કોઈ પણ માંદગી ન હતી અને જિંદગી લીલ્લીછમ, ખુશહાલ, નિશ્ચિન્ત અને મોજેમોજમાં વહેતી હતી. વિશાળ બંગલાઓ, ફળિયામાં સુંદર બગીચા, આંગણે જ ફળોથી લચી પડતાં ઓલિવ અને સફરજનના વૃક્ષો.... આ બધું મૂકીને જેઓ પંચતત્ત્વમાં એકાએક જ વિલીન થઈ ગયા છે એમના પરિવારમાં સન્નાટો છે. અને હજુ એમાંના અનેક પરિવારમાંથી બીજા અને ત્રીજા ક્રમે પણ પરિજનો અનંતયાત્રાએ નીકળી રહ્યા છે. કોરોનાની આ નવી લહેરમાં ચીની સરકારી તંત્ર ભારે દોડધામ કરી રહ્યું છે. હવે શરૂ થયેલો પ્રચંડ વિરોધ જિનપિંગના અંતનો આરંભ છે. ચીનમાં ગમે ત્યારે સિવિલ વાર ફાટી નીકળે એમ છે.
અણધારી રીતે જ આવી જતા જિંદગીના પૂર્ણવિરામ સામે ચીની માણસજાત દિગ્મૂઢ બનીને બેઠી છે. કોરોના સામે લડવાના હવાતિયાં ગમે તેટલા સોફિસ્ટિકેટેડ અને કોર્પોરેટેડ હોય તોય આખરે એ હવાતિયાં જ નીવડતા દેખાય છે. હાલ રોજના જે હજારો કોરોના કેસ નોંધાઈ રહ્યા છે તે બધા જ ડબલ વેક્સિન અને બુસ્ટર ડોઝ લઈ ચૂકેલા છે એટલે હવે જીવનદાતા એવી કોઈક સંજીવની ઔષધિની પ્રતિક્ષામાં આ ચીનાઓ બંધ બારીના કાચમાંથી બહાર જોઈ રહ્યા છે. દુનિયાના મોટાભાગના રાષ્ટ્રનેતાઓ પ્રજાના દુઃખને સમજી શક્યા નથી. તેઓ તેમના ગુમાનમાં જ ફરે છે. પ્રજાજીવનની સંવેદના સાથે એમનું કોઈ જોડાણ નથી. તેમના ચહેરા પર પ્લાસ્ટિકના ફૂલો જેવું અભદ્ર અને નકલી હાસ્ય દેખાય છે. જિનપિંગ તેમની રાજરમતમાંથી ઊંચા આવતા નથી અને ચીનમાં કોરોના કેસ વધતા જ જાય છે.
વીતી ગયેલા કોરોનાકાળમાં કેટલાક બાળકોના માતાપિતા બન્ને ચિરવિદાય પામ્યા છે. કેટલાકને પિતા અને કેટલાકને માતા. એમાં જેણે માતા ગુમાવી છે એને તો આખી જિંદગી એ શીતળ પાલવનો છાંયો બીજે ક્યાં મળે ? એક ઝાડનો છાંયો આટલો મીઠો હોય તો માતાની હયાતીનો છાંયો કેવો હોય ! બોટાદકરે કંઈ અમથું કહ્યું છે કે મીઠા મધુ ને મીઠાં મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત....! આખું ચીન અત્યારે તો જાણે કે ફરીવાર એક અંધારી ટનલમાં પ્રવેશ્યું છે. કોઈ જાણતું નથી કે આ અંધકારનો છેડો ક્યારે આવશે. બસ સમયની ઘટમાળમાં આગળને આગળ ચાલ્યા જ કરવાનું છે. અમાસની રાતના તારા જેવું સ્હેજસાજ અજવાળું હોય તો એ પણ આગળની સફરમાં લુપ્ત થવાનું છે. ચીની પ્રજા કોરોનાને જિનપિંગની ભેટ માને છે. ચીનનો ગ્રામવિસ્તાર વિરાટ છે. એમાં વસતી પ્રજા માને છે કે દુષ્ટ રાજાને કારણ દૈવ વિપરીત છે.


