Get The App

રોકડિયા પાકના ગુલામો .

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
રોકડિયા પાકના ગુલામો                                 . 1 - image


આખરે બજારમાં દિવાળીની ચમક જોવા મળી છે. એક તરફ વિશ્વબેન્કે ભારતના વિકાસદરની આગાહી પલટાવી છે ને બીજી તરફ વિદેશી રોકાણકારો પાછા પડયા હોવા છતાં ફરી ફરી તેઓ ભારતમાં જ રોકાણ કરવાની ઉજળી મુરાદ રાખે છે. શરદઋતુ શરૂ થવાની તૈયારી છે અને રવિ મોસમને વાર છે ત્યારે હજુ ઉત્તર ભારતમાં અનેક સ્થળોએ હળવાથી ભારે વરસાદની આગાહી છે. આ વખતે બંગાળના ઉપસાગરમાં નૈઋત્યના પાછા ફરતા પવનોમાં રહી રહીને વરસાદનું ઘણું જોર જોવા મળ્યું. આ વખતનો મુખ્ય વરસાદ કેરાલાથી ઉપર આવતા ચોમાસાને બદલે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગર પર જ આધારિત રહ્યો. કેરળમાં તો જે કંઈ વરસાદ આવ્યો તે ચોમાસાના આરંભ પછી ઝંઝાવાતી સ્વરૂપનો જ રહ્યો. જો કે કેરળને પાણીની કે સિંચાઈની કદીયે ચિંતા હોતી. નથી કારણ કે કેરળના ખેતરોમાં બાગાયતી પાક લહેરાતા હોય છે.

આપણે ત્યાં ગુજરાતના ખેડૂતો જે રીતે રોકડિયા પાક પાછળ પાગલ છે અને ખેતરનું સંપૂર્ણ દોહન કરી અને ચિક્કાર રૂપિયા જ બનાવી લેવાની ઈચ્છા છે એવું કેરળમાં નથી. કેરળના ખેડૂતો બાગાયતી પાક ખેતરની ધારે ધારે વાવે છે. કેરળમાં એક પણ ખેતર એવું નથી કે જેમાં ઘાટાદાર વૃક્ષો ન હોય અને ફળફળાદિ ન હોય. આપણે ત્યાં લાખો હેક્ટર જમીનો વૃક્ષશૂન્ય થઈ ગઈ છે. જે જમીનમાંથી કિસાનો દર વરસે મબલક પાક લે છે એ જ જમીન પર તેઓ બે-પાંચ ઝાડ પણ થવા દેતા નથી. કેરળમાં ઘટાદાર અને બાગાયતી ઝાડ વિનાનું ખેતર જોવા જ ન મળે. ફળફળાદિ, કાચા શાકભાજી, લીલી મગફળીને રો ફૂડ કહેવામાં આવે છે. કેરળના ખેડૂતોને પ્રથમ પોતાની પ્રજાની એટલે કે પોતાના વારસદારોની ચિંતા છે. એ પહેલા પોતાના પરિવારના આરોગ્ય સામે જુએ છે પછી રૂપિયા સામે જુએ છે. આવો અભિગમ દેશના બધા ખેડૂતોમાં નથી.

કેરળના છોકરાઓ સવારે શાળાએ જઈને આવે પછી પિતા સાથે ખેતરમાં કામ કરતા હોય છે અને ખેતરમાં ચારે બાજુ નાળિયેરી હોય, કેળા હોય હવે તો કાજુ પણ હોય છે, સફરજન હોય છે, જામફળ હોય. આ બધા રો ફૂડ છે. રો ફૂડ એટલે કાચા ખોરાક જેને પકાવ્યા વિના એટલે કે જેને ચૂલે ચડાવ્યા વિના એ કેરળના ખેડૂતોના સંતાનો બપોરે આહારમાં લે છે. બપોરના ભોજન અને સાંજના ભોજનની વચ્ચે જો સંતાનોને રો ફૂડ મળે તો એના જેવું અમૃત બીજુ એકેય નથી. રો ફૂડ તો કોઈ પણ ઉંમરે સર્વશ્રેષ્ઠ છે. રો ફૂડનો અર્થ છે ઝાડ કે વનસ્પતિની ડાળી પરથી તોડીને સીધી જ કુદરતી ઉપજ ખાવી. એને છરી કાંટાનો સ્પર્શ પણ થવો જોઈએ નહીં. એનું જે માધુર્ય છે એ જે આરોગ્ય આપે છે એવું આરોગ્ય ભગવાન ધનવંતરી પણ આપી શકે નહીં. આટલી બુદ્ધિ કેરળના ખેડૂતોમાં છે અને એમણે પોતાની આવનારી પેઢીઓ બચાવી લીધી છે.

ભારતના ખેડૂતોમાં સૌથી એડવાન્સ હોય તો એ કેરળનો ખેડૂત છે, કારણ કે કેરળના ખેડૂતના છોકરાએ જો ભણવું હોય તો પિતાના ખેતરમાં મજૂરી કરવી પડે છે અને મજૂરીના બદલામાં જે પૈસા મળે એમાંથી એ ફી ભરે છે. આપણે ત્યાં જન્મે જમીન માલિક બની બેઠેલા ખેડૂત સંતાનો શનિરવિમાં ખેતરે જે મહેફિલ કરે છે એવી મહેફિલ કેરળના એક પણ ખેતરમાં થતી નથી. કેરળમાં એક પણ વિદ્યાર્થી એવો નથી જે પોતાના બાપના ખેતરમાં મજૂરી કરીને જાત કમાણી કરીને ફી ન ભરતો હોય. કેરળના જીવનથી અને એના ઊંચા દરજ્જાના પેરેન્ટિંગથી કે એના કુદરતી આહારવિહારથી આપણે તો બહુ પછાત છીએ. આપણને તો ખબર જ નથી કે આટલી બધી અઢળક સમૃદ્ધિ ભગવાને આપી છે તો પહેલા ઘરની નવી પેઢીનું તો ઘડતર કરીએ. ગુજરાતમાં પણ મોટા ખાતેદારો ક્યાં ઓછા છે?

એવા ખાતેદારોના ખેતરમાં એક આમલીનો છોડ ન જોવા મળે, એના ખેતરમાં એક લીમડો કે પીપળો જોવા ન મળે. તેઓ સંતાનો માટેના રો ફૂડ સુધી તો કેવી રીતે પહોંચી શકે? દેશના કિસાનોએ કેરળમાં જઈને ખેતી શીખવાની જરૂર છે. આપણે ત્યાં ખેતી આવડી ગઈ પણ ખેતી આધારિત જીવન ભુલાઈ ગયું. ખેતી આધારિત પૈસા આવ્યા પણ કૃષિમગ્ન કૃષિમય જીવન ન આવ્યું એટલે એનો સરવાળો બહુ ખોટો બેસે છે. આજે પરિસ્થિતિ એ છે કે ગુજરાતમાં એક સો વિઘાનો ખાતેદાર ખેડૂત પણ એના પોતાના સંતાનોને તો રાસાયણિક ખાતરવાળા શાકભાજી અને અનાજ ખવડાવે છે. તો એ ૧૦૦ વિઘાને શું કરવા છે? ક્યારેક એવું લાગે છે કે ડેવલપમેન્ટ બુદ્ધિની ભૂખમાં આપણો સમાજ ફન્ડામેન્ટલ બુદ્ધિ ખોઈ ચૂક્યો છે. રોકડિયા પાક પાછળ ઘેલા થવામાં તેઓ અસલ કૃષિ સંસ્કૃતિ અને પારિવારિક સત્ત્વતત્ત્વ વીસરી ચૂક્યા છે.


Google NewsGoogle News