ટુકડો મેં જી રહા હુઁ
દેશભરમાં લોકડાઉનમાં જ્યાં જ્યાં સ-શરતી મુક્તિ આપવામાં આવી છે એના નિતનવા અનુભવમાંથી લોકો પસાર થવા લાગ્યા છે. પહેલા એમ લાગતું હતું કે લોકડાઉન નંબર ચાર તો સાવ હળવું હશે અને એયને ફરી મુક્ત ગગનમાં સહુનો સ્વૈરવિહાર શરૂ થઈ જશે. પરંતુ હવે લોકોને ખ્યાલ આવવા લાગ્યો છે કે બંધન અને મુક્તિમાં બહુ તફાવત નથી. વાત બહુ બારીક છે પણ રોજ નાની નાની અનેક સમસ્યાઓ સાથે લોકોએ કામ પાડવાનું આવ્યું છે જેની લાંબી યાદી અનુલ્લેખિત જ ઠીક છે.
લગભગ બધા જ કામ ટુકડે ટુકડે થાય છે. સાદ્યંત કાર્યકલાપ તો ભાગ્યે જ શક્ય બને. ફિલ્મ દિલ સે ના ગુલઝારે લખેલા એક ગીતમાં શાહરુખ ખાન ગુંજે છે કે મૈં યહાઁ ટુકડો મેં જી રહા હુઁ તુ કહીં ટુકડો મેં જી રહી હૈ... જેવી સ્થિતિ અત્યારે સામાન્ય જનની થઈ છે. બધા જ કામકાજ જો અને તો વચ્ચે ફસાયેલા દેખાય છે.
છતાં સહુ દેશને રિઓપન કરવાની મથામણમાં લાગેલા છે. પગ પર પથ્થર પડે તો કદાચેય થોડી હાનિ સાથે ઉઠાવાય પણ આ તો કોરોનાકાળનો એટલે કે સમયનો પહાડ પડેલો છે. એ કંઈ એમ જલદી ઊંચકી શકાય નહિ. શાહરુખના જ બીજા ગીતના શબ્દો તું ફિકર ન કર મેરે યાર... હોલે હોલે હો જાયેગા પ્યાર... એટલે કે બધું જ ધીમે ધીમે જ પાટે ચડશે. કોઈ ચમત્કાર થવાની સંભાવના નથી. દેશમાં સરકારે જેમને પણ મુક્તિ આપી છે તેઓ બધા કંઈ મુક્તિનો લાભ લઈ શકતા નથી. કારણ કે રિઓપનિંગ એક અલગ જ પ્રકારનો વ્યાયામ છે. વાણિજ્યના ચક્રોમાં બધા ગતિમાન નથી.
વચ્ચે વચ્ચે કેટલાક નાના ચક્ર અટકેલા છે. એને કારણે મિકેનિકલ સિદ્ધાન્ત પ્રમાણે આગળના મોટા ચક્ર પણ સ્થગિત છે. અનેક વેપાર અને ઉદ્યોગ તો મુક્તિ મળ્યાને સપ્તાહથી વધુ સમય થવા આવ્યો હોવા છતાં હજુ રિઓપન થયા નથી. દરેક પાસે પોતપોતાના આગવા કારણો છે. કેટલાક તો એ રીતે અને એ કારણે બંધ પડયા છે કે કદાચ ફરી ખુલવાની શક્યતા નથી. કેટલુંક નોટબંધીમાં બંધ થયું. કેટલુંક જીએસટીમાં. છતાંય જેઓ ચાલુ રહ્યા તેમાંથી કેટલુંક હવે આ લોકડાઉનમાં બંધ થશે. સરકાર માબાપની તો કૃપા હતી એમાં વળી વાયરસના ઝંઝાનિલ ફૂંકાયા.
કોરોના અને લોકડાઉનના કારણે ઊભી થયેલી અસામાન્ય પરિસ્થિતિએ ડગમગી રહેલાં ભારતીય અર્થતંત્રને ખરાબ હાલતમાં મૂકી દીધું છે. જેનો અંદાજ ગયા અઠવાડિયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસની જાહેરાતમાં આવી ગયો. સતત ઘટી રહેલાં રેપો રેટને વધુ એક વખત ઘટાડીને તેમણે ચાર ટકા સુધી લાવી દીધો જે વર્ષ ૨૦૦૦ પછીનો સૌથી નીચા સ્તરનો છે. રેપો રેટ એટલે એ દર જેનાં પર બેંકોને રિઝર્વ બેંક પાસેથી લોન મળતી હોય છે.
આર.બી.આઈ. ગવર્નરે નાગરિકોએ બેંકમાંથી લીધેલી લોનના હપ્તા ભરવા માટેના સમયમાં મળેલી છૂટછાટને ફરી ત્રણ મહિના વધારીને ઓગસ્ટ સુધી લંબાવી આપી. અર્થતંત્ર સામે હાલ જે ચેલેન્જીસ રહેલી છે તેમાં આ વર્ષે જી.ડીપી. પી. વધવાના આંકડા નેગેટિવ હોઈ શકે છે તેવી ગંભીરતાનો સંકેત પણ આપી દીધો. આ વાત સ્પષ્ટ કરવી એટલાં માટે જરૂરી છે કે દેશ આખો જ્યારે આટલી મોટી મુસીબત સામે લડી રહ્યો છે ત્યારે દેશના લોકો કોઈ વહેમમાં ન રહે. પરંતુ હકીકત એ પણ છે કે એક હદ પછી દેશની પ્રજા તો શું સરકાર માટે પણ જી.ડી.પી.ના આંકડાઓનો કોઈ અર્થ રહેતો નથી.
સૌથી મોટો સવાલ આ પણ છે કે ક્યા ક્યા સેક્ટરમાં કઈ કઈ કંપની ટકી શકશે, કઈ દુકાનો ખુલ્લી રહી શકશે અને મહામુશ્કેલીએ કેટલાં લોકોની રોજગારી બચાવી રાખવી શક્ય બનશે. આ દ્રષ્ટિએ ભલે સિમિત પણ પહેલી બે જાહેરાતો ઉપયોગી બની શકે છે.
રેપો રેટમાં ઘટાડાથી બજારમાં લિક્વિડીટી જળવાશે તો કમ સે કમ કેશની કમીનો પ્રશ્ન તો નહીં રહે. રહ્યો સવાલ સસ્તી લોનથી ઈકોનોમીમાં ફર્ક લાવવાની તો વાત આ છે કે બજારમાં માંગ જ નહીં હોય તો કંપનીઓ લોન લઈને ઉત્પાદન આખરે કોના માટે વધારશે ? લોનના હપ્તા ભરવાની મુદ્દતમાં કરવામાં આવેલાં વધારાની જાહેરાત વધારે રાહત આપનારી એટલાં માટે નહીં રહે કેમ કે લોન આજે નહીં તો કાલે ચૂકવવી તો પડશે જ.
એક બાજુ હપ્તા બાકી બોલતા જશે અને બીજી તરફ આ મુદત પૂરી થયા બાદ આ રાહતના સમયનું વ્યાજ જોડીને વસૂલ કરી લેવામાં આવશે. એવામાં એક શંકા એ પણ રહે છે કે હપ્તા ચૂકવવાનો સમય શરૂ થતાં જ ક્યાંક બેંકો પર ડિફોલ્ટરોનો બોજ વધવા ન લાગે. જો કે અપાયેલી બધી છૂટછાટો એળે નહીં જાય. જે પણ કંપનીઓ આટલી વિષમ પરિસ્થિતિમાં પણ પોતાના ગ્રાહકો સાથે સંબંધનો સેતુ જાળવી રાખશે એ કંપનીઓ માટે તેનું એ વર્તન સંજીવની જેવું કામ કરશે. ધંધાકીય સૂઝ એને જ કહેવાય જે બદલાતા સમય સાથે પોતાનું વહેણ બદલાવી શકે. લોકડાઉન આંશિક સ્વરૂપે ખુલ્યું છે અને ભારતની બજારોમાં ધીમે ધીમે ગરમી આવતી જાય છે. એક બે મહિનામાં ભારતીય બજાર ફરી પહેલા જેવી ચમક ધારણ કરી લે એવી આશા છે.