Get The App

શહેરોના નવા વિસ્થાપિતો .

Updated: Mar 26th, 2025

GS TEAM

Google News
Google News
શહેરોના નવા વિસ્થાપિતો                                   . 1 - image

આપણે માનીએ છીએ કે શહેરમા કોઈને પણ પોતાના જોગનુ કામ મળી રહે એ જમાનો હવે નથી. હા, શહેરોમા કામ તો અઢળક છે પણ એ આવડે એનુ કામ છે. જરાક જ જેનામાં જલસાખોરીનુ અભિજાત લક્ષણ આવે કે શહેર એને ફંગોળીને દૂર એના વતન વગડામા ફેંકે છે. પછી ઊભા થવાની પણ ત્રેવડ ન રહે એ વાત જુદી છે. હશે એમા કદાચ સહુ કહે છે એમ ભાગ્યનોય કંઈક દોષ હશે પરંતુ કર્મથી તો ઊંચુ આ સંસારમા કંઇ નથી. છેલ્લા દસ વરસમાં ગુજરાતના ગ્રામજીવને શહેરોમાંથી પાછા ફરેલા પરિબળો જોયા છે. બધા જ લોકો પોતાની આત્મકથાના પાનાઓ ચોકમા ગામને વાંચવા ખુલ્લા મૂકતા નથી. બધાને એક જ ધોરણે હાંકવાની જરૂર હોતી નથી. દરેકના કારણો અલગ હોય છે. સામાન્ય રીતે અસલ કારણો તો એક રહસ્ય જ હોય છે પરંતુ લોકો એને જુદી રીતે જુએ છે. આજકાલ હીરા બજારની મંદીને કારણે સુરતથી વિસ્થાપિત થયેલા નવા બેરોજગારોની સંખ્યા બહુ મોટી છે જેઓ હવે નવું કામ શોધી રહ્યા છે.

પહેલી વાત તો એ છે કે છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી. શહેરમા પહેલેથી જ જેઓ સાદગીથી રહે છે અને માત્ર ઘરના જ રોટલા ખાવા ટેવાયેલા છે તેઓ ટકી ગયા છે. આજના શહેરો સાવ બદલાઈ ગયા છે. કાં તો તમે ચિક્કાર ધનસંપત્તિમા આળોટતા હો તો શહેરમાં રહી શકો. અથવા સાવ સામાન્ય સ્થિતિમા રહેતા આવડતુ હોય તો શહેરમા રહેવુ પોસાય. કોઈ સરકારને દોષિત માને તો માને પણ હકીકતમા બજારની તેજી અને મંદી માટે પ્રજા પોતે જ જવાબદાર હોય છે. જે મોટે ઉપાડે પહેલા શહેરો તરફ બધા ધસી જતાં હતા એવું હવે નથી. આપણી પ્રજાએ શહેરોમા જ એટલું બધું ધ્યાન આપ્યું કે ગામડાંઓ ભૂતાવળ જેવા ખાલીખમ થઈ ગયા. 

શહેરોમાં ખર્ચ પોસાતા ન હોય એવા લોકો ગામડે પાછા ફરી રહ્યા છે. આનું એક કારણ એ છે કે આપણે વિચાર્યા વિનાના ખર્ચ કરવાની કુટેવનો ભોગ બન્યા છીએ. ગામના ચોકમા મોચી બુટ સિવી આપતા હતા જે બાટા કંપની કરતાય વધુ સારા હતા. આજેય એ બુટ કોઈ કોઈ ગામમા મળે છે. એની કિંમત બ્રાન્ડેડ કંપનીના બુટથી પાંચમા ભાગની હોય છે અને ક્યારેક તો એનાથીય ઓછી હોય છે. એ પડતા મૂકીને બ્રાન્ડેડના રવાડે ચડયા. કપડામા પણ એવુ થયુ. આપણે જે શર્ટ પહેરીએ છીએ એમાં પચીસ રૂપિયાનુ સૂતર વપરાય છે. એને કલર કરવામાં વીસ રૂપિયાનો ખર્ચ થાય. વળી એને નાના ગામમા સિવડાવો તો કદાચ સો રૂપિયા સિલાઈના થાય. એની સામે પાંચસો અને હજાર રૂપિયાના શર્ટની બોલબાલા છે. ગાંધીજીએ ગામડાંઓને સ્વનિર્ભર કરવા માટે રેંટિયો આપ્યો જેને આઝાદી પછી ભારતીય પ્રજાએ યાદ રાખ્યો નહિ. હા હજુ થોડી સંસ્થા ઓ કાર્યરત છે. પરંતુ એ નિષ્પ્રાણ કક્ષાએ છે.

ગાંધીજી જાણતા હતા કે મધ્યમ વર્ગ માટે સૌથી મોટા વાર્ષિક ખર્ચમાં કાપડ-કપડાંનો ખર્ચ મુખ્ય છે. આજે પણ અલગથી દરેક પરિવારના કપડા પાછળના કુલ ખર્ચનો સરવાળો કરવામા આવે તો ખ્યાલ આવે કે આંકડાઓ ક્યાં પહોંચે છે. પરંતુ કાપડમા ભારતને ગાંધીજીનુ સ્વાવલંબન માફક ન આવ્યું. આજે વિદેશી રેડીમેઈડ ગારમેન્ટ ઉત્પાદકો ભારતમાંથી ધૂમ કમાણી કરે છે. ગાંધીજીનુ અર્થશાસ્ત્ર આપણે અભરાઈ પર મૂકી દીધુ. ન્હાવા માટે પંડયે સાબુને બદલે પથ્થર ઘસવાની સલાહ આપનારા એ પોરબંદરના વાણિયાને સમજતા દુનિયાને પચાસ વરસ લાગ્યા હતા પણ ભારતને તો હજુ બીજા બસ્સો વરસ લાગશે. 

ગામડાંઓ મા કોઈ ધંધો રોજગાર નથી એમ કહેવામાં આવે છે પરંતુ હકીકતમા એવુ નથી. જેનામા આવડત છે એ તો ગામડે બેઠા પણ લાખો રૂપિયા કમાઈ શકે છે. ગામડે બેસી ખાલી ધાણાદાળ વેચીને લોકો કરોડોપતિ થયા હોવાના દ્રષ્ટાન્તો આપણી પાસે છે. ગામડે બેઠેલા લોકોના કરોડોનો માલ ભરેલા કન્ટેનરો દરિયામાં દેશાવરની ખેપ કરતા આપણે જોયા છે. સરકારી યોજનાઓનો લાભ લઈને વિવિધ પ્રોજેક્ટ પૂરા કરીનેય અનેક એનજીઓ આજે દેશભરમાં ગામડે બેસીને જ કરોડોનું ટર્નઓવર કરે છે. વલસાડ અને નવસારી તરફના સાવ નાના ગામના કેટલાક ખેડૂતો કૃષિપેદાશોની નિકાસ કરીને મહિને લાખો રૂપિયા કમાઈ લે છે. એમ ન કહેવાય કે ગામડે રહીને શું કરવું ?