Get The App

ખંડેર થવા તરફ પાક .

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
ખંડેર થવા તરફ પાક                                   . 1 - image


ભારતીય ઉપખંડમાં શાંતિ કદી ન જળવાય એ માટેનું એક અઘોષિત યુદ્ધ પાકિસ્તાન છેલ્લા ચાર દાયકાથી લડે છે. દગાબાજીથી હુમલો કરવાની વ્યવસ્થાને જ ખરેખર તો આતંકવાદ કહેવામાં આવે છે. આતંકવાદ હવે તો દુનિયાના અનેક દેશો પર લટકતી અનિશ્ચિતતાની તલવાર છે, જેનાથી આતંકવાદનું હિમાયતી ખુદ પાકિસ્તાન પણ મુક્ત નથી. પાકિસ્તાનને સહુ આતંકવાદી રાષ્ટ્ર તરીકે જ ઓળખે છે. એમાંય જ્યારથી ઈમરાન સત્તા પર આવ્યા હતા ત્યારથી વિવિધ આતંકવાદી સંગઠનો પુરબહારમાં ખીલ્યા હતા, જે હજુ પણ વર્તમાન વડાપ્રધાન શેહબાઝ શરીફના અંકુશમાં નથી. સાઉદી ક્રાઉન પ્રિન્સ એમબીએસના આગમનના એક દિવસ પહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાને અફઘાનિસ્તાનના તાલિબાનોને સત્તાવાર આમંત્રણ આપીને પાકિસ્તાન બોલાવ્યા હતા. આજે પણ સત્તાધારી તાલિબાનો સાથે ઈમરાનના ગુપ્ત સંબંધો જળવાઈ રહ્યા છે.

અત્યારે જે સમય પસાર થઇ રહ્યો છે તેમાં પાકિસ્તાનને રાજદ્વારી રીતે સમગ્ર દુનિયાથી અલગ કરવાના ભારત સરકારના પ્રયાસો ચાલુ જ રહ્યા છે, જે પાકિસ્તાન સાથેના સંભવિત યુદ્ધ પહેલાનું આંતરરાષ્ટ્રીય લોબિંગ છે અને એ અનિવાર્ય પણ છે. પરવેઝ મુશર્રફ, નવાઝ શરીફ અને ઈમરાને પાકિસ્તાનને ખંડેર બનાવવામાં જે કામ બાકી રાખ્યું તે હવે શેહબાઝ શરીફ પૂરું કરી રહ્યા છે. કારણ કે આ એક વિલાસી વડાપ્રધાન છે. તેમની દિનચર્યા ગુપ્ત હોય છે. વડાપ્રધાનના સત્તાવાર કાર્યાલયમાં તેઓ નિયમિત રીતે અનિયમિત છે. પ્રધાનો અને સચિવો ફાઈલો લઈને એમના નિવાસસ્થાને હરોળમાં બેઠેલા જોવા મળે છે. એમના પદનું લાંબુ આયુષ્ય નથી કારણ કે પાકિસ્તાન જેવા વિચલિત દેશમાં આંતરિક શત્રુઓ ઓછા નથી.

ઈરાને છેલ્લા બે-ચાર વરસથી ભારત સાથે સંબંધો વિકસાવ્યા હોવા છતાં અનેકવાર કાશ્મીર સંબંધિત મામલાઓમાં એણે ભારત સરકાર વિરુદ્ધ ઉચ્ચારણો કર્યા છે અને એ દૌર નિયમિત રાખેલો છે. પરંતુ પાકિસ્તાનના જૈશ-અલ-અદ્દલે કરેલા હુમલામાં ૨૭ ઈરાની સૈનિકો શહીદ થયા એટલે ઈતિહાસમાં પહેલીવાર ઈરાને કાશ્મીર અંગે ભારત સરકારની તરફેણના નિવેદનો ચાલુ કર્યા છે, એટલું જ નહિ, પાકિસ્તાન સામે વેર લેવાની ઉતાવળ જેટલી ભારતને છે, એટલી જ ઈરાનને પણ છે. અફઘાનિસ્તાન તો પોતાને ત્યાં ફેલાયેલા આતંકવાદના મુખ્ય ખલનાયક તરીકે પાકિસ્તાનને જ જુએ છે. તાલિબાનો ખુદ પોતાને આતંકવાદી નથી માનતા, તેઓ પાકિસ્તાનના આતંકવાદીઓને અનેકવાર સરહદ ઓળંગતી વખતે ઠાર કરી ચૂક્યા છે.

પાકિસ્તાન તેના પતનના એક નવા ઐતિહાસિક સન્ક્રાન્તિકાળે પહોંચ્યું છે જ્યાંથી તે વધુ પતન પામવા હવે ઉતાવળું થયું છે. આંતરરાષ્ટ્રીય પરિદ્રશ્યમાં વર્ષો સુધી અમેરિકાને જ પાકપ્રજા પોતાના ગોડફાધર માનતી હતી. હવે પાકિસ્તાનનું ગોત્ર પરિવર્તન થઇ ગયું છે અને તે ચીનના ખોળે રમવા લાગ્યું છે. આ બહુ લાંબી પ્રક્રિયા છે. આવનારા પાંચ-સાત વરસ પાકિસ્તાને અમેરિકા સાથે વિખૂટા પડતીવેળાના અનિવાર્ય સંઘર્ષમાં ઉતરવાનું થશે. એની શરૂઆત અમેરિકાના એ કબૂલાતનામાથી થઇ ગઇ છે જેમાં અમેરિકા અબજો ડોલર પાક તરફ વહાવીને છેતરાયું હોવાની વાત છે. ગઇ સદીના છઠ્ઠા દાયકામાં એટલે કે ઇ.સ.૧૯૫૦ પછી અમેરિકાએ પાકિસ્તાનમાં પોતાના હિતો જોવાની શરૂઆત કરી. એનું મુખ્ય કારણ અમેરિકાની રશિયા સાથેની દુશ્મનાવટ. અમેરિકાએ પાકિસ્તાનને આર્થિક અને લશ્કરી બાબતોમાં સહાય કરવાની શરૂઆત કરી.

આજે અમેરિકા પસ્તાવો કરે છે. બેચાર દિવસ પહેલા જો બાઈડને પાકિસ્તાન વિરુદ્ધ બેફામ વ્યાખ્યાન આપ્યું પણ એનો કોઈ મહિમા નથી. કારણ કે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં અમેરિકા હવે ઢમક ઢોલકી છે. બેય બાજુ બોલે. એનો વિશ્વાસ કોઈ કરતું નથી. યુક્રેન યુદ્ધ પછી અમેરિકાની વિશ્વસનીયતા ધ્વસ્ત થઈ ગઈ છે. તાઈવાન પર અત્યારે ચીન દ્વારા ઘેરાવો છે છતાં અમેરિકા ચૂપ છે. અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સરહદે એરેબિક લિપિમાં એવા બેનર દેખાયા છે કે એક અફઘાની સૈનિક, સો પાકિસ્તાનીને ભારે પડશે. પહેલા રશિયાના હાથે, પછી તાલિબાનો દ્વારા અને એના પછી અમેરિકન સૈન્યના હાથે વિચ્છિન્ન થયેલા અફઘાનિસ્તાનના સૈન્યમાં આગની જે જ્વાળાઓ હવે ભભૂકી રહી છે તે પણ મોકો મળતાવેંત  પાકિસ્તાનને  ભારે પડશે એમાં કોઇ શંકા નથી. 


Google NewsGoogle News