દ્વિપક્ષીય ઉપકારક કરાર .
ભારત અને બ્રિટને આખરે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી બંને દેશોની અર્થ વ્યવસ્થાઓને ફાયદો થશે. છેલ્લાં કેટલાક વર્ષોમાં જે રીતે સ્વહિતરક્ષણવાદ વધ્યો છે, તે જોતાં આવા વેપાર કરારોની ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે. ભારત અને બ્રિટન વચ્ચે જૂના વેપાર સંબંધો હોવા છતાં, ૨૦૨૩-૨૪માં ફક્ત ૨૧.૩૪ બિલિયન ડોલરનો જ વેપાર થયો હતો. અર્થતંત્રના કદને ધ્યાનમાં રાખીને આ આંકડો ખૂબ જ ઓછો છે. એવું માનવામાં આવે છે કે વેપાર કરાર વાર્ષિક વેપારને હવે ૩૪ બિલિયન ડોલર સુધી વધારી દેશે. બંને દેશો વર્ષ ૨૦૩૦ સુધીમાં તેને ૧૨૦ બિલિયન ડોલરની ઊંચાઈએ લઈ જવા ચાહે છે. આ કરાર અંગે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી અને તાજેતરમાં તેને વેગ મળ્યો છે. તેની પાછળનું એક કારણ અમેરિકાની ટેરિફ નીતિઓ છે.
ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિએ સમગ્ર વિશ્વમાં અનિશ્ચિતતા વધારી છે. આવી સ્થિતિમાં, આવા દ્વિપક્ષીય કરાર બંને દેશોને આ અનિશ્ચિતતા ઘટાડવા અને વેપાર વધારવામાં મદદ કરશે. આ કરાર ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી લગભગ ૯૯% નિકાસ એટલે કે અહીંથી બ્રિટન જતી વસ્તુઓ પર ટેરિફમાંથી રાહત મળશે. તેવી જ રીતે, બ્રિટનથી આવતી વસ્તુઓ ભારતમાં સસ્તી મળશે. આ કરારથી કાપડ, ચામડું અને ઇલેક્ટ્રોનિક્સની બજારને અને એના ગ્રાહકોને મોટો ફાયદો થશે. આનાથી ઉત્પાદનમાં વધારો થશે. હાલમાં, વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ફક્ત ૨.૮ ટકા છે, જ્યારે ચીનનો ૨૮.૮ ટકા છે. તેવી જ રીતે, દેશના ય્ઘઁમાં ઉત્પાદનનો ફાળો ૧૭ ટકા છે અને સરકાર તેને ૨૫ ટકા સુધી વધારવા ઈચ્છે છે.
આવા પારસ્પરિક કરારથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરીમાં સુધારો થશે. ભારત હાલમાં વેપાર કરાર માટે અમેરિકા સાથે પણ વાતચીત કરી રહ્યું છે. કૃષિ અને ડેરી ઉત્પાદનો પર ખેંચતાણ ચાલી રહી છે. અમેરિકા આ બંને ક્ષેત્રોમાં મુક્ત વેપાર ઇચ્છે છે, જ્યારે ભારત પોતાના લોકોનાં હિતોને ધ્યાનમાં રાખીને આમ કરી શકતું નથી. બ્રિટન સાથે મુક્ત વેપાર ભારતના કૃષિ ઉદ્યોગને પણ વેગ આપશે. સન ૨૦૧૪થી, ભારતે મોરેશિયસ, ેંછઈ, ઓસ્ટ્રેલિયા અને ઈખ્છ(યુરોપિયન ફ્રી ટ્રેડ યુનિયન) સાથે મુક્ત વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે. યુરોપ સાથે વાતચીત ચાલી રહી છે, જે શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થવી જોઈએ. આવા સોદા આર્થિક મોરચે પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થાય છે. દરમિયાન, જો ભારતનો અમેરિકા સાથે સારો વેપાર કરાર થાય છે, તો તે પણ વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા તરફ વધુ એક કદમ હશે.
વર્તમાન યુગમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા બહુસ્તરીય તણાવ અને દબાણના રાજકારણ વચ્ચે ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરારને એક મોટી રાજદ્વારી સફળતા તરીકે જોઈ શકાય છે. આ વખતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ મોરચે કેવા પ્રકારનો સંઘર્ષ સર્જાયો છે તે તો સર્વવિદિત છે. અમેરિકન દબાણને અવગણીને, ભારતે પોતાનો રસ્તો પસંદ કર્યો, હવે દેશનો માલ બ્રિટનમાં ડયુટી ફ્રી વેચવામાં આવશે. ભારત અને બ્રિટન વચ્ચેનો આ દ્વિપક્ષીય કરાર એવા સમયે થયો છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આર્થિક મુદ્દાઓ પર તેમની શરતો પર ઘણા અન્ય દેશોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, ભારતે હજુ સુધી અમેરિકા દ્વારા ઊભા કરાયેલા કોઈ પણ દબાણ સામે ઝૂકવાનું સ્વીકાર્યું નથી અને નવા વિકલ્પો બનાવવા અને જૂના વિકલ્પોને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.
આ ક્રમમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તેમના યુકે સમકક્ષ સાથે એક ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા, જેનાથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં લગભગ ચોત્રીસ અબજ ડોલરનો વધારો થવાની ધારણા છે. બીજી તરફ, યુરોપિયન યુનિયન છોડયા પછી બ્રિટનનો કોઈપણ દેશ સાથેનો આ સૌથી મોટો અને આર્થિક રીતે સૌથી મહત્ત્વપૂર્ણ વેપાર કરાર છે. ભારત અને બ્રિટન વચ્ચેના મુક્ત વેપાર કરારને આ નિષ્કર્ષ પર પહોંચવામાં લગભગ ત્રણ વર્ષ લાગ્યા. વાસ્તવમાં, જે રીતે વિશ્વ હાલમાં ડયુટીના મુદ્દા પર વેપાર યુદ્ધની આરે છે, તે કરારના દરેક મુદ્દાની કાનૂની ચકાસણી અને ઓટોમોબાઈલ ઉદ્યોગના સંદર્ભમાં ડયુટી મુક્તિ સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરવો જરૂરી હતો.
જો આ દ્વિપક્ષીય કરાર સફળ થાય છે, તો ભારતનાં વસ્ત્રો, જૂતાં, સીફૂડ, એન્જિનીયરિંગ માલ, રત્નો અને ઝવેરાતની નિકાસને યુકેના બજારમાં વધુ સારી રીતે પ્રવેશ મળી શકશે. આ સાથે, ભારતના કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા ઉત્પાદનો માટે પણ નવા રસ્તા ખુલશે અને આ રીતે દેશના યુવાનો અને ખેડૂતો માટે નવી શક્યતાઓના દરવાજા ખુલી શકે છે. તે જ સમયે, બ્રિટનનાં તબીબી ઉપકરણો અને સ્પેરપાર્ટ્સ જેવા ઉત્પાદનો હવે ભારતમાં પ્રમાણમાં ઓછા ભાવે ઉપલબ્ધ થશે.