એક જમાનામાં દિગ્વિજય સિંહ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન હતા. ત્યારે એમણે આપણા તત્કાલીન મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલને દરખાસ્ત કરી હતી કે તમારા લાંબા સાગર કિનારામાંથી ૨૦૦ કિલોમીટરનો કિનારો અમને સો વરસના ભાડાપટ્ટે આપો તો અમે ત્યાં મનોહર પ્રવાસન સ્થળો અને બંદરો વિકસાવીશુ. પરંતુ ચીમનભાઈએ ઈન્કાર કરી દીધો હતો. ગુજરાતના દરિયા કિનારા તરફ પ્રજાનું આકર્ષણ ઓછું છે. તરતા પણ બહુ ઓછા લોકોને આવડે છે. તરણવિદ્યા ખરેખર તો જિંદગી બચાવનારી કળા છે. આપણે ત્યાં દર વરસે ચોમાસામાં અને પછી અનેક યુવાનો અને કિશોરો નદીઓના પાણીમાં કે તળાવમાં ડૂબી જાય છે. ભારે વરસાદમાં પણ લોકો તણાઈને મોતને ભેટે છે. આ વરસે ડૂબીને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા મોટી નોંધાયેલી છે. આ કરૂણાન્તિકાઓ પર સ્વતંત્ર રીતે સરકારે વિચાર કરવાની જરૂર છે કારણ કે દર ચોમાસાનો એ ક્રમ છે.
આનું એક કારણ એ છે કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં ક્યાંય તરવાની તો વાત જ આવતી નથી. આપણા અનેક શહેરોમાં મ્યુનિસિપલ સ્નાનાગાર છે. ત્યાં પણ જે વાલીને ખુદને તરતા આવડતું હોય એ એમના સંતાનોને આગ્રહ કરીને, સમજાવીને ધરાર તરતા શીખવે છે. એકવાર આવડી જાય પછી તો સંસારમાં એના જેવી બીજી કોઈ મઝા નથી. મોટાભાગના વાલીઓ એ વાતથી હજુ અજ્ઞાાત છે કે તરવાની કળા હવે માત્ર શોખનો વિષય નથી. બદલાયેલા પર્યાવરણમાં આ એક લાઈફ સેવિંગ મેજિક છે. એ પોતાની જિંદગી તો બચાવે છે પણ ક્યારેક અન્ય ડૂબતાને પણ તારે છે. એક વાર પણ કોઈ તરવૈયાને કારણે જેની જિંદગી બચી ગઈ હોય એને જઈને પૂછો કે તરણકળા એટલે શું તો ખબર પડે. ડૂબવાના પ્રસંગ વિના તરવાના મહિમાનું ભાન ન થાય એ તો અજ્ઞાાન છે.
ભાવનગર રાજ્યના ચિફ એન્જિનિયર તરીકે કૃષ્ણકુમાર સિંહજીએ બ્રિટિશ રાજઘરાનાના મહાન ઈજનેર રિચાર્ડ સિમ્સની નિમણુક કરી હતી. મિસ્ટર સિમ્સ એક અલગારી એન્જિનિયર હતા અને દરિયા કિનારે રખડવાના ઘેલા હતા. આજનું પીપાવાવ બંદર હકીકતમાં રિચાર્ડ સિમ્સની શોધ છે. દરિયા સાથે ગુજરાતી પ્રજાનો સંબંધ ગાઢ હતો. વહાણે ચડેલો ગુજરાતી એક હજાર વરસ સુધી હેઠે ઉતર્યો ન હતો. ગુજરાતીઓએ સાત સમંદરની સફર કરી અને અનેક સાહસો પાર પાડયા. ગુજરાતીઓ બહુ સારા સુકાની હતા. કાઠિયાવાડના સાગરકાંઠે એને સોખાની કહેતા.
ગુણવંતરાય આચાર્ય અને નવનીત સેવકે અનેક નવલકથાઓ દ્વારા ગુજરાતીઓના સાગર સમ્રાટ જેવા કથાનકો આલેખ્યા છે. હવે ન તો સાગર કથાઓમાં પ્રજાને રસ છે ને ન તો સાગરમાં રસ છે. પણ એ રસ લેવા જેવો છે. જેણે વારંવાર દરિયાદેવનો સાક્ષાત્કાર કર્યા નથી એને જિંદગીની આખિલાઈની શી ખબર પડે? એટલે જ કેટલાક દિવસો કુદરતે સમુદ્ર અને ચન્દ્રને સંયુકત રીતે દર્શનીય બનાવ્યા છે. અને એમાંનો મુખ્ય પ્રસંગ પૂર્ણિમા છે. પૂનમની રાતે દૂર આકાશમાં રહેલા ચન્દ્ર અને દરિયાની અભિશાપિત દોસ્તી જામે છે. કદી એકબીજાને ન મળી શકે એવા બે રાજાઓ જાણે કે આભધરાના સામસામા ઝરૂખે એકબીજાને જોતા હોય અને અખંડ ભાઈબંધીમાં ઝૂરતા હોય. વળી દર પૂનમે આ જ વેદના.
એને કારણે ચન્દ્ર જાણે કે સમુદ્ર તરફ ઝૂકે છે અને દરિયો આસમાને ઉછળે છે. રાતભર જેણે જિંદગીમાં એકવાર પણ દરિયો નજરોનજર ઘૂંટડે ઘૂંટડે પીધો હોય એને પછી કોઈ અડધી અધૂરી તરસ રહેતી નથી. આંગળીઓના ટેરવે રમતા ઉપકરણોમાંથી નવરાશ લેવા જેવી છે. કેટલાક લોકો તો પોતાના શહેરમાં જ બે-ત્રણ વરસમાં છત્રીસ હજાર કિલોમીટર બાઈક કે કાર ચલાવે છે. એટલું હરેફરે છે. પૃથ્વીની પ્રદક્ષિણા પણ લગભગ છત્રીસ હજાર કિલોમીટરની જ થાય છે. કુદરતના ખોળે રમતા રહેવું એને એક ઔષધિ માનીનેય એનું રસપાન ચાલુ રાખવા જેવું છે.
અને દરિયો તો દાતાર કહેવાય છે. દરિયો જે અને જેટલું આપે એટલું આપવાની તાકાત કોની હોય? એને રત્નાકર કહ્યો છે તે માત્ર હીરામોતી માટે નહિ. જિંદગીમાં એક નાનકડી સમજણ હજાર ઘાતમાંથી જાતકને ઉગારે છે. એક પ્રકારનું ડહાપણ લાઈફ પલટાવે છે. આપણે ડહાપણના દરિયાથી ટેવાયેલા છીએ... એના બદલે દરિયાના ડહાપણને આત્મસાત્ કરવું જોઈએ. કેટલી બધી નદીઓના જળને દરિયો પી જાય છે. અને આપણે તો કોઈએ ઉતાવળે ઉચ્ચારેલા બે વેણ પણ ગળે ઉતારી શકતા નથી. એટલે જ પૂર્વસૂરિઓએ આપણને શબ્દ આપ્યો છે - દરિયાદિલી. બીજું કંઈ ન હોય તોય એકલી દરિયાદિલીથી પણ બધા જ મોરચે આ જિંદગી જીતી શકાય છે. ઈતિહાસમાં એના અનેક દ્રષ્ટાન્તો છે.


