For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતીય હોકીનો સંઘર્ષ .

Updated: Jan 26th, 2023


ભારતીય હોકીનો સંઘર્ષ

ઘરઆંગણે સળંગ બીજીવાર અને કુલ મળીને ચોથીવાર યોજાઈ રહેલા પુુરુષ હોકીના વિશ્વકપમાં ભારત ફરી એકવાર ચેમ્પિયન બનવાનું તો દૂર, અંતિમ આઠમાં પણ પ્રવેશી શક્યું નથી. છેલ્લે ૧૯૭૫માં એટલે કે આશરે પાંચ દાયકા પૂર્વે મેળવેલો વિશ્વવિજય આજે પણ ત્યાર બાદની પેઢીઓની નિષ્ફળતાાને દર્શાવતા ભારતીય હોકીમાં સર્વોચ્ચ સ્થાન પર ઉભેલો જોવા મળી રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં એક તબક્કે ૩-૧ની વિજયી સરસાઈ ગુમાવનારી ભારતીય ટીમને પેનલ્ટી શૂૂટઆઉટ બાદ સડન ડેથની પહેલી અને ઓવરઓલ છઠ્ઠી પેનલ્ટીમાં ગોલકિપર શ્રીજેશની ઈજાથી ફટકો પડયો હતો. જોકે ટીમની હારનું કારણ શ્રીજેશની ઈજા નહીં, પણ ટોચના ખેલાડીઓ કેપ્ટન હરમનપ્રીત તેમજ શમશેેર સિંહ જેવા ખેલાડીઓની ગોલ ફટકારવાની નિષ્ફળતા હતી, કારણ કે આ બંને ધુરંધરો પાસે ભારતને જીતાડવાની સુવર્ણ તકો હતી, જેને તેઓ ઝડપી શક્યા નહતા. આખરેે છેક નવમી પેનલ્ટી અને સડન ડેેથના ચોથા પ્રયાસના અંતે ભારત ૪-૫થી હારતાં વિશ્વકપ જીતવાનુ સ્વપ્ન એ માત્ર સ્વપ્ન બનીને જ રહી ગયું.

ભારતીય પુરુષ હોકી ટીમની આ હાર એ કટોકટીની પળોના તનાવનો સામનો કરવામાં અને ખરા સમયે ઘા મારવામાં ખેલાડીઓની નિષ્ફળતાના વધુ એક પ્રતીક સમાન રહી. તનાવની વચ્ચે માનસિક સ્થિરતા જાળવવી અને સમયસૂચકતા દર્શાવવી એ સફળતાની પહેલી શરત છે અને આ જ બાબતમાં ભારતીય હોકી ઊંણી ઉતરતી જોવા મળી છે. ભારતીય હોકી ટીમનો આરંભ શૂરા જેવો હોય છે, પણ જૂજ અંત તેના જેવા જોવા મળે છે. અંતિમ પળોમાં ગોલ સરસાઈ બચાવવી ના શકવાની ઉણપ દાયકાઓ જૂની છે, છતાં ભારતીય હોકીના સંચાલકો, કોચીસ કે પણ ભાવિના ઘડવૈયા તેનું કોઈ નિરાકરણ લાવી શક્યા નથી એ કમનસીબી છે.

ખંડહર બતા રહા હૈ કી ઈમારત કિતની બુલંદ થી આ વાક્યનું રટણ ભારતીય હોકી જેે ઘણા વર્ષોથી કરતી આવી છે, તે હવે બંધ કરવાની જરુર છે. આટલું જ નહીં, નાની-નાની સફળતાને માઈક્રોસ્કોપથી જોવાને બદલે તેના માટે દૂૂરબીનનો ઉપયોગ કરવાની તેમજ વિશ્વકપ કે ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને આગળની રાહ નક્કી કરવાની જરુર છે. નિષ્ફળતા બદલ ખેલાડીઓની કે ફેડરેશનની ટીકા કરવાને બદલે આર્ટિફિશિઅલ ટર્ફ કેે વિદેશીઓએ ઘડેલા નિયમોને જવાબદાર ઠેરવનારા કહેવાતા વિવેચકોથી બચવાની જરુર પણ છે, જેઓ ભારતીય હોકી અને ચાહકોને વાસ્તવિકતાથી દૂર કરીને દરેક બાબતમાં અન્યો પર દોષનો ટોપલો ઢોળવાની પોતાની માનસિકતા સમાજ પર થોપી દેતા હોય છે.

ભારતીય હોકીની પડતી માટે માત્ર ખેલાડીઓ કે હોકી ઈન્ડિયા તરીકેે ઓળખાતો ભારતીય હોકી સંઘ પણ છે. ઘરઆંગણે હોકીનો વિશ્વકપ ચાલી રહ્યો હોય, ત્યારે મીડિયા અને સોશિયલ મીડિયામાં ક્રિકેટની દ્વિપક્ષિય શ્રેણીની કે કે.એલ.રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નના લેખો-તસવીરો છવાયેલા હોય ત્યારે હોકી કેવી રીતે ઊંચી આવી જ શકે. આઈપીએલ તો શું રણજી ટ્રોફીના ખેલાડીઓને એકાદ-બે મેચ થકી દેશભરમાં જેટલી ઓળખ મળે છે, તેની અડધી ઓળખ પણ મીડિયા-સોશિયલ મીડિયાના યુગમાં ભારતીય હોકી ખેલાડીઓને મળતી નથી. વિદેશી ક્રિકેટરોના નામ કડકડાટ બોલી જતાં ચાહકોને હાલની ટીમના બે-ચાર ખેલાડીઓના નામ પણ યાદ હોય તો તે મોટી સિદ્ધિ લેખાય.

ભારત એ હોકીની જનેતા તરીકે ઓળખ ધરાવે છે. તેમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાયો છે. હવે ભારતે પરિવર્તનની સાથે કદમ મિલાવતા આગળ વધવાની જરુર છે. ભૂતકાળની ભવ્યતાને યાદ કરવાની સાથે સલામ કરવાની સાથે વર્તમાન અને ભવિષ્યને એ શીખવવાનું છે કે, દાદાઓ તો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવતા ત્યારેે લાવતા, હવે તમે ક્યારે લાવો છો? જો હોકીને ફરી બેઠી કરવી હોય તો હોકી અને હોકી ખેલાડીઓને સન્માન આપવું પડશે. આધુુનિક કોચિંગ પદ્ધતિ અપનાવીને વૈજ્ઞાાનિક ઢબે ખેલાડીઓને તૈયાર કરવા પડશે. આ ઉપરાંત શાળા સ્તરે હોકીને ઉત્તેજન આપવાની સાથે નવી પેઢીમાં પણ હોકીની-ખેલાડીઓની ચર્ચા જગાવવી પડશે, તો જ ભારતીય હોકી તેના ગુમાવેલા વિશ્વગુરુ પદને પ્રાપ્ત કરી શકશે. નહીંતર આવનારી પેઢીઓ પણ ૧૯૭૫ના વિશ્વકપ વિજયનો ગર્વ કરતી રહેશે અને વર્તમાન પર નિસાસો નાખતી રહેશે.


Gujarat