Get The App

કાશ્મીરમાં સુખનો સૂરજ .

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
કાશ્મીરમાં સુખનો સૂરજ                                  . 1 - image


આ વખતે જ્યારે જમ્મુ-કાશ્મીરના લોકોએ લોકસભાની ચૂંટણી દરમિયાન ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લીધો હતો, આમ તો ત્યારે જ એવા સંકેતો મળ્યા કે રાજ્યમાં રાજકારણનું ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. હવે, વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચોવીસ બેઠકો માટે જે રીતે ૬૧.૧૩ ટકા મતદાન નોંધાયું છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે જમ્મુ-કાશ્મીરના લોકોનો દેશની લોકશાહીમાં હવે વિશ્વાસ વધુ મજબૂત થઈ રહ્યો છે. વધુ તાકાત મેળવવા માટે તેઓ ઉત્સાહપૂર્વક લોકશાહી પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં આતંકવાદી પ્રવૃતિઓ વચ્ચે જે પ્રકારની અપ્રિય ઘટનાઓ સતત બની રહી છે તેના કારણે ચૂંટણીમાં સામાન્ય લોકોની ભાગીદારી પર અસર પડશે કે કેમ અને મતદાનની ટકાવારી ઓછી રહી શકે છે કે કેમ તે અંગે શંકા સેવાઈ રહી હતી. પરંતુ આ ડરને નકારી કાઢીને રાજ્યના લોકોએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું કે તેઓ હવે લોકશાહી અને ત્યાંની રાજકીય પ્રક્રિયાને મજબૂત કરવા માટે ગંભીર છે.

રોજેરોજ આતંકવાદી હુમલાઓ દ્વારા, આતંકવાદી સંગઠનો રાજ્યમાં અસ્થિરતા અને હિંસા વચ્ચે લોકોને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેવાનો મેસેજ આપવાનો પ્રયાસ કરતા રહે છે. ભૂતકાળમાં, ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઘણી ઓછી રહેતી હતી ત્યારે પણ આવા પ્રયાસોને થોડી સફળતા મળતી હતી. પરંતુ હાલમાં રાજ્યમાં લોકશાહીને મજબૂત કરવા કેન્દ્ર સરકાર દ્વારા જે પણ રાજકીય પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે અહીંના લોકોનો હકારાત્મક પ્રતિસાદ આશા જગાવે છે. કાશ્મીર કેન્દ્રની સુરક્ષા સહિતની વિવિધ સહાયથી અપંગ જેવું રાજ્ય બની ગયું હતું. હવે એ પોતાના પગ પર ઊભા થવાની મથામણ કરે છે. એમાં પણ સમય લાગશે. હજુ પણ કેટલાક ભાગમાં અસંતોષની લાગણી છે. હકીકતમાં, રાજ્યમાં કલમ ૩૭૦ હટાવ્યા પછી, એવી આશંકા હતી કે ચૂંટણીમાં મતદાન સમયે ત્યાંના લોકોનું વલણ સકારાત્મક નહીં હોય. એ વાત સાચી છે કે રાજ્યમાં વસતીના કેટલાક વર્ગોમાં આ મુદ્દે હજુ પણ જુદા જુદા મંતવ્યો અને અસંતોષ છે.

લોકો અપેક્ષા કરતા વધુ સંખ્યામાં મતદાન મથકો પર આવ્યા અને તેઓએ શાંતિપૂર્ણ મતદાન પણ કર્યું. એક સમય એવો હતો જ્યારે ચૂંટણીની જાહેરાત બાદ આતંકવાદી સંગઠનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાની વિવિધ પ્રકારની ધમકીઓ આપવામાં આવતી હતી. આ વખતે પણ એક તરફ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી હતી તો બીજી તરફ સરહદ પર આતંકવાદી સંગઠનો દ્વારા ઘૂસણખોરીના સતત પ્રયાસો થઈ રહ્યા હતા, કેટલીક જગ્યાએ ટાર્ગેટડ હુમલા કરીને હત્યાઓ પણ થઈ રહી હતી. અન્ય સમયે, સુરક્ષા દળોના કેમ્પ પર હુમલા કરવામાં આવી રહ્યા હતા. આમ કરીને પાકિસ્તાન કાશ્મીરની સામાન્ય જનતાને શું મેસેજ આપવાનો પ્રયાસ કરે છે? તેમ છતાં જમ્મુ-કાશ્મીરના લોકોએ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક મતદાન કરીને આવી આતંકવાદી હિંસાનો જવાબ આપ્યો. આ દ્રષ્ટિકોણથી, લોકસભા અને પછી વિધાનસભાની ચૂંટણી માટેના મતદાનમાં લાંબી કતારો એ બતાવવા માટે પૂરતી હતી કે લોકો હવે લાંબા ગાળાના અશાંત વાતાવરણ અને આતંકવાદી પ્રવૃત્તિઓમાંથી મુક્તિ મેળવવા ચાહે છે. ત્યાં લોકશાહી પુનઃસ્થાપના દ્વારા જ શક્ય છે. ચૂંટણીમાં મતદાનમાં વધતી ભાગીદારી એ ત્યાંના લોકોમાં ભારતીય લોકશાહીમાં વધી રહેલા વિશ્વાસની સૂચક છે.

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોની વ્યૂહરચના લગભગ બહાર આવી ગઈ છે. આ વખતે ભાજપે નવી વ્યૂહરચના તૈયાર કરી છે. પાર્ટીએ સંપૂર્ણપણે જમ્મુ ક્ષેત્ર પર અને અપક્ષો અને સ્થાનિક પક્ષોને પરોક્ષ સમર્થનની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કાશ્મીર ખીણની ૪૭ બેઠકોમાંથી ભાજપે ૨૮ બેઠકો ખાલી રાખી છે. હવે જમ્મુ ક્ષેત્રની તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા બાદ અને પહેલા રાઉન્ડના મતદાન પછી સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. અહીં ભાજપની મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધન સાથે છે. આ પ્રદેશની ૪૩ બેઠકો પર ભાજપ ગત વખત કરતા વધુ બેઠકો જીતી રહી છે. જો કે, ટીકીટની વહેંચણીને લઈને જે પ્રકારનો ગજગ્રાહ થયો છે તે ભાજપની નેતાગીરી માટે પણ ચિંતાનો વિષય છે.


Google NewsGoogle News