Get The App

પાકની કોને પડી છે ? .

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
પાકની કોને પડી છે ?                                      . 1 - image

ભારતીય ઉપખંડમાં શાંતિ કદી ન જળવાય એ માટેનું એક અઘોષિત યુદ્ધ પાકિસ્તાન છેલ્લા ચાર દાયકાથી લડે છે. દગાબાજીથી હુમલો કરવાની વ્યવસ્થાને જ ખરેખર તો આતંકવાદ કહેવામાં આવે છે. આતંકવાદ હવે તો દુનિયાના અનેક દેશો પર લટકતી અનિશ્ચિતતાની તલવાર છે, જેનાથી આતંકવાદનું હિમાયતી ખુદ પાકિસ્તાન પણ મુક્ત નથી. પાકિસ્તાનને સહુ આતંકવાદી રાષ્ટ્ર તરીકે જ ઓળખે છે. એમાંય જ્યારથી પૂર્વ વડા ઈમરાન સત્તા પર આવ્યા હતા ત્યારથી વિવિધ આતંકવાદી સંગઠનો પુરબહારમાં ખીલ્યા હતા, જે હજુ પણ વર્તમાન વડાપ્રધાન શેહબાઝ શરીફના અંકુશમાં નથી. સાઉદી ક્રાઉન પ્રિન્સ એમબીએસના આગમનના એક દિવસ પહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાને અફઘાનિસ્તાનના તાલિબાનોને સત્તાવાર આમંત્રણ આપીને પાકિસ્તાન બોલાવ્યા હતા. આજે પણ સત્તાધારી તાલિબાનો સાથે ઈમરાનના ગુપ્ત સંબંધો જળવાઈ રહ્યા છે. જે શેહબાઝ માટે માથાનો દુઃખાવો છે. આમ પણ પાકિસ્તાનમાં રાષ્ટ્રદ્રોહી શોધવા પડે એમ નથી, રેશનકાર્ડ દીઠ મળી આવે એમ છે.

અત્યારે જે સમય પસાર થઇ રહ્યો છે તેમાં પાકિસ્તાનને રાજદ્વારી રીતે સમગ્ર દુનિયાથી અલગ કરવાના ભારત સરકારના પ્રયાસો ચાલુ જ રહ્યા છે, જે પાકિસ્તાન સાથેના સંભવિત યુદ્ધ પહેલાનું આંતરરાષ્ટ્રીય લોબિંગ છે અને એ અનિવાર્ય પણ છે. પરવેઝ મુશર્ફફ, નવાઝ શરીફ અને ઈમરાને પાકિસ્તાનને ખંડેર બનાવવામાં જે કામ બાકી રાખ્યું તે હવે શેહબાઝ શરીફ પૂરું કરી રહ્યા છે. કારણ કે આ એક વિલાસી વડાપ્રધાન છે. તેમની દિનચર્યા ગુપ્ત હોય છે. વડાપ્રધાનના સત્તાવાર કાર્યાલયમાં તેઓ નિયમિત રીતે અનિયમિત છે. પ્રધાનો અને સચિવો ફાઈલો લઈને એમના નિવાસસ્થાને હરોળમાં બેઠેલા જોવા મળે છે. એમના પદનું લાંબુ આયુષ્ય નથી કારણ કે પાકિસ્તાન જેવા વિચલિત દેશમાં આંતરિક શત્રુઓ ઓછા નથી.

ઈરાને છેલ્લા બે-ચાર વરસથી ભારત સાથે સંબંધો વિકસાવ્યા હોવા છતાં ને અમેરિકાથી માર્ક રૂબિયોએ ભારત મુલાકાત દ્વારા ઓઈલ સપ્લાયમાં ટેકો કરવાની જાહેરાત કરી હોવા છતાં અમેરિકા અને ઈરાન બન્ને દેશોએ અનેકવાર કાશ્મીર સંબંધિત મામલાઓમાં એણે ભારત સરકાર વિરુદ્ધ ઉચ્ચારણો કર્યા છે અને એ દૌર નિયમિત રાખેલો છે. પરંતુ પાકિસ્તાનના જૈશ-અલ-અદ્દલે કરેલા હુમલામાં ૨૭ ઈરાની સૈનિકો શહીદ થયા એટલે ઈતિહાસમાં પહેલીવાર ઈરાને કાશ્મીર અંગે ભારત સરકારની તરફેણના નિવેદનો ચાલુ કર્યા છે, એટલું જ નહિ, પાકિસ્તાન સામે વેર લેવાની ઉતાવળ જેટલી ભારતને છે, એટલી જ ઈરાનને પણ છે. મધ્યસ્થીના નાટકોમાં પણ ઈરાને પાકને સદાય ઉચ્ચભૂ્રથી જ જોયું છે. અફઘાનિસ્તાન તો પોતાને ત્યાં ફેલાયેલા આતંકવાદના મુખ્ય ખલનાયક તરીકે પાકિસ્તાનને જ જુએ છે. તાલિબાનો ખુદ પોતાને આતંકવાદી નથી માનતા, તેઓ પાકિસ્તાનના આતંકવાદીઓને અનેકવાર સરહદ ઓળંગતી વખતે ઠાર કરી ચૂક્યા છે. ત્યાં પણ હપ્તાવાર કે 'ધારાવાહિક' યુદ્ધ ચાલુ જ છે.

પાકિસ્તાન તેના પતનના એક નવા ઐતિહાસિક સન્ક્રાન્તિકાળે પહોંચ્યું છે જ્યાંથી તે વધુ પતન પામવા હવે ઉતાવળું થયું છે. આંતરરાષ્ટ્રીય પરિદ્રશ્યમાં વર્ષો સુધી અમેરિકાને જ પાકપ્રજા પોતાના ગોડફાધર માનતી હતી. હવે પાકિસ્તાનનું ગોત્ર પરિવર્તન થઇ ગયું છે અને તે ચીનના ખોળે રમવા લાગ્યું છે. આ બહુ લાંબી પ્રક્રિયા છે. આવનારા પાંચ-સાત વરસ પાકિસ્તાને અમેરિકા સાથે વિખૂટા પડતીવેળાના અનિવાર્ય સંઘર્ષમાં ઉતરવાનું થશે. છતાં પોતાના સ્વાર્થ કાજે અને એશિયામાં પગ રાખવા માટે અમેરિકા કોઈ કોઈ ટુકડા આ ભૂખમરા નજીક પહોંચેલા દેશ તરફ ફેંકે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયમાં અમેરિકા હવે ઢમક ઢોલકી છે. બેય બાજુ બોલે. એનો વિશ્વાસ કોઈ કરતું નથી. યુક્રેન યુદ્ધ પછી અમેરિકાની વિશ્વસનીયતા ધ્વસ્ત થઈ ગઈ છે. અખાતી યુદ્ધમાં પણ સતત ફરતું બોલવા ને બોલીને ફરી જવા ટ્રમ્પ પંકાયેલા છે. 

અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સરહદે એરેબિક લિપિમાં એવા બેનર દેખાયા છે કે એક અફઘાની સૈનિક, સો પાકિસ્તાનીને ભારે પડશે. પહેલા રશિયાના હાથે, પછી તાલિબાનો દ્વારા અને એના પછી અમેરિકન સૈન્યના હાથે વિચ્છિન્ન થયેલા અફઘાનિસ્તાનના સૈન્યમાં આગની જે જ્વાળાઓ હવે ભભૂકી રહી છે તે પણ મોકો મળતાવેંત  પાકિસ્તાનને  ભારે પડશે એમાં કોઇ શંકા નથી. ભારત સહિત પાકિસ્તાનના ત્રણ પડોશી દેશો પોતપોતાની રીતે અને પાકિ.ના આતંકવાદી હુમલાઓથી એટલા તંગ થઇ ગયા છે કે હવે પાકિસ્તાન એક મહાવિનાશને એવે આરે આવી પહોંચ્યું છે જેમાંથી એને કોઇ બચાવી શકે એમ નથી. જેમ વ્યક્તિગત કર્મના ફળ હોય છે તેમ રાષ્ટ્રગત કર્મના ફળ પણ હોય છે જે પાકિસ્તાન અને એની  પ્રજાએ હવે ભોગવવાના છે.