આપણા કૃષિક્ષેત્રને એક મહાન હવામાનશાસ્ત્રીની જરૂર છે. કિસાનોમાંથી જ કોઈએ હવામાનની શિક્ષા-દીક્ષા લેવી પડશે. અથવા તો હવામાન શિક્ષણ માટે કોઈ અલગ એનજીઓની સ્થાપના કરવી પડશે. આ બહુ જ રસપ્રદ વિષય છે જેના વિના ખેડૂતોની આવનારી પેઢીઓને નહિ ચાલે. ઈન્ડિયન મટીરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ જે આઈએમડી તરીકે ઓળખાય છે એની મુખ્ય વેધશાળા પૂનામાં આવેલી છે. પરંતુ એનું વડું મથક નવી દિલ્હી ખાતે છે. ભારતની હવામાનશાસ્ત્ર અંગેની ૧૮૭૫માં સ્થાપવામાં આવેલી આ સંસ્થા છે. જો કે આ સંસ્થાને પણ ભ્રષ્ટાચારનો લૂણો લાગ્યો હતો, પરંતુ અપરાધીઓને દંડ કર્યા પછી હવે એની આગાહીઓ પદ્ધતિસરની હોય છે. બિયારણ કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા ઘરભેગા કરીને આ સરકારી સંસ્થાના હવામાન શાસ્ત્રીઓએ એવી ગપ્પાબાજી ચલાવી હતી કે મહારાષ્ટ્રના ખેડૂતોએ ત્રણ ત્રણ વાર બિયારણ ખરીદીને વારંવાર વાવણી કરવી પડી હતી. કોઈને કલ્પના પણ ન આવે કે દેશની સર્વોચ્ચ હવામાન સંસ્થામાં આ પ્રકારે કૌભાંડ થઈ શકે.
ઇન્ડિયન મટીરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાતી તે વિશ્વની આ ક્ષેત્રની જૂની સંસ્થાઓમાંની એક ગણાય છે. શરૂઆતમાં હવામાન અંગેનું કાર્ય કરતી વેધશાળાઓને પોતાના આધિપત્ય નીચે લઈને તેમના કાર્યનું આ સંસ્થાએ કેન્દ્રીકરણ કર્યું હતું. હવામાન, ભૂકંપશાસ્ત્ર તથા વાતાવરણશાસ્ત્ર સાથે સંલગ્ન વિષયો અંગેની બધી બાબતોમાં તે પ્રમુખ સરકારી સંસ્થા ગણાય છે. હવામાન અંગેનાં અવલોકનો મેળવવા માટે સમગ્ર દેશને પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ આવરી લેતાં ૫૬૧ જમીન પરનાં, ૨૧૭ કૃષિ-હવામાન અંગેનાં, ૬૩ પાયલોટ બલૂનનાં (૨૦ કિમી. સુધી પવનોની સ્થિતિ જાણવા માટેનાં), ૩૫ રેડિયો વિન્ડ(દબાણ તાપમાન, આર્દ્રતા અને પવનો અંગેની સ્થિતિ ૨૦-૩૦ કિમી. ઊંચાઈ સુધી જાણવા માટે), ૪૫ રેડિયેશનનાં અને ૭ ઓઝોન માટેનાં મથકોનું તથા ૬૩ ભૂકંપની નોંધણી માટેની વેધશાળાઓનું સુગ્રથિત ઝૂમખું (નેટવર્ક) રચવામાં આવ્યું છે.
જ્યારે હવામાન ખાતાની કોઈક આગાહી સાચી ન પડે ત્યારે લોકો એની મજાક ઉડાવતા હોય છે, પરંતુ હકીકત એ છે કે બહુ જ વ્યાપક છાનબીન કરનારા અનેક ટેકનોલોજિકલ સાધનો અને વિદ્વત્તાપૂર્ણ પુરુષાર્થ પછી આગાહી જાહેર કરવામાં આવતી હોય છે. એકાએક પવનો દિશા બદલે ત્યારે આગાહી સાચી ન પણ પડે કારણ કે પ્રકૃતિથી ઉપર તો આ સંસ્થાઓ નથી. આઈએમડીના સંખ્યાબંધ એ બધાં મથકો ઉપરથી દિવસમાં ઓછામાં ઓછી બે વખત માહિતી દિલ્હી વડામથકને મળ્યા કરતી હોય છે. વળી ઇન્સેટ ઉપગ્રહ મારફત વાદળો અંગેની અને માહિતી એકત્ર કરવા ગોઠવાયેલ પ્લૅટફૉર્મઉપરથી દર કલાકે સીધી માહિતી મળે છે. વર્લ્ડ મીટિયરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશનના વર્લ્ડ વેધર વૉચ કાર્યક્રમના ગ્લોબલ ટેલિ-કૉમ્યુનિકેશન નેટવર્કના મુખ્ય ટ્રંક પરિપથ ઉપર રીજિયોનલ ટેલિકૉમ્યુનિકેશન હબ (આરટીએચ) પણ આઇએમડી દિલ્હી સાથે જોડાયેલ છે, જેથી દુનિયાભરમાંથી હવામાન અંગેની માહિતી ઝડપથી અહીં એકત્રિત કરી શકાય છે.
છેલ્લા કેટલાક સમયથી આપણા દેશમાં રાષ્ટ્રપ્રેમની વ્યાખ્યા રાજનેતાઓ નક્કી કરતા થઈ ગયા છે. હકીકતમાં દેશના વિદ્યાક્ષેત્રનું એ કામ છે. દરેક વ્યક્તિ પોતપોતાના ક્ષેત્રમાં પૂર્ણ નિષ્ઠાથી કામ કરે એ રાષ્ટ્રભક્તિ જ છે. આપણે ત્યાં સ્વાતંત્ર્યદિન અને પ્રજાસત્તાક દિને રાષ્ટ્રભક્તિનો પ્રલય થાય છે પરંતુ એ દિવસો પછી રાષ્ટ્રપ્રેમ વીસરી જવાય છે. હવામાન જેવા ક્ષેત્રમાં પ્રતિભાઓ ક્યાંથી લાવવી? ભારતમાં સ્કાયમેટ એક ખાનગી હવામાન કંપની છે અને હજુ બીજી એવી કંપનીઓ મેદાનમાં આવવાની છે પરંતુ આ ક્ષેત્રમાં પ્રતિભાઓનો દુષ્કાળ તો રહેશે કારણ કે આપણી શૈક્ષણિક પ્રણાલિકાઓમાં ચાનક ચડે ને જિંદગી જે તે વિદ્યાને સમર્પિત થઈ જાય એવી જિંદગી વિદ્યાર્થીઓને મળતી નથી. ઈવી એટલે કે ઈલેક્ટ્રિક વ્હીકલ એક નવી દુનિયા છે જે ઝડપથી આપણી આસપાસમાં આકાર લઈ રહી છે. દેશ વિદેશની અનેક ઓટોમોબાઈલ કંપનીઓ આજકાલ ભારતભરની એન્જિનિયરિંગ સંસ્થાઓમાં ભટકી રહી છે.
સાવ નવી ટેકનોલોજી હોવાને કારણે એમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અને ઈલેક્ટ્રિક એન્જિનિયરિંગનું નવું સંગમ તીર્થ રચાયું છે. ઓટો કંપનીઓ કેમ્પસ પ્લેસમેન્ટ માટે પ્રવાસો કરીને ટેલન્ટને શોધે છે. પસંદગી પછી કંપની પોતે વિશેષ તાલીમ આપવાની હોય છે. પરંતુ આ કંપનીઓને એ કામ અત્યારે નેવાના પાણી મોભે ચડાવવા જેવું કપરું લાગે છે.


