Get The App

નવી લોકસભાનો સત્રારંભ .

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
નવી લોકસભાનો સત્રારંભ                                . 1 - image


અઢારમી લોકસભાનું પ્રથમ સત્ર ગઈકાલથી શરૂ થઈ રહ્યું છે અને ભારતીય સંસદના કામકાજમાં રહેલી ખામીઓને દૂર કરવાની આ શ્રે તક છે. નવી લોકસભાને અગાઉની બે લોકસભા કરતાં અલગ ગણવામાં આવી રહી છે, કારણ કે તે પ્રસંગોએ ભારતીય જનતા પાર્ટી પાસે સંપૂર્ણ બહુમતી હતી. વિપક્ષ આ વખતે જોરાવર છે ઉપરાંત ભાજપને સાથી પક્ષોનું પરાવલંબન પણ છે. કટોકટીકાળની પચાસમી વરસીના ઉલ્લેખ સાથે વડાપ્રધાન મોદીએ અઢારમી લોકસભાને સંબોધીને કહ્યું કે પચાસ વરસ પહેલાં બંધારણ ફેંકી દેવાયું હતું. આ વખતે પણ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પાસે બહુમતી છે, પરંતુ તેને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના સહયોગીઓનો ટેકો લેવો પડયો છે. તેમને તેમના કાયદાકીય કાર્યસૂચિને આગળ વધારવા માટે તેમની મદદની પણ જરૂર પડશે.

આ સિવાય વિપક્ષ પાસે પણ આ વખતે સારી એવી સીટો છે. જો વિપક્ષ આગામી ચાર રાજ્યોની ચૂંટણી પૂર્વે ગઠબંધન જાળવવામાં સફળ થાય છે, તો તે સરકારની નીતિઓ અંગે મહત્ત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવવાની સ્થિતિમાં હશે. દેખીતી રીતે સંસદીય લોકશાહી માટે આ વધુ સારું રહેશે. ૧૦ વર્ષ બાદ વિપક્ષના ઔપચારિક નેતા પણ ગૃહમાં હાજર રહેશે. પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ દ્વારા સંકલિત ડેટા અનુસાર, ૧૭મી લોકસભાએ તેના નિર્ધારિત સમયના ૮૮ ટકા કામ કર્યું. જોકે, ગૃહની બેઠકના દિવસોની સરેરાશ વાષક સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દર વર્ષે સરેરાશ ૫૫ દિવસ લોકસભાની કાર્યવાહી ચાલતી હતી, જ્યારે ૧૬મી લોકસભામાં આ સરેરાશ ૬૬ દિવસ હતી. તેની સરખામણીમાં પહેલી લોકસભામાં આ સમયગાળો ૧૩૫ દિવસનો હતો. જોકે રોગચાળાએ આ વાષક સરેરાશ દિવસોમાં ઘટાડો કર્યો  છે, પરંતુ ૧૫માંથી ૧૧ સત્રો વહેલા સમાપ્ત કરવા પડયાં. કામકાજના દિવસોની આ અછતને કારણે ગૃહની કામગીરી પર ઊંડી અસર પડી છે.

પાછલી લોકસભામાં લગભગ ૩૫ ટકા બિલો એક કલાકથી ઓછા સમયમાં પસાર થઈ ગયાં હતાં. નોંધનીય બાબત એ છે કે ૧૭મી લોકસભા દરમિયાન બંને ગૃહોના સભ્યોને સસ્પેન્ડ કરવાની ૨૦૬ ઘટનાઓ બની હતી. ૨૦૨૩ના શિયાળુ સત્રમાં ગેરવર્તણૂકના કારણે ૧૪૬ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તાજેતરના પ્રદર્શનને જોતાં, ૧૮મી લોકસભામાં વર્તમાન વલણ બદલાશે તેવી અપેક્ષા રાખવી વ્યાજબી છે. જ્યારે ગૃહની સુચારૂ કામગીરીની જવાબદારી શાસક પક્ષની છે, ત્યારે વિપક્ષ પણ સકારાત્મક ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. એકંદરે, શાસક પક્ષે પણ ઓછામાં ઓછા બે મોરચે સુધારો કરવાની જરૂર છે. પ્રથમ, લોકસભા અથવા બંને ગૃહોમાં એક વર્ષમાં કામકાજના દિવસોની સંખ્યા વધારવી પડશે. આનાથી સભ્યોને સંબંધિત મુદ્દાઓ ઉઠાવવાની અને સરકારનું ધ્યાન આકષત કરવાની તક મળશે.

બીજું, ખરડાઓ યોગ્ય ચર્ચા કર્યા વિના પસાર ન કરવા જોઈએ. સંસદીય પ્રણાલીમાં, સરકાર પાસે હંમેશા બહુમતી હોય છે, પરંતુ તેનો અર્થ એવો ન હોવો જોઈએ કે બિલો ચર્ચા વિના પસાર થઈ જાય. સરકારે વિપક્ષને દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની તક આપવી જોઈએ. આ સિવાય ૧૭મી લોકસભામાં ૨૦ ટકાથી ઓછાં બિલ સમિતિઓને મોકલવામાં આવ્યા હતા, જ્યારે ૧૫મી લોકસભામાં ૭૧ ટકા બિલ સમિતિઓને મોકલવામાં આવ્યા હતા. સંસદીય સમિતિઓ ખરડાઓનું મૂલ્યાંકન કરવા માટેની સંપૂર્ણ પદ્ધતિ છે, જે સંબંધિત તમામ પક્ષો વચ્ચેના મતભેદોને ઉકેલવા માટે કામ કરે છે. આ સિસ્ટમનો વધુ અસરકારક ઉપયોગ થવો જોઈએ. આનાથી સરકારને વ્યાપક ચર્ચા કરવાની તક મળશે. ખાસ કરીને સંવેદનશીલ મુદ્દાઓ પર. કોઈ વિચારની રાજકીય સ્વીકૃતિ માટે ચર્ચા અને સર્વસંમતિ નિર્માણ જરૂરી છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવી જોઈએ કે નવા લોકસભા અધ્યક્ષ, સરકાર અને વિપક્ષ મળીને ગૃહમાં વિક્ષેપ અને સ્થગિતતાને ઘટાડવાનો પ્રયાસ કરશે.

લોકસભામાં શું ચાલે છે તેનાથી હવે ભારતીય પ્રજા અજ્ઞાાત નથી, કારણ કે તેનું જીવંત પ્રસારણ લોક નજરે ચડે છે. એ વાત જુદી છે કે કેટલીક બાબતોને રેકર્ડ પરથી હટાવવામાં આવે છે. તો પણ પોતાના લોક પ્રતિનિધિઓ ગૃહોમાં કઈ રીતે વર્તન કરે છે એનાથી પ્રજા હવે સારી રીતે પરિચિત છે.કેટલાંક સત્ર એવાં પણ હોય છે કે જેમાંના મોટાભાગના દિવસોએ શાસક પક્ષ અને વિરોધ પક્ષના સંખ્યાબંધ સાંસદો ગેરહાજર હોય છે. પક્ષની હાજર રહેવાની કડક સૂચના ન હોય તો સ્વૈરવિહાર કરનારા સાંસદોનો આપણે ત્યાં તોટો નથી. આ વખતે વિપક્ષનું વજન વધ્યું છે અને પાછલી બંને સરકારોમાં ભાજપનું જે વજન હતું તે ઘટયું છે. એને કારણે લોકશાહીનાં ધારાધોરણોનું અધિકતમ પાલન થવાની સંભાવના છે.


Google NewsGoogle News