Get The App

અબુ બકરનું ભૂત .

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
અબુ બકરનું ભૂત                                  . 1 - image


અમેરિકા અને રશિયાએ સ્વતંત્ર રીતે પોતે જેને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો વારાફરતે દાવો કરેલો છે તે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા (ટૂંકમાં આઇએસ)નો વડો અબુ બકર અલ બગદાદી એકાએક જ દુનિયામાં ઠેર ઠેર તબાહી મચાવનારા આતંકવાદીઓને શાબાશી આપતો ફરી દેખાયો છે, એથી મહાસત્તાઓમાં નવેસરથી સનસનાટી મચી ગઈ છે. અંદાજે પાંચ વરસ પછી ઇસ્લામિક સ્ટેટ દ્વારા પ્રસારિત કરાયેલા વીડિયોમાં આ અબુ બકરે દુનિયાના તમામ નિર્દોષ મુસ્લિમોને સંકટમાં મૂકવા માટેનાં જ વિધાનો તરતા મૂક્યા હોય એમ લાગે છે. અબુ બકર હજુ જીવતો છે એમ અરધું જગત માને છે.

જોકે મુસ્લિમોના બહુસંખ્ય સમાજે આઇએસનો શરૂઆતથી જ ઘોર વિરોધ કરેલો છે. બહુસંખ્ય એટલે ચપટીક આતંકવાદીઓ સિવાય તમામ મુસ્લિમ પંથ અને પેટા પંથ. શરૂઆતમાં અલ કાયદાએ આઇએસને ટેકો આપ્યો હતો પરંતુ અબુ બકરની તમામ મુસ્લિમોને બદનામ અને બરબાદ કરવાની પોલિસી જોઈને અલ કાયદાએ એની સાથે છેડો ફાડી નાખ્યો. એક સમયે અબુ બકરનો શ્રીલંકાના વિસ્ફોટો વિશે પોતાના પર જવાબદારી લેતો વીડિયો વાયરલ થયો કે તુરત જ અમેરિકન મીડિયાના પ્રથમ પ્રત્યાઘાત એ રહ્યા કે આ તો અબુ બકરના જૂના વીડિયોમાં એડિટિંગ કરીને શ્રીલંકાની વિગતો ઉમેરવામાં આવી છે. હૂબહૂ અબુ જેવો જ અવાજ શોધીને આ કરતબ થયેલા છે.

પરંતુ પછીથી એ વીડિયો અસલ હોવાની વાત સ્વીકારાવા લાગી હતી. પ્રથમ તો અબુ બકરના નવા ભાષણે એના મોતનો દાવો કરનારા રશિયા અને અમેરિકાનું નાક કાપ્યું છે. અબુએ એ વાત સ્વીકારી કે સિરિયાનો જંગ પૂરો થઈ ગયો છે. તો પણ આજે સિરિયા અને બગદાદના બહુ નાના વિસ્તારો પર એનો કબજો છે. વાર્ષિક બે અબજ ડોલરનું બજેટ ધરાવતા દુનિયાના સૌથી અમીર આતંકવાદી સંગઠન આઇએસના વડાનું સ્વાસ્થ્ય ખરાબ છે અને તે મરવાને વાંકે જીવે છે એ પ્રચાર પણ ખૂલ્લો પડી ગયો છે, કારણ કે અબુ બકર વીડિયોમાં તંદુરસ્ત દેખાય છે. આઇએસની હયાતી પુરવાર કરવા માટે વિવિધ દેશ અને સ્થળની પસંદગી એ અબુ બકરની જ પ્રકાણ્ડ ભૌગોલિક બુદ્ધિમત્તા છે, એમાં કોઈ શંકા નથી. ઓસામા બિન લાદેન હયાત હતો ત્યારે દુનિયાના કોઈ પણ ભૂગોળવેત્તા કરતા અધિક જ્ઞાાની હતો. અબુ બકર પણ પહેલેથી જ ભૂગોળનો નિષ્ણાત જ છે એમ નથી, બલ્કે એણે આઇએસનું સર્જન જ પોતાની ભૌગોલિક વિચારધારામાંથી કરેલું છે.

શ્રીલંકામાં વસતા મુસ્લિમો એ ટાપુ પર શાંત સામાજિક જીવન પસાર કરતા હતા, એ શાંત જળને અબુ બકરે એવા ડહોળ્યા હતા કે છાને પગલે શ્રીલંકન સરકાર ખુદ હવે ત્યાં વસતા મુસ્લિમોની દુશ્મન બની ગઈ હતી. શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધ તો એ સરકારના આક્રમક પગલાની માત્ર શરૂઆત હતી. આજે તો શ્રીલંકા કંગાળ છે એટલે આઇએસનો નવો પડાવ ઈન્ડોનેશિયા અને નેપાળ છે. ભારતની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ)એ વિશેષ ટુકડીઓ બનાવીને કેરળ અને તમિલનાડુમાં આઇએસના જાતે બની બેઠેલા ફોલ્ડરોને શોધવા નવી ઝુંબેશ શરૂ કરી છે. શ્રીલંકામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોમાં યુરોપ અને અમેરિકાના પ્રવાસીઓ પણ હતા એનો ઉલ્લેખ કરીને અબુ બકરે પશ્ચિમી દેશો તરફની પોતાની ખિન્નતા અને વેર એવા ને એવા જ છે એની દુનિયાને ખાતરી કરાવી છે. સમગ્ર વિશ્વને મુસ્લિમોની વિરુદ્ધ ઉશ્કેરવા માટે જે કંઈ ઝેર ઠાલવી શકાય એ બધું જ અબુ બકરે પોતાના અભિમાની ભાષણમાં સમાવી લીધું છે.

એનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે આઇએસ નામક આ આતંકી સંગઠન તમામ પંથના મુસ્લિમો માટે ખતરનાક દુશ્મનની ભૂમિકા અદા કરી રહ્યું છે. અબુ બકરે સ્પષ્ટ કહ્યું છે કે સિરિયા પરની અમેરિકાની એરસ્ટ્રાઇકનો બદલો લેવા અમે હુમલો કરીએ છીએ. સિરિયન પરાજયનું વેર લેવા માટેનું અમારું આક્રમણ ચાલુ રહેવાનું છે. આ વીડિયોની અગાઉ ઇ.સ. ૨૦૧૪માં જાહેર થયેલા વીડિયોમાં અબુ બકરે ઈરાકી શહેર મોસુલમાં પોતાને ખલીફા ઘોષિત કરતો બતાવવામાં આવ્યો હતો પરંતુ ત્યાર પછી આઇએસના એક પછી એક ગઢ ધ્વસ્ત થતા ગયા અને છેવટે એ ભૂગર્ભમાં ચાલ્યો ગયો અથવા મૃત્યુ પામ્યો હોવાની વાત વહેતી થઈ હતી. આ વખતના નવા વીડિયો દ્વારા એનો એક હેતુ પોતાના સમર્થકોને એ મેસેજ આપવાનો પણ છે કે સહુ માને છે એમ આઇએસ હજુ પૂરેપૂરું વિનાશ પામ્યું નથી. કદાચ જુના વીડિયો પણ હોય છતાં અબુ બકરે જે અભિમાની છટાથી વાત કરી છે એ બતાવે છે કે દુનિયાએ હજુ પણ આઇએસના નવા હુમલાઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. 

Tags :