દેશમાં ઈસુના નવા વર્ષનો ટૂંકમાં પ્રારંભ થઈ રહ્યો છે. આજે દુનિયા યુદ્ધગ્રસ્ત અને આતંકિત વાતાવરણ વચ્ચે નાતાલ ઉજવી રહી છે. અર્થતંત્રના અનેક રંગ આ નવા વરસે પ્રજાએ જોવાના છે. ભારત અત્યારે સમય અને સંયોગોના એક એવા ત્રિભેટે આવીને ઊભેલા દેશ છે કે જેની સામે રાષ્ટ્રીય જીવનના અનેક ક્ષેત્રોમાં અનેક પડકારો ઊભા છે. એ જ રીતે મિસ્ટર મોદીએ આંતરરાષ્ટ્રીય લોબિંઈંગ માટે પ્રયાસો કર્યા હોવા છતાં છેક ઈન્દિરા ગાંધીના જમાનાથી ચાલી આવતી રશિયન મૈત્રી પરંપરા સિવાય ભારતીય વડાપ્રધાનની પડખે કોઈ ઈતર મહાસત્તા નથી એવું દેખાય છે. ભારતના રાજકીય અને એય કોંગ્રેસના પૂર્વજોએ વાવેલા આંબાના મીઠા ફળ અત્યારે સંકટ કાળે ભારતને ચાખવા મળે છે એ સિવાય તો બધે બાવળિયાનાં જંગલો ઉગેલાં છે. ગમે તેવું નેતૃત્વ હોય તો પણ આજના પડકારોને પહોંચી વળવાનું કામ આસાન નથી. મંદીના માહોલમાં આફ્રિકન દેશો સહિતના અનેક દરિદ્ર રાષ્ટ્રો સહાય માટે ભારત તરફ મીટ માંડીને બેઠા છે. ઘરના છોકરાઓએ ઘંટી ચાટવી ન પડે એ માટે સરકાર પારકાને આટો આપવામાં સ્વાભાવિક વિલંબ કરી રહી છે.
પહેલી જાન્યુઆરીથી શરૂ થતાં ઈસુના નૂતન વર્ષમાં પ્રજાની સરકાર પાસેથી ઘણી બધી અપેક્ષા છે. મતદાર યાદીના શુદ્ધિકરણમાં સૂકા ભેગું લીલું બળી જાય છે ને એની ફરિયાદો અનેક રાજ્યોમાં ઉઠી છે. મમતા બેનરજી અને કોંગ્રેસ દેશહિત ક્યારે સાથે રાખે છે ને ક્યારે બાંગ્લા પ્રજાહિત સાથે રાખે છે એ સમજવું મુશ્કેલ છે. રિઝર્વ બેન્કના ગવર્નરે હવે શરૂ થઈ રહેલા નવા વર્ષ માટે ૧૦.૫ ટકાનો વિકાસ અંદાજ મૂક્યો છે. જોકે પહેલી નજરે મુશ્કેલ લાગે છે, પરંતુ ઈ. સ. ૨૦૨૪-૨૦૨૫ના બેકલોગને સરભર કરવા માટે ઉદ્યોગો અને સેવાઓ જે રીતે કામે લાગેલા દેખાય છે, એ જોતાં એ સાવ અસંભવ નથી. તેમણે અગાઉ પણ કહ્યું જ હતું કે ભારતીય અર્થતંત્રની ગાડી હવે પાટે ચડી ગઈ છે અને સુધારાવાદી અભિગમ દ્વારા અર્થતંત્રમાં ચડતી કળાનો ચંદ્ર દેખાય છે. નવા વર્ષના પ્રથમ ત્રિમાસિકનાં પરિણામો જ્યારે જાહેર થશે ત્યારે એટલે કે એપ્રિલના આરંભે આપણને પ્રગતિનો પ્રારંભિક અણસાર મળશે.
દરરોજ નેટ પર આંગળીના ટેરવે આમતેમ ચક્કર મારીને ગ્રાહકો સસ્તી ઓફર શોધીને ઓર્ડર આપી દેતા હોય છે. ભારતમાં ઈ-કોમર્સ કંપનીઓ મુખ્યત્વે શરૂઆતમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયના બિઝનેસમાં બહુ આગળ નીકળી ગઈ. ફેશનની પણ એક વિરાટ આકાશગંગા આ કંપનીઓએ રજૂ કરી. લોકોએ હોંશે હોંશે એમાં ઝંપલાવ્યું પણ ખરું. ને એમ ઓનલાઈન શોપિંગ કંપનીઓ નફાકારક અને સમૃદ્ધ થવા લાગી. થોડાક કડવા-મીઠા અનુભવો વચ્ચે પણ લોકો ઓનલાઈન શોપિંગ તરફ વળવા લાગ્યા. ઓફલાઈન રિટેઈલ વેપારીઓના ઊહાપોહ વચ્ચે પણ એની આગેકૂચ ચાલુ રહી. પરંતુ પછીથી એમાં વળતાં પાણી થયાં. કોર્પોરેટ જાયન્ટ કંપનીઓએ પણ છેલ્લા બે વરસમાં સંખ્યાબંધ કર્મચારીઓની છટણી કરીને એમની કારકિર્દીની ચટણી વાટી છે, તો સ્વાભાવિક છે કે ઘટતા જતા બિઝનેસને કારણે ઇ-કોમર્સ કંપનીઓએ પણ સ્ટાફમાં કાપ મૂકવાનો આવ્યો છે.
મંદીનું હવામાન જોઈને ઇન્ફોસિસે એના ટોચના આઇટી એન્જિનીયરોમાં ત્રણ હજારનો ઘટાડો કર્યો હતો. પછી તો એ ઘટાડાનો ક્રમ દેશની અનેક આઈટી કંપનીઓમાં ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે જે આજ સુધી ચાલુ છે. જોકે ઈન્ફોસિસના સ્ટાફ-કાપમાં કેટલાક આંતરરાષ્ટ્રીય કારણોએ સ્થિતિ વધુ વિકટ કરી. રોયલ બેન્ક ઑફ સ્કોટલેન્ડે એવો નિર્ણય કર્યો કે તે હવે યુ.કે.માં ક્યાંય પોતાની નવી શાખા નહીં ખોલે. એનાથી ઇન્ફોસિસને ફટકો લાગતા ભારતીય એન્જિનિયરોની હાલત કફોડી થઈ, કારણ કે એ બેન્કોના ઇન્ફોસિસ સાથે સેવાકરાર થયેલા હતા. ચીન અને અમેરિકાના વ્યાપાર યુદ્ધને કારણે અને ભારત ચીન વચ્ચેની વેરવૃત્તિ પુન: સજીવન થવાથી અન્ય અનેક અમેરિકી - ચીની કંપનીઓમાં ભારતીય પ્રોફેશનલ્સ સરપ્લસ થતાં તેઓની વિદાય નિશ્ચિત થઈ છે. ટેરિફ વોરે એમાં ઘી હોમવાનું કામ કર્યું છે.
કેટલીક કંપનીઓએ તો સ્ટાફને અલ્ટીમેટમ આપ્યું તો કોઈક કંપનીએ કોમ્પ્યુટર ડ્રો કરીને જ છટણી કાર્યક્રમ જાહેર કર્યો જેથી પક્ષપાતની આશંકા ન રહે! જે કોમ્પ્યુટર એ લોકોનું ભાગ્ય વિધાતા બન્યું એ જ કોમ્પ્યુટર હવે એમની વિદાયનું નિમિત્ત બની ગયું એ વિધિની કેવી વિચિત્રતા ! દેશમાં રહીસહી આઇટી કંપનીઓ પાસે અત્યારે પ્રોજેક્ટ આધારિત કામ છે જે માટે તેઓ બહુ ટૂંકા ગાળા માટે સ્ટાફ રાખે છે અને સંબંધિત પ્રોજેક્ટ પૂરા થતાં તેમને વિદાય આપે છે. આવી પ્રાસંગિક અને અનિયત કહેવાય તેવી રોજગારી-કમ-બેરોજગારીના ચક્રવ્યૂહમાં દેશના નવી પેઢીના એન્જિનીયરો ફસાઈ ગયા છે.


