નક્સલવાદ ભારતનો ઘરઆંગણાનો એક પ્રકારનો આતંકવાદ છે. મહારાષ્ટ્રમાં સરકારે નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા એના પ્રત્યાઘાતમાં છત્તીસગઢમાં પોલીસ જવાનોએ શહીદ થવું પડયું. ગઢચિરોલી અને દાંતેવાડાની ઘટનાઓ બહુ નજીકની છે એટલે પ્રત્યાઘાતી મૂલ્યાંકન થાય છે પણ એ સિવાય પણ નક્સલવાદ હવે આગળ વધવા લાગ્યો છે. નક્સલવાદની ખરી વ્યાખ્યા વકરી ગયેલો સામ્યવાદ છે. જંગલમાં જે આદિવાસીઓ અને વનવાસીઓ વસે છે તેમની નવી પેઢીને તાલીમ આપીને સરકાર સામે શસ્ત્ર ઉગામવા પ્રેરવામાં આવે છે. નક્સલવાદના માસ્ટર માઈન્ડ આપણા દેશની બહાર છુપાયેલા છે.
સરકારે નક્સલવાદને આતંક આચરનારા અપરાધીઓની કક્ષાએ આરોપી માન્યા નથી એના આ બધા પરિણામો છે. દેશના છ-સાત રાજ્યોના જંગલોમાં નક્સલવાદીઓ છુપાયેલા છે. રાજ્ય કે કેન્દ્ર સરકાર આ જંગલોમાં પાકા રસ્તાઓ ન બનાવી શકે એ માટેના હુમલાઓ છેલ્લા બે દાયકાથી થતા આવ્યા છે. અગાઉ દાંતેવાડામાં થયેલો હુમલો પણ બાંધકામ સામગ્રીનું વહન કરનારા ટ્રકને રક્ષણ આપનારા પોલીસવાન પર કરવામાં આવ્યો. ગૃહપ્રધાન વ્યક્તિગત વ્યાકુળ રહે છે. તેમનો સતત ઘટતો જતો મહિમા તેમને નિષ્ફળતા તરફ ધકેલી રહ્યો છે. સત્તાકાળના છેલ્લા દસ-બાર વરસમાં ભારતીય આંતરિક સુરક્ષામાં તેઓ કોઈ કમાલ બતાવી શક્યા નથી. અગાઉ રાજનાથ સિંહ પણ નક્સલીઓ સામે બહુ સફળ નીવડયા ન હતા. દેશ માટે ઈ.સ. ૨૦૨૫ પછી શિરદર્દ બની રહેનારો આ નક્સલવાદ હવે માઓવાદ તરીકે પ્રસરી રહ્યો છે.
જો ભારતને પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો જમ્મુ અને કાશ્મીરના આતંકવાદીઓ પાક તરફી કામ કરે એ જ રીતે જો ભારત-ચીન યુદ્ધ થાય તો માઓવાદીઓ ચીન માટે જ કામ કરે. દરેક માઓવાદીની પ્રોફાઈલ ચીનના જાસૂસો પાસે અપડેટ થતી રહે છે. દેશના તમામ નક્સલવાદીઓના ઓળખ કોડ હોય છે. પશ્ચિમ બંગાળમાં બધી રીતે ભાંગી ગયેલા વામ મોરચાના કોઈ કોઈ નેતાઓ દેશના અન્ય માઓવાદી લડાયક નેતાઓના સંપર્કમાં હોય છે. ભારત સરકાર સતત એવો પ્રચાર કરે છે કે માઓવાદીઓને હરાવવામાં ગ્રામવાસીઓની મદદ મળે છે, પરંતુ હકીકત આનાથી વિપરીત છે. તમામ ગ્રામવાસીઓ આ માઓવાદીઓને બહુ વફાદાર હોય છે. સરકારમાં બધા કામ કરતા ન હોય એવું કદી ન બને. સત્તાધારી પક્ષોના વિવાદાસ્પદ વલણને ગણકાર્યા વિના પણ સરકારી વ્યવસ્થાતંત્રમાં ઉચ્ચતમ નિષ્ઠાથી કામ કરનારા અધિકારીઓ છે.
જે રાજ્યોમાં નક્સલવાદ અને માઓવાદનો ફેલાવો થયો છે ત્યાંની સ્થાનિક બોલીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ લઈને શક્તિશાળી નવી પેઢીને પોલીસ અને સૈન્યમાં ભરતી કરી સમાવી લેવાની પ્રક્રિયા પણ વરિષ્ઠ અધિકારીઓએ શરૂ કરી છે અને તેના ખૂબ સારા પરિણામો આવવાની સંભાવના છે. છેલ્લા એક દાયકામાં માત્ર ગઢચિરોલીમાં ૭૦૦થી વધુ માઓવાદીઓ માર્યા ગયા છે અને ૨૦૦ જેટલા અપરાધીઓએ આત્મસમર્પણ કર્યા છે. હમણાં મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એક સાથે ૩૦-૩૫ જેટલા માઓવાદીઓને મરાઠા પોલીસે વીંધી નાંખ્યા એ હકીકતમાં લડાઈ ન હતી પરંતુ માોવાદીઓની છાવણીમાંથી એક શખ્સ છટકીને બાતમીદાર તરીકે પોલીસ અધિકારીના આશ્રયે આવી ગયો હતો.
આ બાતમીદારે રાત્રિના પ્રારંભે જ ચોંકાવનારી માહિતી આપી હતી કે ગઢચિરોલી જિલ્લામાં વહેતી નાની નદીઓની વચ્ચે રચાયેલા એક નિર્જન ટાપુ જેવા ભૂભાગ પર માઓવાદીઓની એક ઉચ્ચસ્તરીય ગુપ્ત સભા છે. એ માહિતી મળતાવેંત પોલીસનો સશસ્ત્ર કાફલો પહોંચી ગયો હતો અને એ સભાને ચોતરફથી ઘેરી એકાએક ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. એ હતો જીવ સટોસટનો જંગ કારણ કે ત્યાં સુધી પહોંચવામાં સહેજ પણ અવાજ થાય તો પ્રતિપક્ષની જાનહાનિ, સ્વપક્ષની શહીદીમાં રૂપાંતરિત થઈ જવાનું જોખમ હતું. મહારાષ્ટ્ર પોલીસે વિશેષ તાલીમ આપીને એન્ટી માઓ સ્ક્વોડ જેવી વિવિધ પોલીસ ટુકડીઓ તૈયાર કરેલી છે.
ભારત સરકાર સતત એવો પ્રચાર કરે છે કે દેશમાં નક્સલવાદીઓ હવે હારેલી લડાઈ જ લડી રહ્યા છે અને તેમનો અંતકાળ નજીક છે. પરંતુ વાસ્તવિકતા જુદી જ તરફ વળાંક લઈ રહી છે. જંગલ પોતે જ એના જાણકાર માટે શ્રેષ્ઠ સુરક્ષા કવચ હોય છે અને તેમાંય સ્થાનિક લોકોના સહકારે સામાન્ય આંદોલનકારીઓને ભીષણ યોદ્ધા બનાવી મૂક્યા છે. આ લડત બહુ આસાનીથી પૂરી થાય એમ નથી. ભારતીય લશ્કરી વડાઓએ અગાઉ પણ સરકારને આ લડત સૈન્યને સોંપી દેવાની દરખાસ્ત કરેલી છે, પરંતુ યુપીએ કે એનડીએ દ્વારા એવી કોઈ વાત મંજુર થઈ નથી.


