Get The App

મંદીના વધુ કડાકા .

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
મંદીના વધુ કડાકા                                       . 1 - image

અખાતી યુદ્ધના પડછાયા બહુ લાંબા છે એનો દુનિયાના અનેક દેશોને તબક્કાવાર અનુભવ થવા લાગ્યો છે. ઓટોમોબાઈલ ઉદ્યોગમાં નવેસરથી મંદીના કડાકા બોલી ગયા છે. દેશના કેટલાક જાણીતા વાહન ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનમાં ૩૩ ટકાથી વધુ કાપ મૂક્યો છે. એને કારણે ઓટો ઉદ્યોગ સંબંધિત અન્ય અનેક લઘુ ઉદ્યોગો પર ગંભીર અસર થઇ છે. બજાર જો સુધરશે નહિ તો કેટલાક લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને તાળાં લાગવાની સંભાવના છે, કારણ કે ઓટોમોબાઇલ ઉદ્યોગોએ સપ્તાહમાં એક રજા વધારી દીધી છે. આ જ પરિસ્થિતિ દેશના અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ઓછાવત્તા અંશે તો ઘણા લાંબા સમયથી છે. જોકે વડાપ્રધાન પહેલેથી જ તો સપનાઓના વેપારી છે. લોકોએ સરકાર તરફથી જો કે હજુ આશા ગુમાવી નથી. નાણાં મંત્રાલયે છેલ્લા બજેટમાં કરેલા કેટલાક કુઠારાઘાત પર ફેરવિચારણા કરવાની ખાતરી આપી છે, પરંતુ હજુ સુધી એ દિશામાં કોઈ પગલા લેવાયા નથી.

એક જમાનો હતો કે મોટરકાર આપણા સમાજનો ઉચ્ચ દરજ્જાનો વૈભવ હતો. આજે એવું નથી. ગમે તેવી આયાતી મહામૂલી કાર લઈને તમે પસાર થતા હો તો એ કાર તરફ જોવાનો લોકો પાસે સમય નથી. ગુજરાતીઓમાં તો મોટરકારોના ઠાઠમાઠ બહુ સામાન્ય થઈ ગયા છે. ઓટો ઉદ્યોગમાં આવેલી મંદીનું એક કારણ એ પણ છે કે જેમની જરૃરિયાત હતી તેમણે મોટરકારો પ્રાપ્ત કરી લીધી છે. જેમને શોખ હતો તેમણે પણ નાની-મોટી કાર વસાવી લીધી છે. હવે જેમને મોટર કાર લેવાની બાકી છે એમને આ મંદીના માહોલમાં ખરીદી કરવાની જરા પણ ઉતાવળ નથી. અત્યારે મોટાભાગની કંપનીઓએ પોતાના વાહનો બહુ ઊંચા ડિસ્કાઉન્ટથી વેચવાની શરૃઆત કરી છે, પરંતુ એનાથી બહુ વધારે નીચે જઇ શકે એવી ક્ષમતા ઓટો ઉદ્યોગમાં નથી. શહેરોમાં સદાય જામ રહેતા રસ્તાઓમાં ચાર પૈડાંને બદલે બે પૈડાંને વધુ અનુકૂળ માનનારો વર્ગ પણ હવે મોટો છે. 

શેરબજારની મંદીનું મુખ્ય કારણ તો વિદેશી રોકાણકારોનું છાને પગલે સ્વદેશગમન છે. તેઓ ભારતીય બજારમાંથી પોતાનો હાથ પાછો લઈ લેવા ચાહે છે અને એ પ્રક્રિયા સતત ચાલુ જ છે. વચગાળામાં બજાર થોડો ચમકારો બતાવે, પરંતુ સરવાળે તો મંદીના પ્રવાહો પ્રવેશી ગયા છે. જોકે શેરબજારના જે ખેલાડીઓ છે, એમને માટે તો મંદી અને તેજી બંને કમાવાની વસ્તુ છે. પરંતુ સામાન્ય રોકાણકાર તો શેર ખરીદીને બેસી રહેનારા હોય છે. તેમને ચડ-ઉતરનો બેય બાજુનો નફો લેતા આવડતો ન હોય. આપણા શેરબજારમાં મધ્યમ અને લાંબા ગાળાના રોકાણકારો બહુસંખ્ય છે. એની સામે બજારમાં દલાલોની બે નંબરની રીંગ બનાવીને તેજી-મંદીની સર્કિટ ચલાવતા જુગારીઓની દુનિયા અલગ છે. તેઓ કોના ઇશારે બજાર ચડાવે છે અને પછાડે છે એ રોકાણકારો હજુ સમજી શક્યા નથી, પરંતુ જાણકારો જાણી ગયા છે. જેમના પર શેરબજારમાં કામ કરવા અંગે સેબીએ પ્રતિબંધ મુકેલા છે તેવા લોકો પણ આજકાલ તેમના રાજકીય ગોડફાધરના ટેકાથી બજારમાં મોટો સટ્ટો ખેલી રહ્યા છે. એટલે ઘણું નુકસાન પાછલા દિવસોમાં રોકાણકારોએ સહન કર્યા પછી હજુ પણ ભારતીય શેરબજારમાં રોકાણકારોના નાણાનું ધોવણ થવાની શક્યતા છે.

આ વખતે ચોમાસું સરેરાશ મધ્યમ કે હળવું રહેવાનું છે. આ ચોમાસાને કારણે ફસલ સારી જ થાય એવું નથી. કારણ કે શરદઋતુના પવનો ઉપર ઘણો આધાર છે, પરંતુ વરસાદ સારો હોય તો આગામી રવિ પાક જામી જશે, પરંતુ આ વખતે સુપર અલ નિનોની ભીતિ લટકે છે. મંદીના વાતાવરણમાં વરસાદ પ્રજાને ટકી રહેવાની તાકાત આપે છે. શરદ ઋતુના વાયરાઓ જો સાનુકૂળ રહે અને ફસલ સારી આવે તો દિવાળી પછી મંદીનું ચક્ર અટકે અને ફરી તેજીને પ્રોત્સાહન મળે. જોકે તે માટે અનેક પરિબળો જવાબદાર છે, એટલે ભારતીય અર્થતંત્ર ફરી સંપૂર્ણ તેજી તરફ ક્યારે વળાંક લે છે એ કહેવું મુશ્કેલ છે. અત્યારે ચાલુ થયેલી મંદીમાં જે ગતિ છે તે ધીમી છે. 

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પર સરચાર્જની સીતારામને જાહેરાત કર્યા પછી વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી બે અબજ ડોલર પાછા ખેંચી લીધા હતા. પછીથી જોકે એ સરચાર્જ સરકારે પાછો ખેંચ્યો પણ એમાં મોડું થયું. હજુ એમની વેચવાલી ચાલુ જ છે. સરકારની નજર સામે જ આ બધું થઈ રહ્યું છે. પોતે જાણે કે સ્થિતિ સુધારવાની મથામણ કરે છે એવું નાટક કરવા માટે નાણાંપ્રધાન નિર્મલા સીતારામન છેલ્લા એક સપ્તાહથી અર્થતંત્રના ટોચના લોકો સાથે વ્યર્થ મિટિંગો કરી રહ્યા છે. તેઓ મ્યુચ્યુઅલ ફંડના વડાઓને મળ્યા અને તેમની વાત સાંભળી. એ રીતે ખાનગી નાણાંકીય સંસ્થાઓ, વીમા કંપનીઓ અને ઉદ્યોગપતિઓને પણ મળ્યા છે. પરંતુ એક વાત નક્કી છે કે કેન્દ્રની એનડીએ સરકાર માત્ર પોતાના મિત્ર એવા મુઠ્ઠીભર ટોચના ઉદ્યોગપતિઓને જ સારી રીતે સાંભળશે, કારણ કે આ સરકાર ઉદ્યોગપતિઓની કહ્યાગરી સરકાર હોવાની છાપ છે.