Get The App

ટોળાશાહી પર અંકુશ .

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
ટોળાશાહી પર અંકુશ                                      . 1 - image

ઉત્તર પ્રદેશમાં આજકાલ ટોળાશાહી વધી ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યના સમર્થકો ચોતરફ ફેલાયેલા છે અને તે બધા પણ સામાન્ય મનુષ્ય હોવાથી તથા પોતાને રાજકીય પીઠબળ હોવાનો ખુશનુમા ખયાલ ધરાવતા હોવાથી રાજ્યભરમાં વ્યાપક રીતે પોલીસ કાર્યવાહીમાં અંતરાયો ઊભા કરી રહ્યા છે. આ પરિસ્થિતિ મુખ્યમંત્રી યોગી માટે હવે આપત્તિકારક બની છે. વિધાનસભામાં વિરોધ પક્ષોએ અગાઉ પણ આ અંગે ગરમાગરમ રજૂઆતો કરી છે. છેવટે હવે યુપી સરકારે ટોળાશાહી વિરુદ્ધ એક અલગ કાનૂન ઘડવાની દિશામાં પહેલ કરી છે, જેના દ્વારા ટોળાઓ દ્વારા થતા અપરાધોને કડક હાથે અંકુશિત કરીને ગુનેગારોને આકરી સજા કરી શકાય.

ટોળાઓને સજા કરવા માટેના પૂર્વ કાનૂનો અધૂરા અને અપૂરતા હોવાથી હવે નવો કાયદો આકાર લઈ રહ્યો છે. આમ તો છેલ્લા એક દાયકાથી દેશભરમાં કાયદો અને વ્યવસ્થામાં વિક્ષેપ કરતા ટોળાઓ ભારતીય પ્રજા જોઈ રહી છે. ક્યારેક તો ખૂંખાર ગુનેગારની ધરપકડ થાય પછી પોલીસ સ્ટેશન બહાર એન સમર્થકોનાં ટોળાઓ ધસી જતા જોવા મળ્યા છે! શાસ્ત્રોમાં વર્ણવાયું છે કે રાક્ષસોની પણ સેના હોય છે એના એ દ્રષ્ટાંતો છે. લોકશાહી, કાયદો અને વ્યવસ્થા સામે આવા પરિબળો એક નવો પડકાર છે. દેશની સર્વોચ્ચ અદાલતે એક વરસ પહેલા એવી ટકોર કરી હતી કે ભીડ દ્વારા આચરવામાં આવતા અપરાધો અંગે અલગથી કાયદો ઘડવાની હવે જરૂરિયાત છે. ઉત્તરપ્રદેશ કાનૂન આયોગે રાજ્ય સરકારને એવી સલાહ આપી છે કે સર્વોેચ્ચ અદાલતના સંકેત પ્રમાણે હવે એ સમય આવી ગયો છે કે રાજ્ય સરકાર ટોળાશાહી દ્વારા થતી ગુનાખોરીને રોકવા અલગથી કાયદો ઘડે.

એ પ્રમાણે ઉત્તર પ્રદેશ સરકારે હવે 'ઉત્તર પ્રદેશ કોમ્બેટિંગ ઓફ મોબ લિન્ચિંગ એક્ટ' નામ ઠરાવીને નવા ધારાનો મુસદ્દો તૈયાર કર્યો છે. ટોળામાં રહીને એટલે કે ટોળાને પોતાનું સુરક્ષા કવચ માનીને અપરાધ કરનારા તત્ત્વોને સાત વરસથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ રાખવામાં આવી છે. ટોળા પર અંકુશ પ્રાપ્ત કરવામાં જો અધિકારીઓ કે પોલીસ દ્વારા કોઈ બેદરકારી દાખવવામાં આવે અને તેઓ નિષ્પ્રયાસ બેસી રહે તો એ માટેની પણ સજાની જોગવાઈ છે. દેશના અન્ય રાજ્યોએ પણ ભવિષ્યમાં થોડા સુધારા-વધારા સાથે આ પ્રકારનો કાયદો ઘડવાની અનિવાર્યતા ઊભી થશે. આ કાયદાના મુસદ્દામાં ઉત્તર પ્રદેશ કાનૂન આયોગે સરકારી સંપત્તિને થનારા નુકસાનો એ ટોળામાં સમાવિષ્ટ લોકો પાસેથી વસૂલ કરવાની અને અપરાધીઓની સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈ પણ રાખી છે. મુખ્યમંત્રી યોગી માટે આ કાયદો પોતાના જ બેફામ બની ગયેલા કાર્યકરોને અંકુશમાં રાખવાનું એક નવું હથિયાર સાબિત થશે.

આ વાત સરકારની વિવેકબુદ્ધિ પર નિર્ભર રહેશે કે વિરોધ પક્ષો દ્વારા પ્રેરિત આંદોલનો વખતે આ કાયદો લાગુ કરવામાં આવે કે નહીં! જો ઉત્તરપ્રદેશ સરકાર આ જ મુસદ્દાનો, ભવિષ્યમાં એ કાયદો બને પછી, કાયદા તરીકે ખેડૂત આંદોલન, કર્મચારી આંદોલન વગેરે સામે ઉપયોગ કરશે તો એ લોકશાહી પ્રણાલિકા વિરુદ્ધનો ધારો થશે અને એનાથી વધુ વિવાદ થશે. સામાન્ય રીતે આ પ્રકારની અપરાધિક ટોળાશાહીના પ્રેરકકર્તાઓ દૂર છુપાયેલા હોય છે. એમ ભલે કહેવાતું હોય કે ટોળાને ચહેરો કે દિમાગ હોતા નથી, પરંતુ આપણા દેશમાં તો ટોળાઓ પણ પ્રિ-ડિઝાઈન કરેલાં હોય છે. ઉત્તર પ્રદેશમાં ધર્મ, જાતિ અને રાજકારણ સંબંધિત આજ સુધી અનેક ટોળાઓએ કાયદો હાથમાં લઈને સામાન્ય જનજીવન પર અત્યાચાર આચરેલા છે. કોઈ એક સામાન્ય વાતને બહેકાવીને, એને અફવાઓની આંધી દ્વારા નવી હવા આપીને ટોળાઓ ઊભાં કરવાં, ટોળાઓને આગળ ધકેલવા અને પછી એને તોફાને ચડાવવા એના નિષ્ણાત લોકો ભારતીય રાજકારણના દરેક પક્ષમાં મોજૂદ છે.જો ઉત્તર પ્રદેશ સરકાર એવા તમામ ટોળાઓને કે જે ચોક્કસ હેતુઓ માટે અને કોઈ ધર્મ, જાતિ કે વિચારની વિરુદ્ધમાં હિંસાચાર કરવા નીકળેલાં છે એને આ ભાવિ કાયદા દ્વારા નાથી શકશે તો એ એક સકારાત્મક વળાંક કહેવાશે અને એનાથી દયનીય પીડિતોને ઉગારી શકાશે.