ભારતીય સમાજ જે સંક્રમણકાળમાંથી પસાર થઈ રહ્યો છે, તેમાં પતિ-પત્ની વચ્ચે ઝાંખા થતાં ને ક્રમશઃ છિન્ન થતા સંબંધો સમાજશાસ્ત્રીઓ માટે ચિંતાનો વિષય છે. વિવિધ અદાલતોમાં આવા કેસોને લગતા વિવાદો દરરોજ મીડિયામાં હેડલાઇન્સ બનાવતા રહે છે. એક જમાનો હતો કે ભારતીય સમાજમાં આવા કેસ ભાગ્યે જ જોવા મળતા હતા અને હજુ આજે પણ હિન્દુ સમાજમાં તો લગ્નને સાત જન્મોનું બંધન માનવામાં આવે છે. હિન્દુ પરિભાષામાં પણ, છૂટાછેડા શબ્દનો કોઈ ચોક્કસ પર્યાય નથી. પરંતુ સંબંધોમાં સતત વધતો અવિશ્વાસ, અલગતા અને વિવાદ એ વર્તમાન સમયની વાસ્તવિકતા છે. કેટલાક કિસ્સામાં પતિ કે પત્ની દ્વારા આચરવામાં આવતા લગ્નેતર સંબંધ પણ આ વિઘટનનું એક કારણ છે, કારણ કે ગમે તેટલી ગુપ્તતા રાખવામાં આવે તો પણ અનૈતિકતા ગમે ત્યારે પ્રકાશમાં આવે છે અને દામ્પત્યજીવન ખંડિત થાય છે.
હકીકતમાં, તાજેતરમાં એક ન્યાયાધીશે એમ પણ કહેવું પડયું કે વૈવાહિક વિવાદોના બોજથી ન્યાયિક પ્રણાલી પર વધારાનું દબાણ વધ્યું છે. આ ક્રમમાં, તાજેતરમાં પતિ-પત્ની વચ્ચેના વિવાદમાં ગુપ્ત રીતે રેકોર્ડ કરેલા ફોન કૉલ્સને પુરાવા તરીકે સ્વીકારવાનો મામલો સામે આવ્યો છે. વૈવાહિક વિવાદોને લગતા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પતિ કે પત્ની દ્વારા ગુપ્ત રીતે રેકોર્ડ કરાયેલી ટેલિફોન વાતચીત હવે પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા રેકોર્ડિંગને ફેમિલી કોર્ટમાં મહત્ત્વપૂર્ણ પુરાવા તરીકે સ્વીકારી શકાય છે. વાસ્તવમાં, આ સંદર્ભમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના તે નિર્ણયને રદ કર્યો અને રેકોર્ડિંગને આધારરૂપ પુરાવા તરીકે માન્ય રાખવામાં આવ્યું. વાસ્તવમાં, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું માનવું હતું કે કોઈપણ પક્ષની વાતચીતને તેમની જાણ વગર રેકોર્ડ કરવી તેમની ગોપનીયતાનું ઉલ્લંઘન હશે. હાઈકોર્ટે દલીલ કરી હતી કે આ રેકોડગને ફેમિલી કોર્ટમાં પુરાવા તરીકે સ્વીકારવી જોઈએ નહીં. હાઇકોર્ટે કહ્યું હતું કે પતિ-પત્ની સામાન્ય રીતે અથવા ગુસ્સામાં ખુલ્લેઆમ વાત કરે છે. તેમને ખબર નથી હોતી કે તેમની વાતચીત રેકોર્ડ થઈ રહી છે અથવા ભવિષ્યમાં કોર્ટમાં પુરાવા તરીકે તેમની વાતચીત રજૂ કરી શકાય છે.
પોતાની દલીલના સમર્થનમાં, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કેટલાક ન્યાયિક ચૂકાદાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. ખાસ કરીને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના એક ચૂકાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પતિ-પત્નીની સંમતિ વિના વાતચીત રેકોર્ડ કરવી એ ગોપનીયતાનું ઉલ્લંઘન છે. તે ગેરકાયદે પણ છે. આવા પુરાવા સ્વીકારવા જોઈએ નહીં. બીજી તરફ, સુપ્રીમ કોર્ટમાં, જસ્ટિસ બી.વી. નાગરત્ન અને જસ્ટિસ સતીશચંદ્ર શર્માની બેન્ચે એવી દલીલોને ફગાવી દીધી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આવા પુરાવાને મંજૂરી આપવાથી ઘરેલું સુમેળ અને વૈવાહિક સંબંધોને નુકસાન થશે. તે સમાજમાં પતિ-પત્નીની જાસૂસી કરવાની વૃત્તિને પણ પ્રોત્સાહન આપશે. ઉપરાંત, પુરાવા કાયદાનું પણ ઉલ્લંઘન થશે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે આ સંદર્ભમાં કહ્યું કે કોર્ટમાં પહોંચેલા સંબંધો એ હકીકતનો પર્યાય છે કે બંને વચ્ચેના સંબંધો સુગમ અને સામાન્ય નથી. દેખીતી રીતે, સંબંધોમાં અવિશ્વાસને કારણે વૈવાહિક બાબતો કોર્ટમાં પહોંચે છે. નોંધનીય છે કે ભટિંડાની એક ફેમિલી કોર્ટે પત્નીની ક્રૂરતા સાબિત કરતા ફોન રેકોર્ડિંગને પુરાવા તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. જેને પત્નીએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
તેણીની દલીલ હતી કે આ રેકોર્ડિંગ તેણીના ધ્યાન પર લાવ્યા વિના કરવામાં આવ્યું હતું, જેના કારણે ગોપનીયતાના તેના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે. જેના પર હાઇ કોર્ટે અરજી સ્વીકારી, તેમજ ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો. હાઈ કોર્ટે કહ્યું કે વાતચીત એક પક્ષ દ્વારા ગુપ્ત રીતે રેકોર્ડ કરવામાં આવી છે, તેથી તેને સ્વીકારી શકાય નહીં. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ વાતચીત કયા સંજોગોમાં અને ભાવનાત્મક આવેશમાં થઈ તે નક્કી કરવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, આરોપોના તર્કને સાબિત કરવાનું મુશ્કેલ છે. ઉપરાંત, તે શક્ય છે કે તેને રેકોર્ડ કરનાર પક્ષ સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપે. આવી સ્થિતિમાં, તેની પ્રતિક્રિયા સ્વાભાવિક ન હોઈ શકે.


