Get The App

કષ્ટદાયી દાયકાનો ઉત્તરાર્ધ

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
કષ્ટદાયી દાયકાનો ઉત્તરાર્ધ 1 - image

ન્યૂયોર્ક અને ન્યૂજર્સી પર ભયાનક બરફિલા તોફાનની આગાહી છે. એકવીસમી સદીના એક અઘરા દાયકા તરીકે ઈ. સ. ૨૦૨૦થી ૨૦૨૯ ના સમયગાળાને ઓળખવામાં આવે છે. હવે આપણે એના ઉત્તરાર્ધમાં પહોંચ્યા છીએ. હવામાનની અરાજકતા એ આ દાયકાની મુખ્ય લાક્ષણિકતા છે, પરંતુ પ્રકૃતિની ઘોર ઉપેક્ષા એ તો માણસજાતની છેલ્લા એક સો વરસની તવારીખ છે. 

હવામાન સમાચાર એક જમાનામાં માત્ર ચોમાસામાં જ પ્રસિદ્ધ થતાં. હવે એ રોજનો વિષય છે. પંચતત્ત્વ કોઈનેય જંપીને બેસવા દે એમ નથી. એવો આ દાયકો છે. દેશમાં ડિજિટલ ડિલિંગની ચડતી કળા છે. એઆઈનો વળી એમાં નૂતન પ્રવેશ થયો છે. જે લોકો માત્ર વિમાન પ્રવાસની ટિકિટ કે ફિલ્મની ટિકિટ બુક કરાવતા શીખીને અટકી ગયા છે તેઓ પ્રાગૈતિહાસિક કાળના આદિમાનવની પરિભાષામાં જ સમાઈ જશે. ભારત જેવા ઘણા દેશો છે કે જેમની પ્રજા નવી ટેકનોલોજીને આત્મસાત કરવાને બદલે રાજકીય ગપ્પાબાજીમાં જિંદગી વેડફે છે. ભારતમાં તો યુવાધન કે જેની તો જિંદગી જ હવે ટેકનોલોજીની આંખે અને પાંખે સવાર છે એ યૌવન અત્યારે તો કોઈ ને કોઈ રાજકીય પક્ષના થર્ડ અને ફોર્થ ક્લાસ કાર્યકર બનીને રસ્તાઓ પર ઠેબા ખાઈ રહ્યા છે. રાજનેતાઓને આવા મફતના ભાવના મૂર્ખાઓની ફોઝની જરૂર હોય છે. 

આ દાયકામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે. વિવિધ ક્ષેત્રોમાં જે મીડિયોકર કોમ્યુનિટી અને સબ સ્ટાન્ડર્ડ લોકો છે જેઓ તમામ બે નંબરની પ્રવૃત્તિમાં ઢળી પડે છે તેઓનો આસાન રીતે નિકાલ થશે. કાયદાઓ કડક બની રહ્યા છે અને હજુ વધુ કડક બનવાના છે. સરકારે શિસ્તની પાઠશાળા બહુ ચલાવી પણ લોકોને ભણતર ચડયું નહિ એટલે હવે દંડ સંહિતાનો આશ્રય લીધો છે. પહેલી નજરે સરકારનો વાંક દેખાય છે. દેશના કોઈ પણ શહેરના કોઈ પણ રસ્તાના ટ્રાફિકનું અવલોકન કરો એટલે ખ્યાલ આવે કે દેશ ક્યાં જઈ રહ્યો છે અને આને ખરેખર શાની જરૂર છે. આ દાયકો ગેરશિસ્ત ધરાવનારાઓને સીધા કરવાનો દાયકો છે. ગેરશિસ્ત એટલે બધા પ્રકારની ગેરશિસ્ત. આજના ભારતની તુલના જો પાછલા દાયકા સાથે કરો તો દંગ થઈ જવાય એટલાં પરિવર્તનો થઈ ગયા છે. સત્તામાં જ નહિ, કાયદા-કાનૂન, વ્યાપાર-ઉદ્યોગ, ટેક્નોલોજી, સમાજ જીવન અને રાજનીતિમાં કંઈક ઉથલ પાથલ મચી છે ને નવા ઘૂઘવતા પ્રવાહો સ્થાયી થવા લાગ્યા છે.

ભારતમાં આ નવા દાયકાની શરૂઆત ફાઈવ-જીના પ્રયોગથી આરંભાયેલી હતી. ચીની કંપની હુઆઈ સહિત તમામ ઓપરેટરોને સરકારે આ ટેકનોલોજી અજમાવવાની મંજુરી આપી દીધી છે. થોડા મહિનાઓમાં એનો પ્રભાવ દેખાશે. સ્પેક્ટ્રમની હરાજી દ્વારા વેચાણ પ્રક્રિયા શરૂ થઈ અને એની પૂરી પણ થઈ ગઈ. ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો જયજયકાર થવાનો છે. રોબોટિક્સ અને મશિન લર્નિંગ (એમએલ)નો ઉપયોગ વધવાથી આઈટી સેક્ટરમાં બેરોજગારી વધી છે અને જેઓ દિલથી કામ કરતા નથી અને જરાકેય વિલાસી જીવન વીતાવનારા છે તેમના પર નવપરિવર્તનોને કારણે છટણીની તલવાર લટકી રહી છે. પરિવર્ર્તનની પ્રક્રિયા પીડાદાયક અને અનિવાર્ય હોય છે. હજુ આઈટી ક્ષેત્રમાં બેરોજગારી વધવાની દહેશત છે. તો પણ જેઓએ સખત મહેનત કરીને પોતાની પ્રતિભાને ઉચ્ચસ્તરીય વળાંક આપ્યો છે તેઓ ટકી રહેવાના છે એટલું જ નહિ તેમના પગાર ધોરણો ચિક્કાર થવાના છે. જો કે દરેક ક્ષેત્રમાં આગવી પ્રતિભાઓ ટકી જ જતી હોય છે.

એ જ રીતે શેરબજારોમાં અલ્ગોરિધમ આધારિત ટ્રેનિંગ અને ટ્રેડિંગનો વિસ્તાર થવા લાગશે અને એને ન સ્વીકારી કે ન સમજી શકનારા અનેક બ્રોકરો અને બ્રોકરેજ હાઉસ ફેંકાઈ જવાના છે. તેઓનું અસ્તિત્વ એક ઈતિહાસ બની જશે. આ આધુનિક યુગ પછીનો અનુઆધુનિક યુગ છે અને એલવિન ટોફલરે એના વિખ્યાત પુસ્તક થર્ડ વેવમાં કરેલી આગાહી પ્રમાણે હવે ચોથા મોજાંની શરૂઆત થઈ ગઈ છે. સહુથી મહત્ત્વના એવા આરોગ્ય, શિક્ષણ અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ધરમૂળથી ફેરફારો આવશે. અત્યારે જ જેમણે પોતાની જિંદગી પોતાના પગ પર ઊભી કરવી છે તેઓ શાળા કે કોલેજના જ્ઞાન પર નિર્ભર રહેતા નથી. તેઓ તેમની રીતે વિશેષ જ્ઞાન અને પ્રાયોગિક તાલીમ મેળવીને જેટસ્પીડે આગળ ધપે છે. નવા દાયકાનો ઉત્તરાર્ધ આર્થિક સાવધાની અને લાંબાગાળાની વિચારણાનો સમય છે. બધું જ ટૂંકા પને માપવામાં નુકસાન છે.