Get The App

બેરોજગારોનો પોતાનો વાંક .

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
બેરોજગારોનો પોતાનો વાંક                         . 1 - image

દેશના તમામ પ્રશ્નો અને સમસ્યાઓ માટે રાજકારણ એક બાબતમાં તો આશ્વાસન  છે કે બધું જ એ ક્ષેત્ર અને એના નેતાઓ પર ઢોળી શકાય છે. આ હૈયાધારણા નાનીસૂની નથી, કારણ કે એને કારણે સમાજ પોતે પોતાની ભૂલભરેલી પ્રણાલિકાઓ, અપરાધી મનોવૃત્તિઓ અને ગેરસમજો તથા સાવ ખોટ્ટી માન્યતાઓને છુપાવી રાખે છે જ્યારે કે વાંક સમાજકારણ અને રાજકારણનો સમાન ભાગનો હોય છે. જે બેરોજગારોને નોકરી અપાવવાની વાતો ચોરતરફ ગુંજે છે તેમાં એ યુવક અને યુવતીઓની ક્ષમતાઓ વિશે ભાગ્યે જ વાત થાય છે. સારું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારની ભરતી પ્રક્રિયા અંતર્ગતની પરીક્ષાઓ આ બેરોજગારોને સમયાંતરે એ અહેસાસ કરાવતી રહે છે કે તેઓએ તેમના અભ્યાસકાળમાં અને પછી કેટલો વ્યર્થ રઝળપાટ કર્યો છે! એટલે કે જલસા જ કર્યા છે.

કલાસ - વન કે કલાસ - ટુની વાત તો ઠીક છે, સરકારી કર્મચારીઓમાં તલાટી પણ હવે રોલ મોડેલ તરીકે દેખાય છે, કારણ કે એ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું કામ ધૂમ કલ્ચરમાં બાઇક ચલાવનારાઓનું તો નથી જ. અત્યારે રાજકારણીઓને ઠપકો આપવાના બહાને આ બેરોજગારોને પંપાળીને જે રીતે ભારતીય સમાજ ઉછેરે છે તે ખરેખર તો નવી પેઢીનું અહિત જ કરે છે. આજના યુવા વર્ગને શાક માર્કેટમાં મોકલીને કહો કે ચાર મહેમાન આવવાના છે એટલે વધારાનાં શાકભાજી લઇ આવો, તો પણ તેઓ જે થેલી લાવે તેમાંથી ગુણવત્તા અને સપ્રમાણતાને બદલે છબરડાઓ વધુ ઊંચકીને લેતા આવશે.

ઘરમાં બેટા... બેટા.... કહીને માત્ર ઉછેરીને મોટા કરી આપેલાં આ સંતાનો તેમની પોતાની જ જિંદગીમાં અધિક વાત્સલ્યના ગેરલાભ જાણે એ પહેલા એને વ્યવહાર જ્ઞાાન આપવાની જરૂર છે. જે ગુજરાતી સમાજ એક જમાનામાં પોતાની રળતર આવડતની કુશળતા પર મુસ્તાક હતો એ જ ગુજરાતી સમાજ આજે ટચૂકડી જાહેરખબરોમાં પોતાના સંતાનોનું ભવિષ્ય શોધતો થઇ ગયો હોય તો એનાં કારણો બહુ નિરાંતે, બહુ ઊંડાણથી અને કોઇનાય ઉપર આક્ષેપ કર્યા વિના શોધવા પડશે. આપણી નવી પેઢીમાં ક્ષમતાઓ છે તે આમ તો તેને વ્યર્થ પ્રશંસાઓથી બુઠ્ઠી કરી નાખ્યા વિના દિશા આપવા માટેની છે, પરંતુ સંખ્યાબંધ પરિવારો એવા પણ જોવા મળે છે કે જેમણે સંતાનોને પડતા મૂકી દીધા છે. એટલે કે વિવાદ કે ચર્ચા ટાળવા માટે વડીલો, આ સંતાનોને સાંભળીને તુરત સંમત થઇ જાય છે. આને કારણે નવી પેઢીને એક જ મુદ્દામાં અનેક ડાયમેન્શનથી વિચારશીલતા અને તાર્કિકતા કેળવવાનો જે લાભ મળવો જોઇએ તે બાકી રહી જાય છે.

ટેકનોલોજીનો વિકાસ સર્વસ્વીકૃત છે. એ વિકસી ગયેલી ટેકનોલોજીને આ નવી પેઢી જે અકારણ મનોરંજનનો સમય આપે છે તે અસ્વીકૃત છે. આ મતભેદનો વિસ્તાર છે. તેઓ કહે છે કે આ મોબાઇલ ફોન જ અમારુંં કાર્યાલય, બ્રિફેકેસ, મિત્રમંડળ જે કહો તે છે. વડીલો હજુ તેમની સાથે સંમત નથી, કારણ કે તેઓ જુએ છે કે પીરસાયેલી ગરમાગરમી ગુજરાતી માધુર્યથી મહેકતી અને માતૃહસ્તેન ભોજનમ્ પ્રમાણે તૈયાર થયેલી સોનેરી ટુકડા કે દાઉદખાની ઘઉંની રોટલી સાવ ઠરીને ઠીકરું ન થઇ જાય ત્યાં સુધી સંતાનો થાળી પર બેસતા નથી. તેમના હાથમાં જ એક એવું ચુંબક છે જેની સાથે મોબાઇલ ફોન હવે સર્વકાળે એટેચ છે. આ એટેચમેન્ટને કારણે પરિવારના કુદરતદત્ત અનેક સુખ ડિટેચ ને ક્રોસ થઇ રહ્યા છે. મિસ્ટર મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની નવી પરિભાષા તરતી મૂકી એને કારણે કેટલાક સંતાનો તેમના વાલીઓને કહી રહ્યા છે કે આપણી પાસે મૂળભૂત કેપિટલ જ નથી તો હું આન્ત્રપ્રિનિયોર શી રીતે બનું? વાલીઓની કેપિટલ જ આ સંતાનો છે. તેમણે સંતાનો માટે બધું જ સમર્પિત કરેલું હોય છે.

ઘણા ગુજરાતી સંતાનો ઈચ્છે છે કે તેમનાં માતા-પિતા તેમના બિઝનેસને સેટ કરી આપે. ખરેખર આ અપેક્ષા બહુ વધારે પડતી છે અને વળી આવી અપેક્ષા એ લોકો રાખે છે જેઓ ભણવામાં તો ઢગલાના ઢ હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની મહેનત તેમને કરવી હોતી નથી. એટલે માતા-પિતા જ્યારે ઢળતી સંધ્યાએ પહોંચ્યા હોય અને સરકારી કર્મચારી હોય ત્યારે જુવાન છોકરાઓની નજર પછી વડીલોના પેન્શન પર હોય. આજે ગુજરાતમાં માત્ર વડીલોના પેન્શન પર નભતા યુવાનોની સંખ્યા કંઈ ઓછી નથી અને એ ગુજરાતી સમાજનું સૌથી મોટું લાંછન છે. પિતાનો રૂપિયો વાપરવો એ ખોટું નથી, પરંતુ બેઠા-બેઠા પિતાનો રૂપિયો ખાવો એ ખોટું છે. પિતા પાસે ગમે તેટલી સંપત્તિ હોય કે પેન્શન અથવા વ્યાજની આવક હોય તો એ કઈ પિતા સ્વર્ગમાં સાથે લઈ જવાના નથી. એ સંતાનોના કલ્યાણ માટે હોય છે, લાભ માટે નહિ. લાભ અને કલ્યાણ વચ્ચેનો ભેદ સમજી લેવો જોઈએ.