હવે આતંકવાદીઓ દુનિયાના તમામ ક્રાન્તિકારી પ્રદેશો પર પોતાની હકૂમત જમાવવા નીકળ્યા છે, કારણ કે જે પ્રદેશની પ્રજા તેના જ દેશની વિરુદ્ધમાં વિચારતી હોય એને પોતાની કરી લેવાનું કામ આતંકવાદી કમાન્ડરોને આસાન લાગે છે. કાશ્મીરમાં છેલ્લાં ત્રણ-ચાર વરસથી એ જ થઇ રહ્યું છે. માત્ર ત્રણ હજાર રૂપિયાની લાલચમાં પહેલગામના બે કાશ્મીરી દેશદ્રોહીઓએ ત્રણ આતંકવાદીઓને પનાહ આપી એમાંથી સર્જાયેલા હુમલામાં ૨૬ ભારતીય નિર્દોષ નાગરિકોની જિંદગી હણાઈ ગઈ. દુશ્મનોને બદલે દેશની ભીતરના દુશ્મનો ભારતને બહુ નડે છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાન્તમાં ક્રાન્તિ ચાલી રહી છે અને ત્યાં પણ હવે ઇરાક અને સિરિયાથી આતંકવાદીઓ આવવા લાગ્યા છે. એનો બીજો અર્થ એ પણ છે કે પોતાના જ દેશની સરકાર સામે પ્રાંતવાદ દાખવીને લડાયક બનેલી વિશ્વની કોઈપણ પ્રજાને કે નાના સમુદાયને હવે તૈયાર આતંકવાદીઓનું હરતું ફરતું સૈન્ય ઉપલબ્ધ થવા લાગશે.
અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં તાજેતરના કિસ્સાઓમાં એ સાબિત થઇ ગયું છે કે ઇસ્લામ ધર્મના કોઈ પણ તહેવારની અદબ હવે આતંકવાદીઓ જાળવતા નથી. દુનિયાની વિવિધ સરકારો દ્વારા આતંકવાદીઓ સામેના જે એકતરફી યુદ્ધવિરામ જાહેર કરવામાં આવે છે તેને આતંકવાદીઓ તો ધ્યાનમાં લેતા જ નથી અને એનો લાભ લઇને તેઓ બેફામ હુમલાઓ કરતા થયા છે. અફઘાનની તાલિબાન સરકારે હમણાં જ જાહેર કર્યું કે અમે હવે યુદ્ધ વિરામનો અંત લાવીએ છીએ અને અમારા સૈન્યને આઈએસ સામે નવેસરથી જંગ છેડવાનો હુક્મ કરીએ છીએ. આમ કહેવાનો કોઈ અર્થ નથી અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં અફઘાન સૈન્યની જ પ્રતિષ્ઠા ઘટે છે. ભારત સરકાર પણ જમ્મુ અને કાશ્મીરમાં આવા માત્ર પોતે જ પાલન કરવાના યુદ્ધ અને વિરામના નિષ્ફળ અખતરા કરી ચૂકી છે.
વિશ્વના જે દેશોમાં ત્યાંની સરકાર સામે બળવો થવાની સ્થિતિ હોય કે સિવિલ વોરના સંયોગો નજીક આવી ગયા હોય ત્યાં હવે આતંકવાદીઓ ધામા નવા લાગ્યા છે. પેન્ટાગોનનો નવો એશિયા-પેસિફિક અહેવાલ માને છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના થોડાં વરસો પછી ટુકડે-ટુકડા થઇ જશે. ત્યાં અનેક નાના રાષ્ટ્રો અસ્તિત્વમાં આવશે. આ એવા બે દેશો છે જે આજની દુનિયા માથે લટકતી તલવાર જેવા આતંકવાદનું ભરપુર પાલન પોષણ કરી રહ્યા છે. અફઘાન પ્રજાએ તો ઘણાં વર્ષોથી આતંકવાદ સાથે છેડો ફાડી નાખ્યો છે, પરંતુ વર્ષો સુધી તાલીબાનોને પ્રોત્સાહન આપ્યુ હોવાને કારણે તેઓ જ ખુદ હવે શાસક છે. એની સામે પાકિસ્તાને તો સૈન્યની એક પાંખની જેમ જ આતંકવાદીઓના તાલીમી કેમ્પ નિભાવ્યા છે. એનો સૈન્ય વડો મુનિર સૌથી મોટો આતંકવાદી છે જે શાંતિના મહોરા પહેરીને અખાતી દેશોમાં રખડે છે. પાક સરકારના બજેટમાં હંમેશા એક જંગી રકમનું ગુપ્ત ફંડ આતંકવાદીઓને ફાળવવામાં આવે છે જે મુખ્યત્વે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરને પહોંચે છે.
ઇ.સ. ૨૦૦૧ના ન્યુયોર્ક ટ્રેડ સેન્ટર પરના હુમલાઓ જે નાઈન-ઇલેવન તરીકે ઓળખાય છે તે દિવસથી આજ સુધી અમેરિકાએ આતંકવાદ સામેની લડતમાં દર વરસે તેના વાર્ષિક બજેટની વીસ ટકા રકમ ખર્ચ કરી છે. પેન્ટાગોનના ફ્યુચરિસ્ટિક્સ અંતર્ગતનાં સંશોધનો બતાવે છે કે આગામી વરસોમાં વિશ્વના મોટા ભાગના દેશોએ તેના બજેટની વીસ ટકા રકમ જે જંગી કહેવાય એ આતંકવાદ સામે લડવામાં ખર્ચ કરવી પડશે. આ તારણો એમ પણ દર્શાવે છે કે સરહદી સુરક્ષાની સમસ્યાની તુલનામાં આંતરિક સુરક્ષાના પ્રશ્નો દરેક દેશની સરકાર માટે હવે કાયમી ઉપાધિનો વિષય છે. અમેરિકાના વાર્ષિક બજેટની વીસ ટકા રકમ ભારત, રશિયા અને દક્ષિણ કોરિયાના વાર્ષિક સંરક્ષણ બજેટથી ક્યાંય અધિક થાય છે.
ઇ.સ. ૨૦૦૧ સુધી અમેરિકામાં જેહાદીઓ અને આતંકવાદીઓ દ્વારા મૃત્યુ પામેલા નાગરિકોની સંખ્યા માત્ર એક સો હતી, પરંતુ પછીથી આ આંકડો વીજળીક વેગે વધતો રહ્યો છે. માત્ર ઇ.સ. ૨૦૧૬ના એક જ વરસમાં અમેરિકામાં આતંકવાદીઓ દ્વારા હણાયેલા નાગરિકોની સંખ્યા વીસ હજાર સુધી પહોંચી ગઈ. જો અમેરિકાના આંકડાઓ આમ કહેતા હોય તો ભારતમાં નકસલવાદીઓ અને પાક પ્રેરિત આતંકવાદીઓ દ્વારા કુરબાન કરી દેવાયેલા ભારતીય નિર્દોષ નાગરિકો અને શહીદ થયેલા સૈનિકોની છેલ્લાં ચાર વરસમાં સંખ્યા ક્યાં પહોંચી હશે? માત્ર કલ્પના જ કરવાની રહે છે, કારણ કે ભારત સરકાર દ્વારા જાહેર થતા આંકડાઓ પર વિશ્વાસ રાખવો એ સત્યનો અનાદર કરવા બરાબર છે.


