ભારત - યુએસ સંબંધચક્ર


ભારત અને અમેરિકાના સંબંધો હંમેશા ઠાવકાઈ ભરેલા અને કેમ છો-મજામાં જેવા સાવ ઉપરછલ્લા રહ્યા છે. નાગરિક જીવનની બાબતમાં અને ઉચ્ચ ધોરણો ધરાવતી વિવિધ જીવન પ્રણાલિકાની બાબતમાં અમેરિકા ટોચ પર છે. ટ્રમ્પ જેવો તરંગી તુઘલખ ત્યાં રાષ્ટ્ર્રપ્રમુખ થઈ શકે છે એ એની લોકશાહીની મર્યાદા છે. આજકાલ જો બાઈડન સત્તા પર છે, પણ એ દેખાય છે એના કરતા વધુ ખતરનાક છે. એફ-૧૬ ફાઈટર જેટ્સના નવીનીકરણ માટે પાકિસ્તાનને ૪૫૦ મિલિયન ડોલર આપવાના અમેરિકાના નિર્ણય સામે ભારતે યોગ્ય પદ્ધતિથી વિરોધ નોંધાવ્યો છે. યાદ કરો, ઈ. સ. ૨૦૧૮માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને બે બિલિયન ડોલરની સુરક્ષા સહાય સ્થગિત કરી દીધી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાની સત્તાધીશો અફઘાન તાલિબાન અને હક્કાની નેટવર્ક જેવાં આતંકવાદી જૂથો સામે અસરકારક કાર્યવાહી કરી શક્યા નથી, તેમજ પાકિસ્તાન એ આતંકવાદીઓનાં સુરક્ષિત આશ્રયસ્થાનોને નષ્ટ કરી શક્યું નથી. રસપ્રદ વાત એ છે કે હવે બાઇડેન સરકાર આતંકવાદ પર અંકુશ મેળવવાની તેમની ક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે એ જ પાકિસ્તાનને આ સહાય આપવા જઈ રહ્યું છે.

પાકિસ્તાન જેહાદી આતંકવાદનો ગઢ રહ્યો છે. તેણે ઓસામા બિન લાદેન જેવા આતંકવાદીને આશરો આપ્યો હતો. તેણે અફઘાનિસ્તાન પર કબજો કરવામાં તાલિબાનને પણ મદદ કરી હતી. છતાં જગત જમાદાર અમેરિકા એ જ પાકિસ્તાન પાસે આતંકવાદના અંતની અપેક્ષા રાખે છે અને બાઇડેન તો એવું પણ કહે છે કે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. અને એ જ હેતુથી અમેરિકા તેને આર્થિક મદદ પુરી પાડે છે. આ વિચાર અમેરિકાની વિચારસરણી અને પ્રાથમિકતાઓ પર પણ પ્રશ્નાર્ર્થ ચિહ્ન મૂકે છે. જો કે, યુએસએ કહ્યું છે કે આ સહાયથી એફ - ૧૬ ફાઇટર જેટની ક્ષમતામાં ખાસ વધારો થશે નહીં. પરંતુ સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે આ એરક્રાફ્ટની એર-ટુ-ગ્ર્રાઉન્ડ ક્ષમતા આતંકવાદ વિરોધી કામગીરીમાં મદદ કરશે. છે ને વિચિત્ર વાત.

જોકે અમેરિકાના આ નિર્ણયથી માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્લેષકોને પણ આંચકો લાગ્યો છે. એ સાચું છે કે તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચેની નિકટતા ઘણી વધી ગઈ છે. તેમ છતાં, પરસ્પર સંબંધોને લઈને બંને દેશોના વિચારોમાં મૂળભૂત તફાવત છે. યુ.એસ. આ ભાગીદારીને કરાર તરીકે જુએ છે, જે અન્ય ક્ષેત્રોમાં અન્ય દેશો સાથે ભાગીદારી બનાવવાના અધિકારને અસર કરતું નથી. અમેરિકા કોઈપણ દેશ સાથેના સંબંધોમાં પોતાના સ્વાર્થને પ્રાથમિકતા આપે છે અને જો અને કોઈ રાષ્ટ્ર આવું કરે તો અમેરિકાના નાકનું ટીચકું ચડી જાય છે. તેનાથી જ સંબંધોમાં તિરાડ પડે છે. આવી સ્થિતિમાં શક્ય છે કે અમેરિકાની વર્ચસ્વની આદત અને સ્વતંત્ર નીતિના ભારતના આગ્રહને કારણે, કોઈપણ સમયે મોટું જોખમ ઉદ્ભવી શકે છે.

દેખીતી રીતે, બંને દેશોએ તેમના સંબંધોની સત્વરે  સમજીને યોગ્ય વિચારણા સાથે આગળ વધવું પડશે. પરંતુ અત્યારે સૌથી પહેલી જરૂરિયાત પાકિસ્તાનને એફ -૧૬ એરક્રાફ્ટ માટે મદદ આપવાના નિર્ણયને દૂર કરવાની છે. એ સમજવું પડશે કે એફ-૧૬ ફાઈટર જેટનો ઉપયોગ હંમેશા ભારત વિરુદ્ધ કરવામાં આવ્યો છે. જો આવા મહત્ત્વના મુદ્દા પર ભારતના સુરક્ષા હિતોને સંવેદનશીલતાથી જોવામાં ન આવે તો વ્યૂહાત્મક ભાગીદારીના તર્ક અંગેના પ્રશ્નોને કેવી રીતે અટકાવી શકાય? બાઈડન એમની કાર્યપદ્ધતિથી ઉદારમતવાદી દેખાય છે, પરંતુ હકીકતમાં તેઓ એક ખંધા રાજનીતિજ્ઞા છે.

અમેરિકાએ વ્યાજદરો વધાર્યા અને ભારતીય રૂપિયો ગગડી ગયો. જેની લાઠી તેની ગાય. જેની પાસે અમેરિકન ડોલરનો સ્ટોક વધુ એ જગતજમાદાર બની શકે. પાકિસ્તાનનો પક્ષ લઈને તેને લશ્કરી કે આર્થિક મદદ કરવાની અમેરિકન પરંપરા દાયકાઓ જૂની છે. તેમાં તેના અરબી દેશો સાથેના સંબંધોના સમીકરણોનો સ્વાર્થ સચવાયેલો હશે પણ છેલ્લે ભારતે ભોગવવાનું રહે છે. ભારત હમણાંથી પોતાના વિરોધો નોંધાવતું થયું છે, પણ ભારતની અસહમતીનો ડંકો વાગતો નથી. નારાજ થવાનો હક્ક માત્ર અમેરિકાને છે અને ભારતે સમસમીને બેસી જવું પડે છે. ઇતિહાસ તો આવા જ પ્રસંગોથી ભરેલો છે. ભારતનું પોતાનું અર્થતંત્ર બહુ મજબૂત નથી માટે આ સ્થિતિ છે. ભારતે પોતાની વિદેશનીતિ મજબૂત કરી, પણ લશ્કરી નીતિ સાથે અર્થતંત્રનો નક્કર રોડમેપ હજુ પણ કાચો છે. તેના પરિણામે અમેરિકા જેવા મોટા દેશો કે પાકિસ્તાન જેવા નાના દેશો ભારતને ઠેંગો બતાવતા રહેશે. 

City News

Sports

RECENT NEWS