વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ .
જસ્ટિસ યશવંત વર્મા કેસમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તપાસ સમિતિની બંધારણીય સ્થિતિ અને અત્યાર સુધી તેનો અહેવાલ દાખલ ન કરવા અંગેની તેમની ચિંતાઓ પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે, કારણ કે આ મામલો ન્યાયતંત્રની વિશ્વસનીયતા અને પારદર્શિતા સાથે જોડાયેલો છે. જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હોવાનો આરોપ છે. ૧૪ માર્ચના રોજ, દિલ્હી હાઈકોર્ટના આ ન્યાયાધીશના નિવાસસ્થાનના સ્ટોર રૂમમાં આગ લાગી હતી, જ્યાં તેમના ઘરમાંથી મોટી રકમ રોકડ મળી આવી હતી. તે જ સમયે, જસ્ટિસ યશવંત વર્માનો દાવો છે કે તેમણે કે તેમના પરિવારના સભ્યોએ ક્યારેય સ્ટોર રૂમમાં રોકડ રાખી નથી અને તેમની વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
ન્યાયાધીશ સામે પ્રશ્ન ઉઠાવવો સામાન્ય ઘટના નથી અને એ પ્રશ્ન ઉઠાવવાની પ્રક્રિયા પણ બહુ જ સંકુલ છે. પહેલી વાત તો એ છે કે ન્યાયતંત્રની જીવંત આધારશિલા સમાન ન્યાયમૂર્તિઓ દેશના નાગરિકો તથા શાસકોની સર્વસામાન્ય માન્યતા પ્રમાણે કદી પણ ભ્રષ્ટ આચરણ કરતા નથી. તેઓ અતિશય ઉચ્ચ ચારિત્ર્ય ધરાવે છે. એટલે એ એક અર્થમાં તેઓ એક આદર્શ તટસ્થ મનુષ્યત્વની ગરિમા ધારણ કરનાર અને એની પરમોચ્ચ આચાર સંહિતા નિભાવનારા સત્પુરુષ કે સન્નારી છે એમ માનવામાં આવે છે. આ માન્યતાનું ખંડન કરતી કોઈ પણ ઘટના જ્યારે બને છે ત્યારે ન્યાયના સિદ્ધાન્તપક્ષમાં દેશભરમાં તાત્ત્વિક ભૂકંપ આવવા જેવી સ્થિતિ નિર્માણ થાય છે.
સુપ્રીમ કોર્ટે આ ઘટનાની તપાસ માટે ત્રણ ન્યાયાધીશોની આંતરિક સમિતિની રચના કરી, જેને આરોપો વિશ્વસનીય લાગ્યા, પરંતુ ઉપરાષ્ટ્રપતિનું નિવેદન કે સમિતિની કોઈ બંધારણીય માન્યતા નથી, તે તપાસની વિશ્વસનીયતા પર જ પ્રશ્ન ઉઠાવવાનો પ્રયાસ છે. શું કોઈ રસ્તો શોધી શકાય છે કે જેથી આંતરિક તપાસની સુસંગતતા અને બંધારણીય માન્યતા જાળવી શકાય? ઉપરાષ્ટ્રપતિ ઈચ્છે છે કે સન ૧૯૯૧ના સુપ્રીમ કોર્ટના વીરસ્વામીના ચૂકાદા પર પુનવચાર કરવામાં આવે. આ નિર્ણય મુજબ, સિટીંગ જજ વિરુદ્ધ FIR માટે CJIની મંજૂરી જરૂરી છે. આ વ્યવસ્થા એટલા માટે છે કે ન્યાયતંત્ર કોઈપણ ભય, દબાણ કે લોભ વિના પોતાની ફરજ બજાવી શકે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમ પાસે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશને બરતરફ કરવાની અથવા સસ્પેન્ડ કરવાની સત્તા પણ નથી.
કોલેજિયમ નિમણૂકો પાછી ખેંચી શકે છે, બદલીઓની ભલામણ કરી શકે છે અને તપાસ સમિતિઓની રચના કરી શકે છે. આ કેસમાં, જસ્ટિસ વર્માની બદલી કરવામાં આવી હતી અને સમિતિનો અહેવાલ સરકાર અને રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યો હતો, જેમાં મહાભિયોગની ભલામણ કરવામાં આવી હતી. અહીંથી દડો હવે સરકાર અને સંસદના ખોળામાં છે. મહાભિયોગ એ એકમાત્ર પદ્ધતિ છે જેના દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના વર્તમાન ન્યાયાધીશોને દૂર કરી શકાય છે, પરંતુ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આજ સુધી આવું ક્યારેય બન્યું નથી. અગાઉ, ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા કલકત્તા હાઈકોર્ટના તત્કાલીન ન્યાયાધીશ સૌમિત્ર સેન સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેમણે લોકસભામાં મતદાન પહેલાં રાજીનામું આપી દીધું હતું, એટલે કે ત્યાં પણ પ્રક્રિયા પૂર્ણ થઈ શકી ન હતી.
જસ્ટિસ વર્મા કેસ ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં એક ક્વચિત પણ ન બને એવી ઘટના છે. ન્યાયતંત્રની ગરિમાને નુકસાન ન થાય અને લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે, ભૂતપૂર્વ CJI સંજીવ ખન્નાએ દેશ સાથે કેસ સંબંધિત માહિતી શેર કરી. ઉપરાંત, તેમની પહેલ પર, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ તેમની સંપત્તિની વિગતો પણ જાહેર કરી. હવે જો આ મામલો મહાભિયોગ સુધી પહોંચે છે, તો ત્યાં પણ એક લાંબી પ્રક્રિયા થશે. વિચારવાનો મુદ્દો એ છે કે શું ન્યાયતંત્રની સ્વતંત્રતા અકબંધ રાખીને પ્રક્રિયાની જટિલતા ઘટાડી શકાય છે?
આ મામલાની તપાસ માટે ત્રણ જજોની સમિતિની રચના કરી છે. એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે જસ્ટિસ યશવંત વર્માને થોડા સમય માટે કોઈ ન્યાયિક જવાબદારી સોંપવામાં ન આવે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ વર્માને દિલ્હીમાંથી હટાવીને અલ્હાબાદ હાઈકોર્ટમાં પાછા મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશને આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. આજે, જસ્ટિસ વર્મા અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનના વિરોધનો સામનો કરી રહ્યા છે. તેઓ ખુદ એક સમયે આ સંગઠનનો ભાગ હતા.