બંદૂકના નાકમાંથી શક્તિ નીકળતી હોય તેવું લાગે છે. નાના રાષ્ટ્રોના સાર્વભૌમત્વ પર પહેલા-બીજા વિશ્વયુદ્ધ વખતે પણ ન હતું તેવું જોખમ છે. યુક્રેન પર રશિયન આક્રમણ અને વેનેઝુએલા અને ઈરાન પર અમેરિકાના હુમલા સૂચવે છે કે આગામી દિવસોમાં તાઇવાન જેવા અન્ય કટોકટીગ્રસ્ત દેશોને અસ્તિત્વ ટકાવી રાખવાના પડકારનો સામનો કરવો પડશે. અગાઉ ચીન તિબેટને ગળી ગયું છે અને નેપાળમાં રાજકીય રીતે એણે પોતાનો સમર્થક પક્ષ ઊભો કરી દીધો છે જેનું હમણાં સુધી શાસન હતું. હવે બાલેન શાહ ભારત વિરોધી હોવા છતાં ચીનના મિત્ર નથી. એ બહુ ચાલાક ડાન્સર પ્રાણી છે. હવે યુદ્ધને કારણે ભારતે સાંકડા ભેડાઘાટમાંથી પસાર થવાના દિવસો શરૂ થયા છે. સપ્લાય ચેઇનમાં વિક્ષેપો અને ટ્રમ્પના ટેરિફિયા વ્યાપારિક આતંકને કારણે વૈશ્વિક અર્થતંત્ર પહેલાથી જ ડગમગી રહ્યું છે. રોજગારીની તકોમાં ઘટાડો થયો છે, અને લોકો ભારે ફુગાવાનો સામનો કરી રહ્યા છે. ઈરાન પર યુએસ-ઇઝરાયલ હુમલાના પરિણામો આગામી દિવસોમાં, મધ્ય પૂર્વ અને પશ્ચિમી દેશો બંનેમાં અધિક કડવાશ સાથે અનુભવાશે.
સમરથ કો દોષ નહિ આ કહેવતને અનુસરીને પશ્ચિમી દેશો ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલાને યોગ્ય ઠેરવી રહ્યા છે. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખૌમેની અને અન્ય ટોચના દિગ્ગજોના મૃત્યુને કોઈ પણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં. તેઓ કેવા છે એ અલગ વાત છે. આ વૈશ્વિક કાયદો અને વ્યવસ્થાના ભંગાણનો અને અમેરિકાના સામ્રાજ્યવાદી મનસુબાઓની પરાકાષ્ઠાનો સમય છે. ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી, તેમણે વૈશ્વિક સાર્વભૌમત્વ અને સંયુક્ત રાષ્ટ્ર સહિત વિશ્વની તમામ નિયમનકારી સંસ્થાઓને શક્તિહીન બનાવી દીધી છે. વિશ્વ ફરી એકવાર જંગલ રાજ તરફ આગળ વધી રહ્યું છે. ઈરાને ચાર હજાર કિલોમીટર દૂર સુધીની પોતાની પ્રહાર ક્ષમતાનું પ્રદર્શન હવે શરૂ કર્યું છે. તો પણ મોટું માછલું નાના માછલાને ખાઈ જાય એ મત્સ્યગલાગલ ન્યાય આ યુદ્ધને પણ લાગુ પડે છે.
અમેરિકાના રશિયન ઓઈલ ન ખરીદવાના દબાણને કારણે આ માર્ગ દ્વારા ભારતીય પુરવઠો પણ વધ્યો છે. હવે તો નાછૂટકે મુક્તિ અપાતા રશિયન ટેન્કરો ભારતમાં ઠલવાઈ રહ્યા છે. જો યુદ્ધ મે મહિના સુધીમાં પૂરું ન થાય તો ભારતીયોએ ભવિષ્યમાં પેટ્રોલિયમના ભાવમાં વધારાનો અવાર નવાર સામનો કરવો પડશે. લાલ સમુદ્રમાંથી તેલનો પુરવઠો પણ ઈરાન તરફી હુતી બળવાખોરોના ભયથી પ્રભાવિત થયો છે. ભારતને પણ અસ્વસ્થતાભરી રાજદ્વારી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. ભારત હાલમાં ગ્લોબલ સાઉથમાં નેતૃત્વનો દાવો કરે છે અને હાલમાં બ્રિક્સનું અધ્યક્ષપદ ધરાવે છે, ગયા વર્ષે ઈરાન પણ તેનું સભ્ય બન્યું છે. પરંતુ વડપણ બધાને કેમ છો મઝામાં - જેવી ફોનાફોની નિભાવવાથી અદા કરી શકાતું નથી. એ માટે વિચક્ષણ કુનેહ જોઈએ જે ઓઈલની જેમ આયાત કરી શકાતી નથી.
ઈરાનમાં શાસન પરિવર્તન અને તેના પરમાણુ કાર્યક્રમને નાબૂદ કરવા અંગે જે સંઘર્ષ શરૂ થયો હતો તે હવે ઉર્જા યુદ્ધમાં પરિણમ્યો છે. બંને પક્ષો એકબીજાના ઓઈલ અને ગેસ માળખાને નષ્ટ કરવા માટે તૈયાર છે. આ સંઘર્ષે વૈશ્વિક ઉર્જા બજારને હચમચાવી નાખ્યું છે. યુક્રેન યુદ્ધની શરૂઆત પછી ગેસ અને ઓઈલના ભાવ સૌથી વધુ છે,
ઈઝરાયલે સૌપ્રથમ દક્ષિણ પાર્સ ગેસ ક્ષેત્ર પર હુમલો કર્યો. ત્યારબાદ ઈરાને કતાર અને સાઉદી અરેબિયામાં ઓઈલ અને ગેસ સ્થાપનો પર હુમલો કરીને બદલો લીધો. દક્ષિણ પાર્સ વિશ્વનો સૌથી મોટો કુદરતી ગેસ ભંડાર છે, જે ભૂગર્ભમાં તો છેક કતાર સુધી ફેલાયેલો છે. ઈરાનની સ્થાનિક ઉર્જા જરૂરિયાતો અહીંથી પૂરી થાય છે. આ પહેલા, અમેરિકાએ ખાર્ગ ટાપુ પર હુમલો કર્યો હતો, જ્યાંથી ઈરાનનું ઓઈલ નેટવર્ક ચાલે છે. ગેસ ક્ષેત્ર પરના હુમલા બાદ, યુરોપમાં કુદરતી ગેસના ભાવ એક જ દિવસમાં ૩૦ ટકા વધ્યા.
જે રીતે આ સંઘર્ષ આગળ વધી રહ્યો છે, તેનાથી સમગ્ર પશ્ચિમ એશિયામાં લાંબા ગાળાની અસ્થિરતાનું જોખમ છે. પેટ્રોલિયમ આ ક્ષેત્રના દેશો માટે આવકનો સૌથી મોટો સ્રોત છે. જો તેમનું ઉત્પાદન અને પુરવઠા શૃંખલા ખોરવાઈ ગઈ છે, તેને પુનઃસ્થાપિત કરવામાં સમય લાગશે. ગલ્ફ દેશો વિશ્વના લગભગ એક તૃતીયાંશ ઓઈલ અને તેના કુદરતી ગેસનો ૧૮ ટકા પુરવઠો સપ્લાય કરે છે. આ વિના, બાકીનું વિશ્વ ટકી શકશે નહીં. અમેરિકા અને ઇઝરાયલ ઇચ્છે છે કે ઇરાની લોકો ઉભા થાય અને વર્તમાન શાસનને ઉથલાવી દે. જોકે, તેઓ જે રીતે ઇરાનના મહત્વપૂર્ણ માળખાને નષ્ટ કરી રહ્યા છે તે પ્રશ્ન ઉભો કરે છે ઃ જો શાસન બદલાય તો પણ, તે ખંડેરમાં ફેરવાઈ ગયેલા દેશનું સંચાલન કેવી રીતે કરશે ?


