Get The App

બિનકોરોના મૃત્યુ ... .

Updated: Jun 24th, 2020

GS TEAM

Google News
Google News
બિનકોરોના મૃત્યુ  ...             . 1 - image


કોરોના સામે ભારત ભવ્ય વિજય કરશે એવી કલ્પના સાથે રંગેચંગે જનતા કરફ્યુનું એલાન કરવામાં આવેલું. એના બે દિવસ બાદ જ વડાપ્રધાનને પરિસ્થિતિની ગંભીરતા દેખાતા એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કર્યું. સરકારે બીજા બધા દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના નહીં ફેલાય એવી ગણતરી રાખી હતી. પ્રથમ લોકડાઉનમાં તો પ્રજાનો ઉત્સાહ પણ અતિરેકની કક્ષાએ હતો. ઘરની બહાર નીકળનારાઓને દેશદ્રોહી તરીકે ચિતરવાના જ બાકી રાખ્યા હતા. 

કોરોનાનો ચેપ લાગવાને કારણે ઘણા ભારતીયોનું મૃત્યુ થયું. તો લોકડાઉન દરમિયાન એવા ઘણા ભારતીયોનું મૃત્યુ થયું જેના મૃત્યુનું કારણ કોરોના વાયરસ ન હતો પણ લોકડાઉન હતું. લોકડાઉન મોટી કિંમત ચૂકવીને ચાલુ રાખવામાં આવ્યું હતું અને તેનો હેતુ સંપૂર્ણપણે ફળીભૂત ન થયો તે એક કડવી હકીકત છે.

લોકડાઉનને કારણે આખા દેશ સામે પડકારો ઘણા હતા. ભય અને તણાવે પ્રજાના માનસને ઘેરી લીધા હતા. શ્રમિકોને તેના વતન પરત મોકલવાની જે અણઘડ કવાયત હાથ ધરવામાં આવી તેમાં પણ શ્રમિકોના મૃત્યુ થયા. સ્વતંત્ર સંસ્થાઓના સર્વે મુજબ લોકડાઉનને કારણે દેશમાં સેંકડો લોકોના મૃત્યુ થયા જેનું કારણ કોરોના વાઇરસ ન હતો.

આ અવસાનના કારણોમાં ભૂખમરો, રોડ અકસ્માત કે આપઘાત જેવા હતા. ઓગણીસ માર્ચથી બિનકોરોના મોતની માહિતી એકઠી કરવાની શરૂઆત થઇ. પુરી શકયતા છે કે ઘણી વ્યક્તિઓના મૃત્યુની નોંધ સરકારે નહીં લીધી હોય કે આવી સંસ્થાના ધ્યાનમાં નહીં આવી હોય.

વિદેશી સામયિક લેન્સેટમાં આવેલા રિપોર્ટ મુજબ લોકડાઉનને કારણે બારેક લાખ જેટલા શિશુઓના અકાળે મૃત્યુ થઈ શકે છે. જન્મ આપતી વખતે માતાના મૃત્યુદરમાં આ વરસે વધારો થયો છે. સાડા ચાર ટકાના વધારા સાથે બાળમૃત્યુદર ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. વિકાસશીલ અને ગરીબ દેશોમાં મેલેરિયા, ન્યુમોનિયા કે ડાયરીયા જેવા રોગ બાળકોના મૃત્યુ માટે કારક બનતા હોય છે.

લોકડાઉનને લીધે આવી બીમારીઓના ઈલાજને ઓછું મહત્વ અપાય છે પરિણામે બાળકનું અપમૃત્યુ સંભવિત છે. શરૂઆતી દૌરમાં તો લોકો હોસ્પિટલ કે ક્લિનિકથી જોજનો દૂર રહેવાનું પસંદ કરતા. માટે નાની લાગતી બીમારીઓ પણ ઘણા કિસ્સામાં જીવલેણ સાબિત થઈ છે. અગિયાર કરોડથી વધુ બાળકોને જુદી જુદી રસી આપવાનો કાર્યક્રમ ઠેબે ચડી ગયો છે. કરોડો બાળકો લોકડાઉનને લીધે રસી વિનાના રહ્યા છે. બાળકો માટે આ જોખમી સાબિત થઈ શકે છે.

બિનકોરોના મૃત્યુનો અત્યાર સુધી સામે આવેલો આંકડો નવસો મૃતકોનો છે જેમાંથી ત્રણસો પાંત્રીસ જેટલા તો શ્રમિકો હતા. પોતાના વતન પરત ફરી રહેલા શ્રમિકો કે સામાન્ય લોકોના રસ્તામાં જ માર્ગ અકસ્માતને કારણે મૃત્યુ થયા હોય એવા બસ્સો નવ જેટલા મૃત્યુ છે.

ભૂખમરા કે આર્થિક તંગીને કારણે એકસો સડસઠ વ્યક્તિઓના જીવ ગયા છે. એકસો પચ્ચીસ જેટલા લોકોએ આપઘાત કર્યા છે. શ્રમિક ટ્રેનોમાં જ પંચાણું જેટલા શ્રમિકો અવસાન પામ્યા હતા. સમયસર મેડિકલ સેવા ન મળવાના કારણે સાઠ લોકોના જીવ ગયા. લોકડાઉનમાં આપોઆપ દારૂબંધી થઈ ગયેલી.

દારૂ ન મળવાના કારણે ઘણા વ્યસનીઓના શરીરે પોતાની જ જૈવિક સિસ્ટમ પર હુમલો કર્યો અને તેને કારણે ઓગણપચાસ લોકોના મૃત્યુ થયા. સતત ચાલવાના કારણે કે લાંબી કતારમાં ઉભા રહેવાના કારણે પણ મૃત્યુ પામનારાની સંખ્યા ચાલીસથી ઓછી નથી. લોકડાઉન દરમિયાન ગુનાખોરી અટકી ન હતી. હત્યાના બનાવો બન્યા એમાં અઢાર લોકો અવસાન પામ્યા તો પોલીસના લાઠીચાર્જ કે હિંસક અથડામણને લીધે બાર લોકો પરલોક સિધાવી ગયા.

ચેપ ન લાગ્યો હોય પણ લોકડાઉનની પરોક્ષ અસરને કારણે મૃત્યુ પામ્યા હોય એવા સૌથી વધુ કિસ્સા ઉત્તરપ્રદેશમાં બન્યા. ઉત્તરપ્રદેશમાં એકાણું, મહારાષ્ટ્રમાં બાણું, મધ્યપ્રદેશમાં ચોસઠ અને બિહારમાં ઓગણસાંઠ મૃત્યુ નોંધાયા. ગુજરાત, તામિલનાડુ અને તેલંગણામાં ચેપગ્રસ્ત થયા વિના લોકડાઉનને કારણે એકતાલીસ જેટલા મૃતકોની સંખ્યા બહાર આવી છે. યુનિસેફ સંસ્થા યુનેસ્કો કરતા પણ વધુ વિશ્વસનીય ગણાય છે.

યુનિસેફ બિનઆરોગ્યશાખાના ચિફ ડોક્ટર સ્ટીફન પીટરસનનું લોકડાઉન સંબંધિત નિવેદન વાંચવા લાયક છે. તેઓ કહે છે કે - 'લોકડાઉન' રોગચાળાને અટકાવવા માટેનો સૌથી અસરકારક રસ્તો ન હોય શકે. વિકાસશીલ અને ગરીબ દેશોમાં લોકડાઉનની ધારી અસર ન મળે. એક જ રૂમમાં સાત વ્યક્તિઓ રહેતા હોય એવા વિસ્તારમાં લોકડાઉન વાયરસનું સંક્રમણ અટકાવી શકે નહી. 

Tags :