પશ્તુન આંદોલનનો આરંભ .
પાકિસ્તાન નામના સાપે તાલિબાન નામના છંછુદરને ગળવાનો પ્રયાસ કરવાની જે ગુસ્તાખી કરી છે તે તેને બહુ જ ભારે પડી રહી છે. પાકિસ્તાને અમેરિકા તરફ યાચક દ્રષ્ટિથી એટલે જોવું પડે છે કારણ કે પાકિસ્તાનને અત્યારે ૧૯૭૧ કરતા પણ વધુ ખરાબ સંજોગો દેખાઈ રહ્યા છે. ૧૯૭૧માં માત્ર ૧૪ દિવસની અંદર પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા હતા. આવતા વરસે ૨૦૨૬ માં પાકિસ્તાન ફરીથી છૂટક ઘટકોમાં વિભાજિત થાય એવી શક્યતા દેખાઈ રહી છે. મામલો ગંભીર છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ડુરાન્ડ રેખા અંકિત થયેલી છે. ઇતિહાસમાં થયેલી ઘણી અણસમજ ભૂલોમાંની તે એક ભૂલ તે સરહદ છે. ડુરાન્ડ લાઈનને કારણે એક જ કોમના લોકો બંને દેશો વચ્ચે વિભાજિત થઈ ગયા છે. પાકિસ્તાનમાં પશ્તુન લોકો વર્ષોથી નારાજ છે. પશ્તુનો અફઘાનિસ્તાનમાં પણ છે. તેને કારણે હજારો ચોરસ કિલોમીટરનો પ્રદેશ વિવાદાસ્પદ થઈ ગયો છે. હવે પશ્તુનોએ નવેસરથી સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કરી છે.
પાકિસ્તાનમાં કાશ્મીરના નામે ચૂંટણીઓ લડવામાં આવે છે. પણ પાકિસ્તાનનો માથાનો દુખાવો તેનો ઉત્તર-પશ્ચિમી પ્રદેશ છે જે અફઘાનિસ્તાન સાથે સીધા સંપર્કમાં છે. ખૈબર પખતુનવાલા અને બલુચિસ્તાન બંને પ્રદેશો અલગ થવા ચાહે છે. બલોચ લોકોએ પણ ભૂતકાળમાં ઘણી વખત બળવો કર્યો છે. આજે પણ એ લડવૈયાઓ સ્વતંત્રતા માટે લડે છે. પાકિસ્તાનમાં એક ચળવળ વર્ષોથી ચાલે છે. તે ચળવળનું મુખ્ય એન્જિન પશ્તુન તહફ્ફુઝ મુવમેન્ટ છે. જેને અલગ પશ્તુનોનો દેશ જોઈએ છે. આ પક્ષના લોકોને ઇસ્લામાબાદ સરકાર સાથે બનતું નથી. વધુમાં, તેહરિક-એ-તાલિબાન તો વધુ ઉગ્ર સંગઠન છે. પાકિસ્તાનના આ ગુ્રપને તાલિબાનો માટે સહાનુભૂતિ છે અને સરકાર માટે નફરત. પાકિસ્તાન પ્રમાણમાં ઘણો પ્રોગ્રેસિવ એવો ઇસ્લામિક દેશ છે. આ વાત ઘણા કટ્ટર સંગઠનોને ખૂંચે છે. તેહરિક-એ-તાલિબાનના વડા મુલ્લાહ વલી મેહસુદે પાકિસ્તાનના બીજા ઘણા સંગઠનોને પોતાના સંગઠનમાં ભેળવી દીધા જે પાકિસ્તાની સરકારને ધિક્કારે છે.
આ બધા સંગઠનોની પ્રવૃતિઓ છેલ્લા થોડા મહિનામાં ધમધમવા લાગી છે. તેની એક સાબિતી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં વધી રહેલી આતંકી પ્રવૃત્તિઓને પણ ગણી શકાય. દક્ષિણ વઝીરિસ્તાન પ્રદેશમાં હમણાં સાત પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. તેહરિક-એ-તાલિબાને આ હુમલાની જવાબદારી સામે ચાલીને સ્વીકારી. ચા કરતા કિટલી વધુ ગરમ હોય એવી સ્થિતિ અત્યારે પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં જોવા મળે છે. પાકિસ્તાની સંસ્થા આઈએસઆઈ તેના ઉંદરકામ માટે કુખ્યાત છે. આઈએસઆઈનું વર્ચસ્વ કાબુલ ખાતે ન વધી જાય તે માટે બધા તાલિબાની નેતાઓ બહુ સજાગ છે. તાલિબાની નેતાઓ પાકિસ્તાનથી ઘણા નારાજ પણ છે. મુલ્લાહ બરાદર અને મુલ્લાહ ઇબ્રાહિમ જેવા ઘણા તાલિબાની નેતાઓ જે અત્યારે મુક્ત છે પણ એક સમયે તેમણે પાકિસ્તાનની જેલમાં વર્ષો કાઢયા હતા. માટે અફઘાની નેતાઓને પાકિસ્તાન માટેની દાઝ વર્ષો જૂની છે. અફઘાનમાં સત્તા મળ્યા પછી એ દાઝ તીવ્ર થઈ છે.
તાલિબાન અત્યારે પાકિસ્તાનમાં કોઈ ભાંગફોડ કરી શકે એમ નથી. અલ-કાયદા સાથે કેમ કામ પાર પાડવું એ પણ તાલિબાની નેતાઓ સામે એક ચેલેન્જ છે. પણ તાલિબાને કરવાનું કામ હવે તેના વતી પાકિસ્તાનમાં જ રહીને પાકિસ્તાનના લોકોનું બનેલું સંગઠન તેહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) કરી રહ્યું છે. તાલિબાને ટીટીપીના હજારો કેદીઓને મુક્ત કરી દીધા છે. તેમાંથી અમુક સિનિયર મિલીટન્ટ પણ છે. જેલમાંથી છૂટયા પછી મૌલવી ફકીર મોહમ્મદે બીજા ઘણા મુજાહીદીન સંગઠનોને એક થઈ જવા માટે હાકલ કરી છે. ઇસ્લામાબાદમાં વસતા નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.
પાકિસ્તાનના એક મંત્રીએ હમણાં જ તાલિબાનને વિનંતી કરી કે અફઘાનિસ્તાનમાં ટીટીપીને આશરો આપવામાં ન આવે અને એક પણ પાકિસ્તાની વિરોધી તત્વો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં ન આવે. અફઘાનિસ્તાન અત્યારે પોતાને સંભાળી શકે એમ નથી એમાં પારકી પંચાતમાં પડવું તેને પોસાય એમ નથી. અફઘાનિસ્તાનની વિદેશમાં પડેલી ઘણી એસેટને ફ્રીઝ કરી દેવામાં આવી છે. ચીન તેની આદત મુજબ તાલિબાનના પડખે ઉભું છે. પાકિસ્તાન બીજું અફઘાનિસ્તાન ન બની જાય તેના ડરમાં જીવી રહ્યું છે.