એક અંધારી ટનલ .
આખું જગત જાણે કે એક અંધારી ટનલમાં પ્રવેશ્યું છે. કોઈ જાણતું નથી કે આ અંધકારનો છેડો ક્યારે આવશે. બસ સમયની ઘટમાળમાં આગળને આગળ ચાલ્યા જ કરવાનું છે. અમાસની રાતના તારા જેવું સ્હેજસાજ અજવાળું હોય તો એ પણ આગળની સફરમાં લુપ્ત થવાનું છે.
વિશ્વભરની પ્રજા કોરોના સંકટમાં વધુ ને વધુ એવી ફસાતી જાય છે કે બધા જ પોતાને નિઃસહાય અને નિરુપાય સમજવા લાગ્યા છે. સ્ટે હોમ હવે એક પ્રચલિત જ્ઞાાનસૂત્ર છે. પરંતુ હાઉ કેન યુ મેનેજ યોર હોમ ઓનલી બાય સ્ટેયિંગ એટ હોમ ? એનો જવાબ કોઈ પાસે નથી. સ્વનિર્ણયની ગૃહકેદ જેઓ સ્વીકારતા નથી તેઓ ગમે ત્યાં કોરોનાને ઠેબે ચડી જાય છે અને જેઓ ઘરમાં સ્થિર થઈ જાય છે એમનું ફેમિલી ફાઈનાન્સ અસ્થિર થવા લાગે છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકામાં દરરોજ કોરોના સંક્રમિત ૬૦,૦૦૦ નવા કેસ સપાટી પર આવે છે. એ આંકડો લાખ સુધી પહોંચવાનો છે. રોજના લાખ નવા કેસ ! અમેરિકામાં કુલ કેસની સંખ્યા ચાલીસ લાખ થવા થવા આવી છે. ભારતમાં કોરોનાથી થતા મૃત્યુનો આંક રોજનો સરેરાશ એક હજાર છે અને ગુજરાતમાં નવા સંક્રમિત કેસોનો આંકડો પણ રોજનો સરેરાશ હજાર છે. વિશ્વના કુલ સંક્રમિતોની સંખ્યા દોઢ કરોડથીય વધુ છે.
અમેરિકામાં અંદાજે દોઢ લાખ જિંદગીઓ આ મહામારીમાં હોમાઈ ગઈ છે. દોઢ લાખ નાગરિકોના મોત એટલે શું ? કોઈ પણ માંદગી ન હતી અને જિંદગી લીલ્લીછમ, ખુશહાલ, નિશ્ચિન્ત અને મોજેમોજમાં વહેતી હતી. વિશાળ બંગલાઓ, ફળિયામાં સુંદર બગીચા, આંગણે જ ફળોથી લચી પડતાં ઓલિવ અને સફરજનના વૃક્ષો.... આ બધું મૂકીને જેઓ પંચતત્ત્વમાં એકાએક જ વિલીન થઈ ગયા છે એમના પરિવારમાં સન્નાટો છે. અને હજુ એમાંના અનેક પરિવારમાંથી બીજા અને ત્રીજા ક્રમે પણ પરિજનો અનંતયાત્રાએ નીકળી રહ્યા છે.
અણધારી રીતે જ આવી જતા જિંદગીના પૂર્ણવિરામ સામે માણસજાત દિગ્મૂઢ બનીને બેઠી છે. કોરોના સામે લડવાના હવાતિયાં ગમે તેટલા સોફિસ્ટિકેટેડ અને કોર્પોરેટેડ હોય તોય આખરે એ હવાતિયાં જ નીવડતા દેખાય છે. જીવનદાતા એવી કોઈક સંજીવની ઔષધિની પ્રતિક્ષામાં બંધ બારીના કાચમાંથી જગત બહાર જોઈ રહ્યું છે.
ઈટાલીમાં હવે બારી ખોલી શકાતી નથી. કારણ કે નજીકના મકાનમાં જે પરિવારનો છેલ્લો સભ્ય મૃત્યુ પામે તો એની ખબર કેમ પડે ? એની જાણ સ્થાનિક સરકારી તંત્રને કોણ કરે ? એ જાણ બે, ચાર કે પાંચ દિવસે હવા જ કરે છે એટલે મિલાન શહેરની બધી બારીઓ બંધ છે. દુનિયાના મોટાભાગના રાષ્ટ્રનેતાઓ પ્રજાના દુઃખને સમજી શક્યા નથી. તેઓ તેમના ગુમાનમાં જ ફરે છે. પ્રજાજીવનની સંવેદના સાથે એમનું કોઈ જોડાણ નથી. તેમના ચહેરા પર પ્લાસ્ટિકના ફૂલો જેવું અભદ્ર અને નકલી હાસ્ય દેખાય છે. તેઓ તેમની રાજરમતમાંથી ઊંચા આવતા નથી અને કોરોના કેસ વધતા જ જાય છે. બધા દેશોની હાલત આ છે.
વળી એવું પણ નથી કે આ અંધારી ટનલનો કોઈ અંત આવવાનો નથી. એકાએક જ કદાચ હવામાન બદલાય કે કોઈ દિવ્ય ઔષધિ હાથ લાગી જાય કે કોરોના સ્વયં જ લુપ્ત થઈ જાય એવું પણ બને. આશા અમર છે. આવા તો લાખો સંકટો પાર કરીને આદિમાનવે માનવજાત ટકાવી છે. એ આપણા આદિપુરુષો હતા. તેઓ હિંસક પશુઓથી ઘેરાયેલા હોય તો મહિના મહિના સુધી ઊંચા ઘટાદાર વૃક્ષોની ડાળીઓએ દિવસો પસાર કરતા. ગુફાવાસીઓ પણ દ્વારે આગ સળગાવીને પરિવારનું રક્ષણ કરતા. વરસાદી જંગલોમાં પણ તેઓ સતત ભીંજાતી જિંદગી જીવતા અને વરસો સુધીનું આયુષ્ય ભોગવતા. પ્રાગૈતિહાસિક યુગમાં પૃથ્વી પર અનેક રેઇન ફોરેસ્ટ હતા.
તુલસીદાસના રામચરિત માનસમાં ઉત્તરકાણ્ડમાં કલિયુગનું લાઘવયુક્ત વર્ણન આવે છે. એમાં લખ્યું છે કે જ્યારે કલિયુગ આવશે ત્યારે લોકો એકબીજા સામે જોઈને પૂછતાં કે વિચારતા હશે કે 'કા જાઈ... કા કરિ...' એટલે હવે ક્યાં જવું ને શું કરવું ? કોરોનાએ આખા જગતને તુલસી કથિત એ સ્થિતિમાં મૂકી દીધું છે. ચીન અને ઉત્તર કોરિયાના વૃત્તાંત પર એમની દુષ્ટ સરકારોની સેન્સરશિપ છે એટલું જ બાકી ત્યાં પણ મોંઘેરા મોતનું ડિસ્કાઉન્ટ સેલ હાહાકાર મચાવે છે.
અતિશય ઉચ્ચ પ્રકારનો આત્મવિવેક, ખતરનાક સાવધાની અને પ્રબળ શરીરશક્તિ વિના વ્યક્તિગત રીતે તો આ યુદ્ધ જીતી શકાશે નહિ. અમેરિકાએ ભલે કરોડો ડોલરના સંભવિત ખર્ચની તૈયારી સાથે કોરોના વિરોધી વેક્સિનના ઓર્ડર આપ્યા પરંતુ એ બધુંય ટેબલ પરના ચિત્રો જેવું છે. વાસ્તવિકતા તો હજુ પણ જુદી જ છે અને વેક્સિન તો બહુ દૂર દૂર છે.