સેનામાં અગ્નિવીર યોજનાના અમલ દરમિયાન તેમની અલ્પકાલીન સેવા અને નિવૃત્તિ બાદના ભવિષ્યને લઈને અનેક પ્રકારની શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ હવે ધીમે-ધીમે ઘણી આશંકાઓ નિરાધાર સાબિત થઈ રહી છે. પ્રશિક્ષિત અગ્નિવીરો માટે નવા-નવા અવસરો સર્જાઈ રહ્યા છે. તાજેતરમાં હરિયાણા સરકારે રાજ્યમાં રચાનારી ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સમાં અગ્નિવીરોને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ નિશ્ચિત રૂપે આનંદદાયક છે કે અગ્નિપથ યોજનાના પ્રથમ બેચની સેવા અવધિ પૂર્ણ થાય તે પહેલાં જ હરિયાણા સરકારે તેમના સમાયોજનની પહેલ કરી છે, જેનું અનુસરણ દેશના અન્ય રાજ્યોને પણ કરવું જોઈએ. આથી આ કુશળ અને પ્રશિક્ષિત યુવા શક્તિની ઊર્જાનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બની શકે. હકીકતમાં, હરિયાણામાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)માં અગ્નિવીરોને પ્રાધાન્ય આપવાની વાત કરવામાં આવી છે.
આ પગલાથી એક તરફ અગ્નિવીરોની નવી પેઢી સામે આવશે અને બીજી તરફ રાજ્યને તેમની કુશળ તાલીમનો લાભ મળશે. એ પણ સત્ય છે કે સમય બદલાતાં આપદાઓની પુનરાવૃત્તિ અને તેમની વિનાશકતા વધી રહી છે; આવી સ્થિતિઓનો સામનો કરવા માટે અનુભવી અને પ્રશિક્ષિત દળની તાત્કાલિક જરૂરિયાત સરકારો અનુભવી રહી છે, જે માત્ર એક સ્થાયી, વ્યાવસાયિક અને પૂર્ણકાલીન દળ દ્વારા જ શક્ય છે. હરિયાણા સરકારે ખાતરી આપી છે કે રાજ્યમાં રચાનારી SDRF બટાલિયનનો મહત્તમ ભાગ અગ્નિવીરોનો હશે. અગ્નિવીરોની SDRF કુદરતી આપદાઓ જેમ કે પૂર, ભૂકંપ, ઔદ્યોગિક અકસ્માતો, આગ અને રાસાયણિક આપદાઓના પડકારોનો સફળતાપૂર્વક સામનો કરી શકશે. આપણા ગુજરાતના દરેક કલેક્ટોરેટ અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટ આવે છે. એનો સ્ટાફ મુખ્યત્ત્વે સાપ અને કરડાકુ કૂતરાઓ અંગેના ફોન એટેન્ડ કરવામાં નિપુણ હોય છે. જેવો વિચાર હરિયાણાની કામ કરતી સરકારને આવ્યો એવો વિચાર સત્તાની વારસાઈ નક્કી કરનારી અને બારે માસ પ્રચારના ઢોલ વગાડનારી રાજ્ય સરકારોને નહિ આવે.
ગુજરાતના નેતાઓ જેવી આપવડાઈ ને સ્વઘોષિત સ્વપ્રશંસા દેશમાં બીજે જોવા મળતી નથી. અગ્નિવીરોને મળેલી કઠોર તાલીમ આપાત્કાલીન પરિસ્થિતિઓમાં અત્યંત ઉપયોગી સાબિત થશે, કારણ કે આવી પડકારજનક પરિસ્થિતિઓમાં ઝડપથી કાર્યવાહી કરીને નાગરિકોના જીવનનું રક્ષણ કરવું મુખ્ય પ્રાથમિકતા હોય છે, જે માત્ર પ્રશિક્ષિત અને અનુભવી ટીમ દ્વારા જ શક્ય બને છે. રાજ્યનાં તમામ ડિવિઝનોમાં ક્વિક રિસ્પોન્સ ટીમોની તૈનાતી કરવામાં આવશે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના નોઇડામાં ધુમ્મસના કારણે થયેલા માર્ગ અકસ્માતમાં એક યુવા એન્જિનીયરનું મોત થયું હતું. પોતાના પુત્રને મૃત્યુના મોંમાં સમાતો જોઈને લાચાર પિતાએ પોલીસ પાસે મદદ માગી હતી, પરંતુ મદદ માટે આવેલી ટીમ પાસે આ પડકારનો સામનો કરવા જરૂરી સાધનો અને અનુભવ નહોતાં. પરિણામે યુવા એન્જિનીયર પિતાની નજર સામે જ ડૂબીને મૃત્યુ પામ્યો. અનેક લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
આવી દુર્ઘટનાઓથી આપદા રાહત દળને પ્રશિક્ષિત કરવા અને જીવન રક્ષણ માટેનાં તમામ જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવાની આવશ્યકતા વધુ સ્પષ્ટ બની છે. આવી પરિસ્થિતિમાં હરિયાણામાં SDRF બટાલિયનના ગઠન અને તેમાં પ્રશિક્ષિત તથા અનુભવી અગ્નિવીરોની નિમણૂકની જાહેરાત બાદ આશા જાગી છે કે રાજ્યની સુરક્ષા કુશળ હાથોમાં રહેશે. પરિણામે કુદરતી, ઔદ્યોગિક તથા આગજની જેવી ઘટનાઓમાં જાનહાનિ ઘટાડવામાં મદદ મળશે. જોકે અત્યાર સુધી હરિયાણામાં આપદા વ્યવસ્થાપનના ક્ષેત્રમાં IRBની બટાલિયન પહેલેથી જ નોડલ ડિઝાસ્ટર રિસ્પોન્સ એજન્સી તરીકે સક્રિય રહી છે. તેના હેઠળ સેંકડો કર્મચારીઓને આપદાઓનો સામનો કરવા માટે તાલીમ આપવામાં આવી છે. છતાં પણ આપદાઓ અને અકસ્માતોની વધતી વિનાશકતા વચ્ચે એક વિશેષ અને સ્થાયી દળની જરૂરિયાત સરકાર સતત અનુભવી રહી છે.
અનુભવી નેતૃત્વ હેઠળ પ્રશિક્ષિત ટીમ અને આધુનિક જીવન રક્ષણ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે તો SDRF તમામ પડકારોનો સામનો કરવામાં સક્ષમ બનશે. સેનામાં અગ્નિવીરોને મળેલી કુશળ તાલીમ, શિસ્ત અને પડકારોનો સામનો કરવાનો અનુભવ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને વધુ અસરકારક બનાવશે. આ આધારે જ સરકારે SDRF બટાલિયામાં તેમને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે. નિશ્ચિત રીતે, આ પગલાંથી રાજ્યમાં આપદા સમયે તાત્કાલિક પ્રતિભાવ ક્ષમતાને મજબૂતી મળશે. સાથે જ અગ્નિવીરોને પોતાની ક્ષમતા પ્રદર્શિત કરવાનો નવો મંચ મળવાથી યુવા પેઢી માટે અગ્નિવીર યોજના એક વ્યવસાયિક વિકલ્પ તરીકે પણ વધુ આકર્ષક બનશે.


