વ્યૂહાત્મક અર્થનીતિ અનિવાર્ય .
વ્યૂહાત્મક અર્થનીતિ અનિવાર્ય
જેમનું નામ અત્યારે શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર હોવા છતાં વિશ્વની દરેક આર્થિક ક્ષિતિજે ગાજી રહ્યું છે તે આપણા આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મંદીની એક જુદા જ પ્રકારની દહેશત વ્યક્ત કરીને દુનિયાના આર્થિક માંધાતા બની બેઠેલા રાષ્ટ્રોને ચેતવણી આપી છે કે જો વ્યૂહાત્મક આર્થિક નીતિઓનું અને વ્યાપારતંત્રનું ઘડતર કરવામાં નહિ આવે તો તેજીનો વૈશ્વિક પ્રારંભિક વાયરો પણ લુપ્ત થઇ જશે. માર્શલ મેકલૂહાન સહિતના વિદ્વાનોએ ઉચ્ચારેલી ગ્લોબલ વિલેજની વિભાવનાનો યુગ ઉદિત થયો અને હવે એ અસ્ત થવા લાગ્યો છે કારણ કે દરેક દેશ માત્ર પોતાના અંગત વ્યાપારી હિતો માટે જ નીતિઓ ઘડે છે. રઘુરામનું કહેવાનું છે કે વ્યાપાર-વાણિજ્ય પદ્ધતિઓ કોઇ અંતરાય નથી પરંતુ વ્યાપાર નીતિની આડશમાં ચાલતી આંતરરાષ્ટ્રીય કિન્નાખોરી વિશ્વ બજારને તબક્કાવાર ખતમ કરી નાંખશે. તેમણે ચીન-અમેરિકાના હાલના ટ્રેડવોરના લાંબા પડછાયા તરીકે મંદીને ઓળખી છે અને જો ટ્રેડવોર હવે આગળ વધે તો વૈશ્વિક મંદી નિશ્ચિત માની છે. ગુગલ અને સ્વીગી જેવી જાયન્ટ કંપનીઓએ ચાલુ કરેલી કર્મચારીઓની છટણી રઘુરામની આશંકાને સમર્થન આપે છે.
રઘુરામે ભારત સરકાર માટે સ્પષ્ટ કહ્યું છે કે બિઝનેસના સર્વોત્તમ વાતાવરણના નિર્માણ માટે કોઈ પણ દેશે એન્ટી માઈનોરિટીની જો જરા સરખી પણ ઈમેજ હોય તો એને દૂર કરી લેવી જોઈએ. કારણ કે દરેક મહાન ઉદ્યોગપતિ હવે અમેરિકા અને ચીન સિવાયની નવી ભોમકાની શોધમાં છે. દુનિયાના ટોપ ટેન નિકાસલક્ષી દેશોની યાદીમાં ભારતે પ્રવેશ કર્યો એના પર રઘુરામે ઘણી રસપ્રદ વાતો કહી છે. મંદી અંગેની સંભાવનાઓના ગહન અભ્યાસી અને પ્રકાણ્ડ અર્થશાસ્ત્રી તરીકે રઘુરામની નામના છે. ઈ.સ. ૨૦૦૮ની ભીષણ વૈશ્વિક મંદીની આગાહી તેમણે જ સૌ પ્રથમ જાહેર કરી હતી, પરંતુ ત્યારે તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે ૨૦૦૮ની મંદીને પાછી ઠેલી શકાય કે સાવ અશક્ય ઠેરવાય એવા કોઇ સંજોગો નથી અને ૨૦૦૮ની મંદી સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લઇ લેશે અને ખરેખર તેમજ થયું હતું. પરંતુ આ વખતે તેમણે જાહેર કરેલી મંદીની સંભાવના અંગે જો વિશ્વ સમુદાય જાગૃત રહે તો સંભવિત મંદીને તેજીમાં રૃપાંતરિત કરી શકાય છે. રઘુરામે અગાઉ કરેલી આગાહી જે સાચી પડી તે આર્થિક મંદીની હતી અને હમણાંની દહેશત વ્યાપારિક મંદીની છે, આ મંદી આગળ જતા પૂર્ણ આર્થિક મંદીનું સ્વરૃપ લઇ લે છે.
ભારત જેવા દેશોમાં હજુ વાણિજ્યની કુલ રેવન્યૂમાં નફાની ટકાવારી ઊંચી છે. ઉપરાંત જેની ચિંતા અત્યારથી રઘુરામે વ્યક્ત કરી તે હકીકતમાં રિસેશન (મંદી) પછી આવનારા ડિપ્રેશન (આથક વિષાદ)ની છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં શરૃ થયેલા નવા લાબિંગનો ઉલ્લેખ કર્યા વિના તેમણે અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપારયુદ્ધને શાંત પાડવાનો દ્રઢ આગ્રહ રાખ્યો, જો તેમ નહીં થાય તો વૈશ્વિક વ્યાપાર બે ભાગમાં વહેંચાઇ જશે અને આખરે તો એ બન્ને પક્ષકારોમાં મંદી પ્રલયની જેમ ફરી વળશે એટલે કે અમેરિકા કે ચીનની પડખે રહેનારા દેશો પણ આ મહાસત્તાઓ જેટલા જ મંદીના સપાટામાં આવી જશે. ભારતના રૃપિયાના પતન વિશે રઘુરામે અજબ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે તે એક શુભ સંકેત છે. તેમણે રૃપિયાના ભવિષ્યની મજબૂતી તરફ ઈશારો કરીને એમ પણ કહ્યું કે રૃપિયો તો ડૉલરની ચડતીની માત્ર એક નકારાત્મક પ્રતિચ્છાયા છે. રૃપિયાને ફરી મજબૂત થતા બહુ વાર નહિ લાગે. ભારતમાં અત્યારે પ્રત્યક્ષ મંદીનું વાતાવરણ નથી પરંતુ આર્થિક શિથિલતા છે. નોટબંધી અને જીએસટીના આફટરશોક હજી પણ ચાલુ છે.
જીએસટી તો એક આંચકા સાથે રાતોરાત લાગુ કરવામાં કરપ્રણાલિકા છે એટલે ક્રમશ: થાળે પડી જશે પરંતુ નોટબંધીએ અર્થતંત્રને એકાએક જ જે શીર્ષાસન કરાવ્યું એને કારણે જે આર્થિક ભય ઔદ્યોગિક ક્ષેત્રોમાં સન્ક્રાન્ત થયો છે તેની અસરો હજી જોવા મળે છે. કોરોના અને લોકડાઉનને કારણે એ આંચકાઓ જીવંત રહ્યા છે. જે રીતે રેરાના કાયદાએ રિયલ એસ્ટેટમાં ચાલુ મંદીની બજારમાં અધિક સ્થગિતતા લાવી આપી તે જ રીતે આવકવેરા ખાતાના ડરને કારણે પણ નવા ઔદ્યોગિક સાહસો, રોકાણો અને જાયન્ટ ડાયવર્સિફિકેશન્સ અટકી ગયેલા છે, જેને સામાન્ય થતાં હજુ પણ સમય લાગશે. દેશમાં ઉત્પાદન ક્ષમતા ધરાવતા યુનિટો દ્વારા સરેરાશ ત્રીસથી ચાલીસ ટકા જેવો કાપ ચાલી રહ્યો છે. અત્યારે જેટલું ઉત્પાદન છે તેટલી બજાર દરેક ઉત્પાદકને મળવી સુલભ નથી. સાથે જોબ સેકટરમાં પણ રોજગારીની અછત છે. વિદેશી રોકાણકારોએ છાને પગલે ભારતીય બજારમાંથી પીછેહઠ શરૃ કરી છે. કેન્દ્રની એનડીએ સરકારે ભારતીય અર્થતંત્ર પર જે અજબ ગજબ પ્રયાગો કર્યા તે કર્યા પરંતુ એના પછી ય કોઇ ચોક્કસ નવી આર્થિક નીતિ સરકાર રજૂ કરી શકી નથી.