દેશમાં બજેટની મોસમ ચાલુ છે અને વિવિધ રાજ્યો દ્વારા આગામી નૂતન નાણાંકીય વર્ષના બજેટ તબક્કાવાર રજૂ થઈ રહ્યા છે. દરેક રાજ્ય સરકાર પોતાની રીતે મનમોહક અને લોકલુભાવન મેજિક મિક્સ રજૂ કરી રહ્યા છે. દરેક રાજ્યના નાણાંપ્રધાનો સર્વપ્રસન્નોસ્તુ ફોર્મ્યુલા૨ પર કામ કરી રહ્યા છે. સામાન્ય રીતે બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલના અભિભાષણથી થાય છે. આ ભાષણ જે તે રાજ્યની પ્રવર્તમાન રાજ્ય સરકારે તૈયાર કરેલું હોય છે અને કેબિનેટ પ્રધાનો દ્વારા એ મંજુર થયેલું હોય છે. જે પછીથી રાજભવન મોકલવામાં આવે છે. આ ભાષણમાં મુખ્યત્વે રાજ્ય સરકારના લોકહિત લર્ધક શાસન અને અનુશાસનની વાત સીધી આત્મસ્તુતિ ન લાગે એવા વિવેક પુરઃસર કહેવાઈ હોય છે. મહત્ રાજ્યપાલો એના કન્ટેન્ટમાં ફેરફાર કરતા નથી અને ફેરફાર કરે તે લગભગ કથનરીતિ અને ભાષા-પરિભાષા પૂરતા મર્યાદિત હોય છે.
છેલ્લા કેટલાક સમયથી આ પરંપરા હવે દેશની ડબલ એન્જિન સરકાર ધરાવતા રાજ્યોમાં જ અસ્તિત્વ ધરાવે છે. જ્યાં કેન્દ્રની શાસક સરકાર સિવાયની સરકાર છે ત્યાં વહુની સામે વાંધા કાઢતી સાસુ જેવા છણકા કરતા રાજભવનો જોવા મળે છે ને સામે પક્ષે એનું એક કારણ એ પણ હોય છે કે રાજ્ય સરકારના મનમાં કેન્દ્રનો જે મહિમા હોવો જોઈએ તે અને રાજ્યપાલ પરત્વેના આદરમાં કંઈક ઘટ પણ હોય છે. રાજ્યપાલ અને રાજ્યસરકાર વચ્ચેની આ આછી તિરાડ આ વરસે વિસ્તરતી જોવા મળી છે જે સંઘીય લોકશાહીના ભારતીય મોડેલ માટે એક જોખમ છે. કેટલાક રાજ્યોને તેમના અધિકારથી અધિક સત્તા જોઈએ છે તે એમનો બંધારણીય દોષ છે અને કેટલાક રાજ્યો કે જ્યાં પોતાના પક્ષ કે પોતાના ગઠબંધનની સરકાર નથી ત્યાં કેન્દ્રની શાસક સરકાર વધારે પડતી આજ્ઞાાંકિતતા અને યસમેન સીએમ ચાહે છે જે એનો પણ બંધારણીય દોષ છે.
તમિલનાડુ અને કેરળ વિધાનસભામાં રાજ્યપાલો દ્વારા સંબોધનો ન વાંચવાની ઘટનાઓએ રાજ્ય સરકારો અને રાજભવનો વચ્ચે વધતા સંઘર્ષને સપાટી પર લાવી દીધો છે. બંધારણ મુજબ, રાજ્યપાલે મંત્રી પરિષદ દ્વારા મંજૂર કરાયેલ ભાષણ વાંચવું જરૂરી છે, પોતાનો વ્યક્તિગત અભિપ્રાય વ્યક્ત કરવાનો હોતો નથી આ એક પરંપરા છે. આ પરિસ્થિતિ સંઘીય વ્યવસ્થામાં સંતુલનની જરૂરિયાત પર ભાર મૂકે છે. ભારતીય બંધારણ રાજ્યપાલના પદને ગૌરવ, સંતુલન અને પરંપરાના પ્રતીક તરીકે સ્થાપિત કરે છે. તેમની ભૂમિકા બંધારણનું પાલન કરાવવાની અને મંત્રી પરિષદની સલાહ પર કાર્ય કરવાની છે. જોકે, તમિલનાડુ અને કેરળ વિધાનસભાઓમાં જે બન્યું તે રાજ્ય સરકારો અને રાજભવનો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષોની શ્રેણીમાં નવીનતમ ઘટનાઓ છે.
કેરળની પિનારાયી સરકારે આરોપ લગાવ્યો કે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ ભાષણ વાંચ્યું ન હતું. તેમણે કેન્દ્ર સરકારની નીતિઓને કારણે કેરળને નાણાંકીય કટોકટીનો સામનો કરવો પડયો તે વર્ણવતા ભાગોને છોડી દીધા હતા. દરમિયાન, તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ વાર્ષિક બજેટ માટેનું વિધાનસભા સત્ર શરૂ થતાં પહેલાં પરંપરાગત ઉદઘાટન ભાષણ વાંચ્યું ન હતું, કારણ કે તેમણે તથ્યો અને રાષ્ટ્રગીતનો અનાદર કર્યો હતો એમ સરકારે કહ્યું હતું. હકીકતમાં રાજ્યપાલે આગ્રહ રાખ્યો હતો કે પ્રાદેશિક ભાષાના રાજ્યગીત પછી રાષ્ટ્રગાન પણ આદર સાથે પ્રસ્તુત થવું જોઈએ.
બંધારણ અને પરંપરા બંનેમાં રાજ્યપાલને રાજ્ય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ ભાષણ આપવાનો આદેશ છે. આ ભાષણ રાજ્યપાલનો વ્યક્તિગત અભિપ્રાય નથી, પરંતુ ચૂંટાયેલી સરકારની નીતિઓનો સત્તાવાર દસ્તાવેજ છે. બંધારણ મુજબ, રાજ્યપાલ મંત્રીમંડળની સલાહ પર કાર્ય કરે છે. તેઓ સંબોધન દ્વારા પોતાનો વ્યક્તિગત અભિપ્રાય કે અસંમતિ વ્યક્ત કરી શકતા નથી.દેશની સંઘીય વ્યવસ્થામાં, રાજ્યપાલનું પદ બંધારણીય ધોરણોનું પાલન કરવા માટે વધુ બંધાયેલું છે. તેમની પાસેથી બંધારણના રક્ષક તરીકે કાર્ય કરવાની અપેક્ષા રાખવામાં આવે છે અને તેઓ જે પણ પગલું ભરે છે તે રાજકીય રહેશે નહીં. આ પહેલી વાર નથી જ્યારે આ સંબોધન સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હોય.
જોકે, પદની ગરિમા એ નક્કી કરે છે કે રાજ્યપાલે તે સમયે પોતાની ફરજો બજાવવી જોઈએ. ગૃહમાં ઉભા રહીને સંબોધન વાંચવાનો ઇનકાર કરવાથી રાજ્યપાલની ભૂમિકાનું રાજકારણમાં રૂપાંતર થઈ જાય છે. સંતુલન જરૂરી છે.ગયા વર્ષે, સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં જણાવ્યું હતું કે તે રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ માટે બિલોને મંજૂરી આપવા માટે ન્યાયિક સમય મર્યાદા નક્કી કરી શકાતી નથી. તે નિર્ણય સત્તાના સંતુલનને પ્રતિબિંબિત કરે છે. સરકારો અને રાજ્યપાલોએ સમાન સંતુલન દર્શાવવાની જરૂર છે.


